SIR પર હંગામા વચ્ચે મોટા સમાચાર, ચૂંટણી પંચે જણાવ્યું યાદીમાંથી કોના કપાઈ ગયા નામ
જ્યારથી SIR ચાલુ થયું છે ત્યારથી વિપક્ષ સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કરી રહ્યો છે. એક અખબારના રિપોર્ટ બાદ હવે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે મોરચો માડી દીધો છે. આ બધા વચ્ચે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર દરમિયાન જે મતદારોના નામ કપાયા છે તે અંગે ચૂંટણી પંચે મોટું નિવેદન આપ્યું છે.
દેશની રાજધાની દિલ્હીમાં ગઈ કાલે 6 ઓક્ટોબરના રોજ વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી હતી. એવો આરોપ છે કે એસઆઈઆરના નામે મતદાર યાદી સાથે ગડબડી થઈ, કરોડો મતદારોના નામ કપાયા અને ફોર્મ 6માં પણ ગેરબંધારણીય રીતે ફેરફાર કરાયો. એવો પણ આરોપ છે કે આ બધી ગેરરીતિઓના કારણે ભાજપ ચૂંટણી જીતી રહ્યો છે. હવે આ બધા વચ્ચે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જે નામો કપાયા હતા તેમની યાદી બહાર પાડી છે. અધિકારીઓનું એવું કહેવું છે કે જેમના નામ હટ્યા છે તેઓ ફોર્મ 6 ઓનલાઈન ભરીને જમા કરાવીને સામેલ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે વિપક્ષી પાર્ટીઓ તો એવી માંગણી કરી રહ્યા છે કે જે રાજ્યોમાં એસઆઈઆર હાથ ધરાયું તે રદ કરવામાં આવે.
કયા મતદારોના નામ હટ્યા?
- પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગેરહાજર, બીજે રહેવા ગયેલા, મૃત, કે હટાવવામાં આવેલા મતદારોના નામની યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટની સાથે સાથે સંબંધિત જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર અપાયેલા સંપર્ક સૂત્રોના માધ્યમથી પણ ઉપલબ્ધ છે.
- કોઈ પણ મતદારને એવું લાગતું હોય કે તેઓ પાત્ર હોવા છતાં તેમનું નામ યાદીમાંથી કપાઈ ગયું છે તો તેઓ મતદાર યાદીમાં ફેર નામ જોડાવવા માટે ફોર્મ 6 ઓનલાઈન જમા કરી શકે છે અથવા તો બૂથ સ્તરના અધિકારીનો સંપર્ક કરી શકે છે.
ફેર નામ સામેલ કરવાની રીત
- અધિકારીએ જણાવ્યું કે જે પાત્રતા ધરાવતા મતદારોના નામ યાદીમાંથી છૂટી ગયા છે તેઓ ઓનલાઈન ફોર્મ 6 જમા કરીને કે પછી પોતાના બૂથ સ્તરના અધિકારીના માધ્યમથી ફરી નામ જોડવાની અરજી કરી શકે છે.
- ચૂંટણી પંચે બૂથ સ્તરના અધિકારીઓને પણ એવા નિર્દેશ આપ્યા છે કે જેમના નામ એસઆઈઆર દરમિયાન મતદાર સૂચિમાંથી છૂટ્યા હોવાની આશંકા છે તેવા યોગ્ય મતદારોની ઓળખ કરવાના પ્રયાસોમાં તેજી લાવે.
ફોર્મ 6 પર હંગામો, શું કહ્યું સર્વોચ્ચ કોર્ટે
- અત્રે જણાવવાનું કે ફોર્મ 6માં ફેરફારના વિપક્ષના આરોપ વચ્ચે સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતે પણ ફોર્મ 6 વિશે એક મહત્વની ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે તેમના તરફથી ફોર્મ 6માં કોઈ પણ ફેરફારને મંજૂરી આપવામાં આવી નથી.
- આ સાથે જ કોર્ટે કહ્યું હતું કે પંચ તરફથી લેવાયેલા નિર્ણયોની તપાસ કરવામાં આવશે.
- સીજેઆઈ સૂર્યકાંતના નેતૃત્વવાળી બેન્ચે કહ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોની તપાસ કરાશે.
- જો કોઈ નિર્ણય કાયદાકીય રીતે ન લેવાયેલો જણાશે તો રદ કરાશે.
- કોર્ટેનું એવું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે ફોર્મ 6માં કોઈ પણ ફેરફારને મંજૂરી આપી નથી. આ ફેરફાર કોણે કર્યા છે તે જોવા પડશે.
- અત્રે જણાવવાનું કે આ ફોર્મ 6 દ્વારા કોઈ પણ પાત્રતા ધરાવનાર વ્યક્તિ મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે છે.