Military Trident : હિન્દુસ્તાનની સૈન્ય શક્તિનો એક એવો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, જેણે પાકિસ્તાનની અંદર એક ઊંડો અને સતત વ્યૂહાત્મક ભય પેદા કર્યો છે. ભારત પોતાની ત્રણેય સેનાઓ થલ સેના, વાયુ સેના અને નૌસેનાને એકસાથે જોડીને ઈન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ બનાવવાના અંતિમ અને નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. આ કોઈ સામાન્ય ફેરફાર નથી. આઝાદી પછીથી ભારતીય સેનામાં થનારો આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ માળખાકીય સુધારો છે.
આ સૈન્ય સુધારાની અસર એટલી વ્યાપક છે કે પાકિસ્તાનનું સૌથી પ્રતિષ્ઠિત અને જૂનું અખબાર ‘ડૉન’ પણ પોતાની વ્યૂહાત્મક ચિંતા છુપાવી શક્યું નથી. ડૉન અખબારે ખાસ વિશ્લેષણ પ્રકાશિત કરીને પોતાની સેનાને ચેતવણી આપી છે કે ભારતની આ નવી સૈન્ય ક્ષમતા પાકિસ્તાન માટે મોટો પડકાર બની શકે છે.
ફફડી જશે હવે પાકિસ્તાન
જો કે, પોતાની જનતાને આશ્વાસન આપવા અને પોતાની સેનાનું મનોબળ જાળવી રાખવા માટે પાકિસ્તાની મીડિયા અને તેના રક્ષા નિષ્ણાતો ભારત સામેના કેટલાક આંતરિક પડકારોનો ઉલ્લેખ કરી રહ્યા છે..પરંતુ રક્ષા બાબતોના નિષ્ણાતોના મતે, આ દલીલો તેમની વ્યૂહાત્મક ચિંતાને ઢાંકવાનો પ્રયાસ છે.
હકીકત એ છે કે ભારત પોતાની સંયુક્ત સૈન્ય ક્ષમતા વધારવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત પોતાના રક્ષા બજેટ દ્વારા સૈન્ય ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહ્યું છે.જ્યારે આ નવું સૈન્ય માળખું સંપૂર્ણ રીતે અમલમાં આવશે, ત્યારે પાકિસ્તાન માટે ભારતની સંયુક્ત સૈન્ય શક્તિનો સામનો કરવો વધુ પડકારજનક બની શકે છે.
યુદ્ધ લડવાની આ જૂની પદ્ધતિમાં મોટો ફેરફાર
આખરે ભારતનો આ નવો સૈન્ય ચક્રવ્યૂહ શું છે, જેને લઈને પાકિસ્તાનમાં ચિંતા જોવા મળી રહી છે? તેને સમજવા માટે આપણે ભારતીય સેનાના વર્તમાન માળખા અને ભવિષ્યની યોજનાને સમજવી પડશે. વર્તમાન વ્યવસ્થા હેઠળ.
ભારતીય સેના 17 અલગ-અલગ સિંગલ-સર્વિસ કમાન્ડ હેઠળ કામ કરે છે. તેમાં થલ સેનાની 7 અલગ કમાન્ડ, વાયુ સેનાની 7 અલગ કમાન્ડ અને નૌસેનાની 3 કમાન્ડનો સમાવેશ થાય છે..જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે આ 17 કમાન્ડ વચ્ચે તાલમેલ બેસાડવામાં સમય લાગે છે. પરંતુ હવે યુદ્ધ લડવાની આ જૂની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ 17 અલગ-અલગ કમાન્ડને પુનઃગઠિત કરીને 3 મુખ્ય ઈન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડમાં રૂપાંતરિત કરવાની યોજના છે.
