Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ જ્યાં દેશના વિવિધ રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદની આગાહી છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં હાલ ગરમી અને સૂકા વાતાવરણનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્યમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની કોઈ જ શક્યતા નથી. જોકે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા નોંધપાત્ર ઊંચું રહ્યું છે. રાજકોટમાં 39.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં અંદાજે 1 થી 2 ડિગ્રી વધુ રહેવાની સંભાવના છે, જેના કારણે લોકોને ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે.
1/4
ગુજરાતમાં આગામી 19 થી 21 ઑક્ટોબર દરમિયાન શું રહેશે સ્થિતિ?
આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની કોઈ જ ખાસ શક્યતા નથી. રાજ્યમાં વરસાદને બદલે ગરમી અને સૂકા વાતાવરણનું જોર યથાવત્ રહેશે. ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ તરફ સક્રિય થયેલી અન્ય હવામાન પ્રણાલીઓની સીધી અસર ગુજરાત પર વર્તાઈ નથી, જેથી આગામી 19 થી 21 ઑક્ટોબર દરમિયાન પણ ગુજરાતમાં વાતાવરણ સૂકું અને ગરમ રહેવાની જ સંભાવના વધુ છે.
2/4
અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાનની આગાહી
અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારો માટે હવામાન વિભાગે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 થી 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. વાતાવરણ સૂકું રહેવાના કારણે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવાની ધારણા છે.
3/4
ચોમાસાની વિદાય, દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આગામી સમયમાં દેશના બાકીના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે અને દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં ઉત્તર-પૂર્વ ચોમાસાના વરસાદની શરૂઆત થશે. બીજી બાજુ, સક્રિય થયેલા નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'ના કારણે દેશના અનેક રાજ્યોનું હવામાન બદલાયું છે.
4/4
વરસાદ અને કરાની આગાહી
દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ, વાવાઝોડું અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં કરા પડવાની પણ સંભાવના છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ હવામાન બગડવાની આશંકા છે, જ્યારે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.