બાંગ્લાદેશનો ઉલ્લેખ કરીને આ શું બોલી ગઈ નેહા બોરા? AAPએ અંતર જાળવ્યું, ભાજપે કહ્યું-રીજીમ ચેન્જ હેતુ
Neha Bora Viral Video: સીજેપી પ્રોટેસ્ટમાં એક નામ ખુબ ગાજી રહ્યું છે અને તે છે આઈસા પ્રમુખ નેહા બોરા. નેહા બોરા નીટ પ્રોટેસ્ટમાં પણ ચર્ચામાં આવી હતી અને હવે મુખ્ય ચૂંટણી કમિશનર સામેના વિરોધ પ્રદર્શનમાં પણ ગાજી રહી છે. આજકાલ રાહુલ ગાંધીની સાથે જોવા મળે છે. જો કે હાલમાં તેનું એક નિવેદન ખુબ ચર્ચામાં છે. જેના પર વિવાદ પણ છેડાયો છે.
ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ની પ્રમુખ નેહા બોરાએ કોકરોચ જનતા પાર્ટી અને કોંગ્રેસ તથા વિપક્ષી દળોએ છેડેલા ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ મોરચો છેડેલો છે. જો કે નેહા બોરાના એક વીડિયો હાલ ખુબ વિવાદમાં છે. જેમાં તેણે વિરોધ પ્રદર્શનનો શ્રેય જાણે બાંગ્લાદેશને આપ્યો છે.
બાંગ્લાદેશનો માન્યો આભાર
હાલ ભાજપના નેતાઓ દ્વારા નેહા બોરાનો જે વીડિયો શેર કરાઈ રહ્યો છે તેમાં તે બાંગ્લાદેશના જેન-ઝી આંદોલનની પ્રશંસા કરતી જોવા મળે છે. આ ઉપરાંત તેને મળી રહેલા સમર્થન બદલ આભાર પણ વ્યક્ત કરે છે. નેહા બોરા એવું કહેતી જોવા મળે છે કે અમને ખબર છે હાલ દેશમાં ઠેર ઠેર જે જેન ઝી આંદોલન જોવા મળે છે તેની શરૂઆત બાંગ્લાદેશમાં થઈ હતી. અમને રસ્તો દેખાડવા બદલ અને આ દેશના યુવાઓના સમર્થનમાં આવવા બદલ તમને અભિનંદન. અમને ખબર છે કે બાંગ્લાદેશમાં જે આંદોલન શરૂ થયું હતું તે લોકતંત્ર અને મતદારોના અધિકારો માટે હતું. આજે જે આંદોલનમાં યુવાઓ ભાગ લઈ રહ્યા છે તે પણ લોકશાહી અને મતદાન અધિકાર માટે છે. અમને ખબર છે કે તમારા દેશમાં જે લડાઈ તમે ધાર્મિક કટ્ટરવાદ વિરુદ્ધ લડી, તેના માટે આ દેશના જેન ઝી અને યુવાઓ પણ લડી રહ્યા છે.
નેહા બોરાના નિવેદનથી કોણે જાળવ્યું અંતર?
જો કે આ મુદ્દે દિલ્હી આમ આદમી પાર્ટી પ્રમુખ સૌરભ ભારદ્વાજે કહ્યું કે આ તેમનું વ્યક્તિગત માનવું હોઈ શકે છે. મારું માનવું છે કે ભારતના Gen Z શહીદ એ આઝમ ભગતસિંહથી પ્રેરિત છે. જે 23 વર્ષની ઉંમરે ફાંસીના ફંદાને ચુમીને લટકી ગયા. આપણે કોઈ બીજા દેશમાં જઈને પ્રેરણા શોધવાની જરૂર નથી.
ભાજપે કહ્યું-રીજીમ ચેન્જ હેતુ
આ સમગ્ર મામલે ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે રાહુલ ગાંધી અને આખી ઈકોસિસ્ટમ કોઈ પોલીટિકલ રેઝિસ્ટન્સ નથી કરવા માંગતા પરંતુ તેઓ રીજીમ ચેન્જ કરાવવા માંગે છે. નેહા બોરા રાહુલ ગાંધીની પોસ્ટર ગર્લ છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે બાંગ્લાદેશના Gen Z આંદોલનથી પ્રેરિત છે. જેવું બાંગ્લાદેશમાં થયું તેવું જ તેઓ ભારતમાં કરાવવા માંગે છે. જેનાથી સાબિત થાય છે કે રાહુલ ગાંધીનો હેતુ રાજકીય વિરોધનો નથી, પરંતુ ભારતના બંધારણ, લોકતંત્રને બરબાદ કરવાનો છે.
પ્રશાંત ભૂષણનો પણ ઉલ્લેખ
ભાજપના પ્રવક્તાએ આ મુદ્દે પ્રશાંત ભૂષણના વાયરલ થયેલા એક ઓડિયો ક્લિપનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, પ્રશાંત ભૂષણે પણ કહ્યું હતું કે લોહી વહે તેવી ક્રાંતિ થવી જોઈએ. જે સાબિત કરે છે કે કોંગ્રેસ ઈકોસિસ્ટમ ફક્ત લોકતંત્રને બરબાદ કરીને બાંગ્લાદેશની જેમ રેજીમ ચેન્જ કરવા માંગે છે. રાહુલ ગાંધી અને તેમની ઈકોસિસ્ટમ ભારતીય લોકતંત્ર માટે જોખમી છે અને દરેક વ્યક્તિ જે ભારતના બંધારણમાં વિશ્વાસ કરે છે તેમણે રાહુલ ગાંધી અને આ ઈકોસિસ્ટમનો વિરોધ કરવો જોઈએ.