Dhanteras Special: એક સુકાયેલા આમળાના દાનથી થયો સોનાનો વરસાદ! જાણો કનકધારા સ્તોત્ર અને યંત્રપૂજાનું રહસ્ય
ધનતેરસે કનકધારા યંત્રની પૂજા અને સ્તોત્રપાઠનું વિશેષ મહત્ત્વ; દરિદ્રતા નિવારણ, ઋણમુક્તિ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાચીન પરંપરામાં અનોખી સાધના. આજના સમયમાં અત્યંત દુર્લભ મનાતું કનકધારા યંત્ર અતિ ફળદાયી બને. જાણો વિગતો.
જ્યોતિષી ચેતન પટેલ: સનાતન ધર્મમાં માતા મહાલક્ષ્મીને ધન, ઐશ્વર્ય, સૌભાગ્ય અને સમૃદ્ધિનાં અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે અનેક સ્તોત્રો અને મંત્રસાધનાઓનું વર્ણન જોવા મળે છે. તેમાં આદિ શંકરાચાર્ય દ્વારા રચિત કનકધારા સ્તોત્ર અને કનકધારા યંત્રપૂજાનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ સાધના આર્થિક સંકટ, દરિદ્રતા અને દેવામાંથી મુક્તિની પ્રાર્થના માટે કરવામાં આવે છે.
એક આમળાના દાનથી વરસ્યાં સોનાનાં આમળાં!
કનકધારા સ્તોત્રની ઉત્પત્તિ પાછળ અત્યંત હૃદયસ્પર્શી પૌરાણિક કથા પ્રચલિત છે. કહેવાય છે કે ૮ મી સદીમાં બાલ્યાવસ્થામાં બ્રહ્મચારી આદિ શંકરાચાર્ય એક દિવસ ભિક્ષા માંગવા ગરીબ બ્રાહ્મણના ઘરે પહોંચ્યા. ઘરમાં અન્નનો એક દાણો પણ નહોતો. બ્રાહ્મણ સ્ત્રીએ આખું ઘર શોધ્યું, પરંતુ અંતે માત્ર એક સુકાયેલું આમળું મળ્યું. પોતે ભૂખી હોવા છતાં તે સ્ત્રીએ અતિશય શ્રદ્ધા અને દાનભાવથી પોતાનું છેલ્લું આમળું શંકરાચાર્યની ઝોળીમાં મૂકી દીધું. તેની નિઃસ્વાર્થ ભાવના જોઈ શંકરાચાર્યનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે માતા મહાલક્ષ્મીને તે સ્ત્રીની દરિદ્રતા દૂર કરવા પ્રાર્થના કરી. લોકકથા અનુસાર માતા લક્ષ્મીએ જણાવ્યું કે પૂર્વજન્મના કર્મોને કારણે તેના ભાગ્યમાં ધનપ્રાપ્તિનો યોગ નથી.
ધનતેરસ 2026: દેવી લક્ષ્મી, કુબેર અને ધન્વંતરિની ઉપાસનાથી ચમકશે ભાગ્ય: જાણો પૂજાના શુભ મુહૂર્ત અને વિધિ
ત્યારે શંકરાચાર્યએ વિનંતી કરી કે, જે સ્ત્રીએ પોતાની પાસે રહેલું છેલ્લું આમળું પણ દાનમાં આપી દીધું, તેની આ નિઃસ્વાર્થ ભાવના શું મહાન પુણ્ય નથી? આ કરુણાભરી પ્રાર્થના સાથે તેમણે માતા મહાલક્ષ્મીની સ્તુતિરૂપે કનકધારા સ્તોત્રની રચના કરી.
માન્યતા છે કે આ સ્તુતિથી પ્રસન્ન થઈ માતા લક્ષ્મીએ બ્રાહ્મણ સ્ત્રીના ઘરમાં સોનાનાં આમળાંનો વરસાદ કર્યો. ત્યારથી કનકધારા સ્તોત્રને દરિદ્રતા નિવારણ અને લક્ષ્મીકૃપા માટે વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે.
