Ambalal Patel Forecast: ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
Ambalal Patel Forecast: બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એકપછી એક સક્રિય થનારી સિસ્ટમોના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ અને તેજ પવનો ફૂંકાવાની ગંભીર સંભાવનાઓ છે.
1/5
બંગાળના ઉપસાગરમાં એકપછી એક મજબૂત સિસ્ટમ સર્જાશે
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં બંગાળની ખાડી ખૂબ જ સક્રિય રહેવાની છે. ૩ નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ આકાર લેશે, જે મજબૂત બનીને 'ડિપ્રેશન'માં ફેરવાઈ શકે છે. 6 થી 9 નવેમ્બરે બીજી એક મજબૂત સિસ્ટમ બનશે, જે ડીપ ડિપ્રેશન અથવા તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 16 નવેમ્બરે બંગાળની ખાડીમાં વધુ એક શક્તિશાળી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે.
2/5
૩ નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી ૩ નવેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીના કેટલાક વિસ્તારો તેમજ દ્વારકા અને જામનગરના ઘણા ખરા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજકોટના હવામાનમાં પણ અચાનક પલટો આવવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની પૂરી શક્યતા રહેલી છે.
3/5
તહેવારો દરમિયાન કમોસમી વરસાદનો ભય
તહેવારો દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદનો ભય તોળાઈ રહ્યો છે. દિવાળીના દિવસે આકાશમાં વાદળો ઘેરાઈ શકે છે. બેસતા વર્ષથી લઈને દેવદીવાળી સુધી બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને એકસાથે સક્રિય થવાના કારણે ગુજરાતના હવામાનમાં વારંવાર પલટા આવશે. 12, 13 અને 14 નવેમ્બરે રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને માવઠા જેવી સ્થિતિનું નિર્માણ થશે.
4/5
16 થી 22 નવેમ્બર દરમિયાન મજબૂત વાવાઝોડાનો ખતરો
હવામાનની હલચલ વચ્ચે 18 થી 22 નવેમ્બર દરમિયાન સમુદ્રમાં એક મજબૂત વાવાઝોડું આકાર લઈ શકે છે. આ વાવાઝોડાની સીધી કે આડકતરી અસર ગુજરાત પર થવાની પૂરી શક્યતા છે, જેના પરિણામે દક્ષિણ-પૂર્વીય તટ પર ભારે ગતિએ પવનો ફૂંકાઈ શકે છે.
5/5
2 ડિસેમ્બર આસપાસ વધુ એક ચક્રવાતની શક્યતા
અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, 2 ડિસેમ્બરની આસપાસ પણ બંગાળના ઉપસાગરમાં વધુ એક ચક્રવાત બનવાની સંભાવના છે. આમ, વારંવાર બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં થતી હલચલને કારણે દેવદિવાળી સુધી ગુજરાતનું વાતાવરણ અસ્થિર રહેશે અને ખેડૂતો તેમજ સામાન્ય જનતાએ હવામાનના પલટા માટે તૈયાર રહેવું પડશે.