આ રીતે ત્રણ કમાન્ડ વહેચાયા
જેમાં પ્રથમ ઉત્તરી થિયેટર કમાન્ડનું મુખ્ય ધ્યાન ચીન સરહદની સુરક્ષા પર રહેશે. બીજી પશ્ચિમી થિયેટર કમાન્ડનું મુખ્ય ફોકસ પાકિસ્તાન તરફથી ઊભા થતા સુરક્ષા પડકારોનો સામનો કરવા પર રહેશે અને ત્રીજી મેરીટાઇમ થિયેટર કમાન્ડ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
આ ઉપરાંત સાયબર, લોજિસ્ટિક્સ અને સ્પેસ માટે પણ વિશેષ ફંક્શનલ કમાન્ડ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડનો સૌથી મોટો ફાયદો છે ‘સિંગલ કમાન્ડ સ્ટ્રક્ચર’. અત્યાર સુધી જો પાકિસ્તાન સરહદ પર કોઈ તણાવ સર્જાય, તો થલ સેનાને પોતાના હેડક્વાર્ટર, વાયુ સેનાને પોતાના હેડક્વાર્ટર અને નૌસેનાને પોતાની કમાન્ડ પાસેથી આદેશ લેવા પડે છે. દિલ્હીમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓએ પણ પરસ્પર તાલમેલ બેસાડવો પડે છે. પરંતુ થિયેટર કમાન્ડ બન્યા બાદ યુદ્ધના મેદાનનું સમગ્ર પરિદ્રશ્ય બદલાઈ શકે છે.
એક ‘સિંગલ યુનિટ’ તરીકે કામ કરશે
સમગ્ર દેશની ત્રણેય સેનાઓ અલગ-અલગ કામ કરવાને બદલે એક એકમ એટલે કે એક ‘સિંગલ યુનિટ’ તરીકે કામ કરશે. એક જ થિયેટર કમાન્ડર પાસે થલ, નભ અને જળ-ત્રણેય સેનાના જવાનો અને હથિયારોના સંકલિત ઉપયોગની જવાબદારી હશે. તે ઝડપથી મોટા નિર્ણયો લઈ શકશે.
આનાથી ભારતનો ‘સેન્સર-ટુ-શૂટર’ સમય ઘટી શકે છે. એટલે કે આપણા રડાર અથવા સેટેલાઇટ દુશ્મનની કોઈ હરકતને શોધે ત્યારથી લઈને તેના જવાબમાં કાર્યવાહી કરવા સુધીનો સમય ઓછો થઈ શકે છે. આથી દુશ્મનને સંભાળવાની અથવા જવાબી કાર્યવાહી કરવાની તક ઓછી થઈ શકે છે.
દુશ્મનની પળેપળની માહિતી ત્રણેય સેનાઓ સુધી એકસાથે પહોંચાડાશે
આ સાથે ભારતની મારક ક્ષમતાને વધુ ધાર આપશે આપણા સ્વદેશી હથિયારો. ભારતની બ્રહ્મોસ મિસાઇલ, આકાશ એર ડિફેન્સ સિસ્ટમ અને આધુનિક સુખોઈ તથા રાફેલ ફાઈટર જેટ હવે સંયુક્ત સૈન્ય માળખા હેઠળ વધુ અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય છે.થિયેટર કમાન્ડ હેઠળ ત્રણેય સેનાઓ વચ્ચે સંકલિત ગુપ્તચર અને માહિતી વ્યવસ્થા વિકસાવવામાં આવશે.
દુશ્મનની પળેપળની માહિતી ત્રણેય સેનાઓ સુધી એકસાથે પહોંચાડી શકાય છે, જેના કારણે જવાબી કાર્યવાહી વધુ ઝડપી અને સંકલિત બની શકે છે. આ ઉપરાંત ત્રણેય સેનાના અધિકારીઓને સાથે મળીને સંયુક્ત તાલીમ આપવામાં આવશે, જેથી પરસ્પર તાલમેલ વધુ મજબૂત બને.
આ જ કારણોસર પાકિસ્તાનમાં આ સમગ્ર પ્રક્રિયાને લઈને ચિંતા જોવા મળી રહી છે. ‘ડૉન’માં છપાયેલા વિશ્લેષણમાં પણ આ વ્યૂહાત્મક ચિંતાનો ઉલ્લેખ થયો છે. હકીકત એ છે કે પાકિસ્તાન સામે ભારતની વધતી સંયુક્ત સૈન્ય ક્ષમતા એક મોટો વ્યૂહાત્મક પડકાર બની શકે છે.