Gyanesh Kumar : સુપ્રીમ કોર્ટ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) પર 27 ઓક્ટોબરે સુનાવણી કરશે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, ભારતીય ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે આ કેસ અંગે આદેશ પસાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનરને ફટકારી નોટિસ
ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અને મતદાર યાદીને લગતા મુદ્દાઓને લઈને વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં ઈન્ડિયા બ્લોક દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી PIL અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, ત્યારે આ અંગે સુપ્રીમે મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી છે.
કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને પણ નોટિસ
અગાઉ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયોની તપાસ કરશે અને કાયદા અનુસાર ન હોય તેવા કોઈપણ નિર્ણયને રદ કરશે. કોર્ટે આ ટિપ્પણીઓ એવી અરજીઓની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચે અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના અનેક નિર્ણયો લીધા હતા. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને પણ નોટિસ પાઠવી છે.
ફોર્મ 6માં ફેરફાર અંગે તપાસ કરાશે
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટે 'સ્પેશિયલ સમરી રિવિઝન' (SSR) પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવાતા 'ફોર્મ 6'માં કોઈપણ ફેરફારને મંજૂરી આપી નથી. બેન્ચે જણાવ્યું હતું કે એકવાર રેકોર્ડ્સ તેની સમક્ષ રજૂ કરવામાં આવે, પછી તે તપાસ કરશે કે ફોર્મ 6માં ફેરફાર કરવાની મંજૂરી કોણે આપી હતી.