વિરોધ પ્રદર્શનો વચ્ચે બંગાળમાં ભાજપે ફરી ચોંકાવ્યા, મુસ્લિમ બહુમતીવાળી સીટ પર ઉમેદવારને ખોબલે ખોબલે મતો મળ્યા
Rejinagar Bypoll Result: 3:38 PM 10/9/2026પશ્ચિમ બંગાળ પૂરેપૂરું ભગવામય જોવા મળી રહ્યું છે. પેટાચૂંટણીઓમાં પણ ભાજપના ઉમેદવાર બંપર લીડ સાથે જોવા મળી રહ્યા છે. નંદીગ્રામ અને રેજીનગરમાં ભગવો લહેરાવવાની તૈયારી છે. કારણ કે બંને ઉમેદવારો જંગી લીડથી આગળ છે. આ બધામાં રેજીનગરની ચૂંટણીના જે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે ચોંકાવનારા છે કારણ કે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ભગવા પાર્ટીના ઉમેદવાર જંગી લીડથી આગળ છે.
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી વિધાનસભા ચૂંટણી સમયે બે સીટો પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાંથી ભવાનીપુરથી સીટ રાખી અને નંદીગ્રામ છોડી હતી જે મમતા બેનર્જીનો ગઢ હતો. હવે આ ગઢ ભાજપના નામે ફેરવાયો છે અને ટીએમસીના સૂપડાં લગભગ સાફ થતા જોવા મળી રહ્યા છે. કારણ કે પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર જંગી લીડથી જીતવાની અણીએ પહોંચી ગયા છે. જ્યારે બીજી સીટ રેજીનગરથી જે આંકડા આવી રહ્યા છે તે પણ અત્યંત ચોંકાવનારા છે કારણ કે હુમાયુ કબીરના ગઢ સમાન આ સીટ પરથી ભાજપના ઉમેદવાર જંગી લીડથી આગળ છે.
રેજીનગરે ચોંકાવી દીધા
- રેજીનગર વિધાનસભા સીટ માટે 6 ઓક્ટોબરે પેટાચૂંટણી થઈ હતી. આજે સવારના 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે.
- શરૂઆતથી જ આ સીટ પર ભાજપના ઉમેદવાર આગળ છે.
- ચૂંટણી પંચની વેબસાઈટના લેટેસ્ટ આંકડા મુજબ તેઓ હાલ 55000થી વધુ મતોથી આગળ છે.
- જ્યારે આમ જનતા ઉન્નાયન પાર્ટીના ઉમેદવાર બીજા નંબરે અને કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા નંબરે છે.
- મમતા બેનર્જીની પાર્ટી મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ચોથા નંબરે છે.
- આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના પ્રમુખ હુમાયુ કબીરે વિધાનસભા ચૂંટણીમાં આ વર્ષે નવદા અને રેજીનગર સીટોથી ચૂંટણી લડી હતી.
- જો કે નિયમ મુજબ એક જ સીટ રાખવાની હોવાથી તેમણે રેજીનગર સીટ છોડી હતી.
- આ સીટ પર તેમનો સારો એવો હોલ્ડ હતો. ત્યારબાદ પેટાચૂંટણી યોજાઈ હતી.
- જો કે આ વખતે પેટાચૂંટણીમાં એજેયુપીની સ્થિતિ ઠીક લાગી રહી નથી.
- 11માં રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવારને 100198 મત મળ્યા છે જ્યારે એજેયુપીના ઉમેદવારને 34987 મત મળ્યા છે.
- જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 3949 અને મમતાની ટીએમસીના ઉમેદવારને માત્ર 3181 મત મળ્યા છે.
- ભાજપના ઉમેદવાર હાલ 65211 મતથી આગળ છે.
મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર રેજીનગર
- અત્રે જણાવવાનું કે રેજીનગર મુસ્લિમ બહુમતીવાળો મતવિસ્તાર છે.
- આ સીટ પરથી ભાજપ ક્યારેય ચૂંટણી જીતી શક્યું નથી.
- પરંતુ પેટાચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ જોવા મળી રહ્યું છે.
- ભાજપની સામે જે રીતે બીજા ઉમેદવારોનો રકાસ થઈ રહ્યો છે તે અત્યંત ચોંકાવનારું છે.
હુમાયુના પુત્ર ગુલામનબીથી આગળ છે ભાજપ ઉમેદવાર
રેજીનગરમાં ભાજપના ઉમેદવાર શંખરાવ સરકાર આ વખતે AJUP પ્રમુખ હુમાયુ કબીરના પુત્ર ગુલામ નબી આઝાદ (રોબિન)થી આગળ નીકળી ગયા છે. આ સીટ પરતી પહેલા હુમાયુ કબીર જીત્યા હતા પરંતુ પેટાચૂંટણીમાં સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. હુમાયુ કબીરે પોતે સીટ છોડીને પુત્રને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો હતો. બીજી બાજુ મમતા બેનર્જીની પાર્ટીના ઉમેદવારને મળેલા મતો પણ મમતા બેનર્જી માટે આઘાત સમાન જોવા મળી રહ્યા છે. પૂરા 5000 સુધી પણ પહોંચ્યા નથી.
CJPની સાથે સાથે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોની ભીંસમાં લેવાની રણનીતિનો ભાજપ પાસે શું છે તોડ?
નંદીગ્રામમાં પણ ભાજપની લાખ ઉપર લીડ
- નંદીગ્રામ સીટ શુભેન્દુ અધિકારીએ છોડી હતી કારણ કે તેઓ બે સીટથી ચૂંટણી લડ્યા હતા.
- અહીંથી તેમણે તેમના નીકટના સહયોગી સ્વર્ગસ્થ ચંદ્રનાથ રથના માતા હસી રાની રથને ઉમેદવાર બનાવ્યા હતા.
- તેમણે અગાઉ જણાવ્યું હતું કે જો તેમને કોઈ મોટી જવાબદારી અપાશે તો તેઓ પૂરેપૂરી લગનથી નીભાવશે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અમારા પરિવારના સંરક્ષક છે. જો તેઓ મને કોઈ મોટી જવાબદારી આપશે તો હું તેને પૂરેપૂરી નિષ્ઠાથી સ્વીકારીશ. હું 1998થી રાજકારણમાં છું. બેવાર પંચાયત સભ્ય રહી ચૂકી છું. હું ત્રણવાર પંચાયત સમિતિની સભ્ય રહી ચૂકી છે. આ વખતે પણ જો મોટી જવાબદારી મળશે તો તેને પૂરેપૂરી લગનથી નિભાવવાની કોશિશ કરીશ.
લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો ચૂંટણી પંચની વેબસાઈટના આંકડાઓ મુજબ નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર હસી રાની રથ 122753 મતથી આગળ છે. તેમને 164427 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બીજા નંબરે છે જેમને 41674 મત મળ્યા છે. ત્રીજા નંબરે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા 5779 મત સાથે છે.
6 ઓક્ટોબરે થઈ હતી ચૂંટણી
6 ઓક્ટોબરના રોજ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પેટાચૂંટણી યોજાઈ હતી. મતદારોએ ખુબ ઉત્સાહ સાથે મતદાનમાં ભાગ લીધો હતો. રેજીનગરમાં 78.42 ટકાથી 80 ટકા જેટલું મતદાન નોંધાયુ હતું. વિપક્ષે વોટચોરી અને ધાંધલીના આરોપ પણ લગાવ્યા હતા. કોંગ્રેસે ફેર મતદાનની પણ માંગણી કરી હતી.