ધનતેરસની રાત્રે કરો આ 5 દિવ્ય મંત્રોની સાધના: ધન, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે વિશેષ શુભ સંયોગ
ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલએ જણાવ્યું કે ઋણમુક્તિ, વેપાર-ધંધામાં પ્રગતિ, નોકરીમાં ઉન્નતિ, સ્થિર લક્ષ્મી અને આરોગ્ય માટે પ્રાચીન મંત્રશાસ્ત્રમાં વિશેષ ઉપાસનાઓનું વર્ણન છે.
દિવાળીના પર્વમાં ધનતેરસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસ માત્ર સોના-ચાંદીની ખરીદીનો જ નહીં, પરંતુ માતા મહાલક્ષ્મી, ભગવાન કુબેર અને ધન્વંતરિની આરાધનાનો પણ પવિત્ર અવસર છે. ધાર્મિક માન્યતા અનુસાર ધનતેરસની રાત્રે કરવામાં આવતી મંત્રસાધના ધન, ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
ધનતેરસ-ધનપૂજા-કુબેરપૂજા-ચોપડા લાવવા, ધનતેરશ ધન્વંતરી જયંતી શુક્રવાર તા.૦૬-૧૧-૨૦૨૬
શુભ મુહૂર્ત સમય :
સવારમાં ૦૮-૧૨ થી ૯-૩૬ લાભ ચોઘડીયું
૯-૩૬ થી ૧૦-૫૯ અમૃત ચોઘડીયું , બપોરે
(સર્વ શ્રેષ્ઠ અભિજીત મુહૂર્ત ૧૨-૦૧ થી ૧૨-૪૫)
૧૨-૨૪ થી ૧૩-૪૭ શુભ ચોઘડીયું સાંજે ૧૬-૩૫ થી૧૭-૫૭ ચલ ચોઘડીયું અને રાત્રે ૨૧-૧૧થી ૨૨-૪૭ લાભ ચોઘડીયા
૨૪.૨૩ થી ૨૬-૦૦ શુભ ચોઘડિયું , ૨૬-૦૦ થી ૨૭.૩૬ અમૃત ચોઘડીયું,
૨૭-૩૬ થી ૨૯-૧૩ ચલ ચોઘડીયું સુધી ધનતેરસની પૂજા અને ઉત્થાપન કરી શકો છો
માં ધનપૂજા કરવા તથા ચોપડા લાવવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત
આ અંગે જાણીતા જ્યોતિષી ચેતન પટેલ જણાવે છે કે પ્રાચીન મંત્રશાસ્ત્રમાં મહાલક્ષ્મીની અનેક મંત્રસાધનાઓનું વર્ણન મળે છે. આ મંત્રો આર્થિક મુશ્કેલીઓ, દેવું, વેપાર-ધંધામાં અવરોધ, નોકરીમાં પ્રગતિ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિની કામના માટે પ્રચલિત છે. ધનતેરસની રાત્રે શ્રદ્ધા, સંકલ્પ અને નિયમપૂર્વક મંત્રજાપ કરવાનું વિશેષ મહત્ત્વ છે.
મહાલક્ષ્મી પૂજન માટે જરૂરી સામગ્રી
મહાલક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ અથવા લક્ષ્મી સિક્કો, કમળકાકડી કે સ્ફટિકની માળા, કમળ, ગુલાબ તથા પીળાં-કેસરી પુષ્પો, કુમકુમ, હળદર, ચંદન, અબીલ-ગુલાલ, ગુલાબનું અત્તર, અક્ષત, ગંગાજળ, પંચામૃત, સોપારી, નાડાછડી, તજ, લવિંગ, ઈલાયચી, ઘીનો દીવો, ધૂપ, અગરબત્તી, દૂધની મીઠાઈ, મીઠાં ફળ, તાંબાનો કળશ અને સફેદ, લાલ કે પીળું આસન રાખવું.
પૂજાવિધિ: સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં. પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવું. પ્રથમ ગણપતિ સ્મરણ, ત્યારબાદ મહાલક્ષ્મીને ધૂપ, દીપ, પુષ્પ અને નૈવેદ્ય અર્પણ કરીને મનોકામનાનો સંકલ્પ લેવો અને મંત્રજાપ શરૂ કરવો.
ધનતેરસના ૫ વિશેષ મંત્ર અને તેમની સાધનાવિધિ
૧. દેવું અને કરજમાંથી મુક્તિ માટે લક્ષ્મી દશાક્ષર મંત્ર
મંત્ર: ૐ નમઃ કમલવાસિન્યૈ સ્વાહા॥
આર્થિક તંગી, કરજ અને ધનની અછત દૂર કરવાની પ્રાર્થના માટે આ મંત્રની સાધના કરવામાં આવે છે. શારદાતિલકની મંત્રપરંપરા સાથે આ ઉપાસના જોડાયેલી માનવામાં આવે છે.