કનકધારા યંત્ર અને સ્તોત્રનું મહત્ત્વ
જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર ધાર્મિક પરંપરામાં કનકધારા યંત્રને માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનું પવિત્ર સાધન માનવામાં આવે છે. કનકધારા સ્તોત્રના પ્રચલિત પાઠમાં 21 શ્લોકો છે. શ્રદ્ધાપૂર્વક તેના નિયમિત પાઠ અને યંત્રપૂજાથી ધન-ધાન્ય, વેપાર-રોજગારમાં પ્રગતિ, ઋણમુક્તિ, માન-સન્માન, માનસિક શાંતિ અને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે.
ખાસ કરીને શુક્રવાર, ધનતેરસ, દિવાળી અને અક્ષય તૃતીયા જેવા શુભ પ્રસંગોએ આ સાધના કરવી ઉત્તમ માનવામાં આવે છે.
કનકધારા યંત્રની સ્થાપના અને સરળ પૂજાવિધિ
પૂજા સામગ્રી:
તાંબા, ચાંદી અથવા સુવર્ણનો ઢોળ ચડાવેલું કનકધારા યંત્ર, કે પવિત્ર રીતે તૈયાર કરેલું યંત્ર કે તેનો ફોટો લાલ વસ્ત્ર , ગંગાજળ, પંચામૃત, કંકુ, ચંદન, અક્ષત, લાલ પુષ્પ, ધૂપ, ઘીનો દીવો અને મીઠાઈ અને ફળનો પ્રસાદ.
સ્થાપના વિધિ:
સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં. પૂજાસ્થાનમાં બાજઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી યંત્રની સ્થાપના કરવી. યંત્રની સામગ્રીને અનુરૂપ ગંગાજળ અથવા પંચામૃતથી પવિત્રીકરણ કરી સ્વચ્છ કરવું. પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી.
ધનતેરસે મહાલક્ષ્મીની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર! જાણો પૂજાના શુભ મુહૂર્ત, મંત્ર અને સંપૂર્ણ વિધિ
મંત્રપૂજા:
માતા મહાલક્ષ્મીનું ધ્યાન ધરી કંકુ, ચંદન, અક્ષત અને લાલ પુષ્પ અર્પણ કરવાં. ધૂપ-દીપ પ્રગટાવી નીચેના મંત્રની 108 વાર જપમાળા કરવી.
કનકધારા યંત્ર મંત્ર:
ૐ વં શ્રીં વં ઐં હ્રીં શ્રીં ક્લીં કનકધારાયૈ નમઃ॥
ત્યારબાદ આદિ શંકરાચાર્ય રચિત કનકધારા સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો. અંતે માતા મહાલક્ષ્મીને મિશ્રી, મખાના અથવા મીઠાઈનો ભોગ ધરાવી આરતી કરવી અને પરિવારની સુખ-સમૃદ્ધિ તથા આર્થિક કષ્ટોના નિવારણ માટે પ્રાર્થના કરવી.
યંત્ર ક્યાં રાખવું અને શું ધ્યાન રાખવું?
કનકધારા યંત્રને ઘરના પૂજાસ્થાન, તિજોરી નજીક અથવા વેપારના સ્થળે સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ સ્થાપિત કરી શકાય છે. સ્થાપના કર્યા પછી નિયમિત ધૂપ-દીપ, પ્રાર્થના અને શક્ય હોય ત્યારે સ્તોત્રપાઠ કરવો શુભ માનવામાં આવે છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે .
કનકધારા સ્તોત્રનો સૌથી મોટો સંદેશ એ છે કે સાચી સમૃદ્ધિ માત્ર ધનથી નહીં, પરંતુ શ્રદ્ધા, કરુણા અને નિઃસ્વાર્થ દાનભાવથી પ્રાપ્ત થાય છે. એક ગરીબ સ્ત્રીનું નાનકડું દાન પણ મહાન બની શકે છે, અને ગયા જન્મના પાપ કે પુણ્ય આ જન્મમાં ફળે છે એ જ આ પૌરાણિક કથાનો આધ્યાત્મિક સાર છે.