વિધિ: સફેદ વસ્ત્રો ધારણ કરી ઉત્તરમુખે બેસી ઘીનો દીવો પ્રગટાવવો. કમળકાકડીની માળાથી ૩, ૬ કે ૯ માળા જાપ કરીને ત્યારબાદ સતત ૪૦ દિવસ દરરોજ એક માળા કરવી.
૨. ધન અને સૌભાગ્ય માટે મહાલક્ષ્મી બીજમંત્ર
મંત્ર: ૐ હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥
ધન, સૌભાગ્ય, સુખ અને પારિવારિક સમૃદ્ધિ માટે આ મંત્ર શુભ માનવામાં આવે છે.
વિધિ: મહાલક્ષ્મીને કમળપુષ્પ અર્પણ કરી કમળકાકડી અથવા સ્ફટિકની માળાથી ૩, ૬ કે ૯ માળા જાપ કરવો.
૩. વેપાર-ધંધા અને નોકરીમાં ઉન્નતિ માટે કમલા મંત્ર
મંત્ર: ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥
વેપારમાં વૃદ્ધિ, વ્યવસાયમાં સ્થિરતા, નોકરીમાં ઉન્નતિ અને આર્થિક વિકાસની કામના માટે મહાલક્ષ્મીના કમલા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.
વિધિ: ઉત્તરમુખે બેસીને કમળકાકડીની માળાથી ૩ કે ૯ માળા જાપ કરવો. સમય ઓછો હોય તો એક માળા પણ કરી શકાય.
આ પણ વાંચોઃ વિક્રમ સંવત 2083 મેષ રાશિ માટે કેવું રહેશે? જાણો નોકરી, વેપાર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ રાશિફળ
૪. ચારે દિશાથી સમૃદ્ધિ માટે ચતુર્બીજ લક્ષ્મી મંત્ર
મંત્ર: ઐં શ્રીં હ્રીં ક્લીં નમઃ॥
જ્ઞાન, સમૃદ્ધિ, શક્તિ અને આકર્ષણની ભાવના સાથે જોડાયેલો આ મંત્ર સ્થિર લક્ષ્મી અને આર્થિક સંતુલનની કામના માટે પ્રચલિત છે.
વિધિ: ધનતેરસે ૯ માળા જાપથી સાધના શરૂ કરી ત્યારબાદ સતત ૨૭ દિવસ દરરોજ એક જ સમયે ૩ માળા જાપ કરવો.
૫. કાર્યસિદ્ધિ અને આર્થિક સદ્ધરતા માટે સિદ્ધલક્ષ્મી મંત્ર
મંત્ર: ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં સિદ્ધલક્ષ્મ્યૈ નમઃ॥
કાર્યમાં સફળતા, આર્થિક સદ્ધરતા અને જીવનના અવરોધો દૂર કરવાની પ્રાર્થના માટે સિદ્ધલક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે.
વિધિ: ધનતેરસે સ્ફટિકની માળાથી ૧૧ માળા જાપ કરવો. ત્યારબાદ સતત ૩૬ દિવસ ઘીનો દીવો પ્રગટાવી દરરોજ એક માળા જાપ કરવો.
ધનતેરસની રાત્રે આ ૫ બાબતોનું ખાસ ધ્યાન રાખો
1. ઘર અને પૂજાસ્થાન સ્વચ્છ તથા પવિત્ર રાખવાં.
2. મુખ્ય પ્રવેશદ્વાર અને પૂજાસ્થાને દીવા પ્રગટાવવા.
3. મહાલક્ષ્મીને કમળ કે ગુલાબનાં પુષ્પો અર્પણ કરવાં.
4. શક્ય હોય તો જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર કે ધનનું દાન કરવું.
5. પોતાની મનોકામના અનુસાર એક મુખ્ય મંત્ર પસંદ કરી શ્રદ્ધાપૂર્વક નિયમિત જાપ કરવો.
જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર તમામ નવ મંત્રોની સાધના કરવી જરૂરી નથી. પોતાની જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે એક મંત્ર પસંદ કરી શકાય છે. મંત્રસાધનામાં સંખ્યા કરતાં શ્રદ્ધા, નિયમિતતા, પવિત્રતા અને સદાચારનું વિશેષ મહત્ત્વ છે.
મહાલક્ષ્મી માત્ર ધનનાં નહીં, પરંતુ સૌભાગ્ય, સંતોષ, સુખ, સદાચાર અને કલ્યાણનાં પણ પ્રતીક છે. ધનતેરસની સાચી ઉપાસના ભૌતિક સમૃદ્ધિની સાથે આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક જીવનની પ્રેરણા આપે છે.
જાણીતા જ્યોતિષી ચેતન પટેલ