દિલ્હી: વિપક્ષી દળોનું વિરોધ પ્રદર્શન, જ્ઞાનેશ, ઈટ્સ ડન બ્રો! પોસ્ટર લઈને આવ્યા રાહુલ ગાંધી, આકાશવાણી બિલ્ડિંગમાં ધરણા પર બેઠા
ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી દળોનું વિરોધ પ્રદર્શન (ઈન્ડિયા બ્લોક માર્ચ) ઉગ્ર બની રહ્યું છે. 143 જેટલા સાંસદો ચૂંટણી પંચ મુખ્યકાર્યાલય સુધી કૂચ કરી રહ્યા હતા જો કે પોલીસ બેરિકેડિંગના કારણે તેમની માર્ચ આગળ વધી શકી નહીં. વિપક્ષ હવે આરપારની લડાઈના મૂડમાં છે. જાણો લેટેસ્ટ અપડેટ્સ...
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણી પંચ સામે વિપક્ષીદળો આજે ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે. આજે સંસદ ભવનના મકર દ્વાર પર વિપક્ષી દળોના સાંસદો ભેગા થયા અને ત્યાંથી તેઓ પગપાળા માર્ચ કાઢીને ચૂંટણી પંચ મુખ્યાલયને ઘેરવા માટે આગળ વધ્યા હતા. સંસદથી લઈને ચૂંટણી પંચ સુધીની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
આકાશવાણી ભવન પરિસરમાં બેસી ગયા રાહુલ-પ્રિયંકા
ઈન્ડિયા ગઠબંધનના સાંસદોના વિરોધ વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવનના પરિસરમાં બેસી ગયા છે. ઈન્ડિયા ગઠબંધનના સાંસદો ભારતીય ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આકાશવાણી ભવનમાં ઘૂસ્યા
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા જો કે પછી જવા દીધા. પોલીસે તેમને બસમાં બેસાડીને લઈ જવાની કોશિશ કરી તો સાંસદોએ તેમને રોક્યા હતા. ત્યારબાદ તેઓ બસમાંથી ઉતરીને આકાશવાણી બિલ્ડિંગમાં ઘૂસ્યા પરંતુ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચની ઓફિસ અહીંથી માત્ર 270 મીટર જ દૂર છે. માર્ચ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા સાંસદોને 3 વાર રોક્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી હાથમાં તિરંગો લઈને બેરિકેટ્સ ઉપર પણ ચડી ગયા હતા.
અત્રે જણાવવાનું કે વિપક્ષી દળોનું ચૂંટણી પંચ અને જ્ઞાનેશકુમાર સામે આ દેશમાં છેલ્લા પાંચ દિવસમાં પાંચમું પ્રદર્શન છે. આ કૂચ નવી સંસદથી ચૂંટણ પંચ મુખ્ય કાર્યાલય સુધી હતું.
રાહુલ ગાંધી પોસ્ટર લઈને પહોંચ્યા
જેન-ઝીને સાંધવા માટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે જ્ઞાનેશ ઈટ્સ ડન બ્રો નામનું પોસ્ટર લઈને પહોંચી ગયા જે દર્શાવે છે કે તેઓ સીધા યુવાઓ સાથે કનેક્ટ થવાનો મેસેજ આપે છે. હાલ દેશમાં સ્થિતિ એવી છે કે દરેક ચોથો વોટર જેન ઝી છે. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ 2024ની લોકસભા ચૂંટણી વખતે દેશના કુલ મતદારોમાં 18-29 વર્ષના મતદારોની ભાગીદારી 22.78 ટકા જેટલી હતી.
જ્ઞાનેશકુમાર ભાજપના એજન્ટની જેમ કામ કરે છે-સપા સાંસદ
સમાજવાદી પાર્ટીના સાંસદ ઈકરા હસને કહ્યું કે, એક રિપોર્ટમાં સ્પષ્ટ રીતે લખાયું કે 14 વખત સહમતિથી નિર્ણય લેવાયો નથી. વિપક્ષ પહેલા દિવસથી કહે છે કે જ્ઞાનેશકુમાર ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે.
પોલીસ બેરિકેડિંગના કારણે માર્ચ અટકી
વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકના સાંસદોએ ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મતદાર યાદી સંબંધિત મુદ્દાઓને પગલે સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી આ માર્ચ કાઢી છે. આ દરમિયાન પોલીસ બેરિકેડિંગના કારણે વિપક્ષી સાંસદો ધરણા પર બેસી ગયા. બેરિકેડિંગની પાસે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા ધરણા પર બેઠા. કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે કહ્યું કે દિલ્હીને સીલ કરી દેવાઈ છે. જો આ ઈમરજન્સી નથી તો શું છે? મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીનામું આપવું જોઈએ.
સંસદથી ચૂંટણી પંચ સુધી ઈન્ડિયા બ્લોકની માર્ચ
સંસદથી ચૂંટણી પંચ સુધી ઈન્ડિયા બ્લોકની માર્ચ શરૂ કરાઈ હતી. વિપક્ષી દળોના સાંસદ સંસદના મકર દ્વારે ભેગા થયા બાદ ચૂંટણી પંચ તરફ રવાના થયા હતા. તેમનું કહેવું હતું કે મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત સવાલો પર ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગવો અને જ્ઞાનેશકુમારને હટાવવા જરૂરી છે. આ માર્ચમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જી સહિત વિપક્ષી દળોના અનેક નેતાઓ અને સાંસદો સામેલ છે.
વિપક્ષની શું છે માંગણી
- ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ અને સમર્થકોએ પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી કરી રહ્યા છે.
- ઈન્ડિયા ગઠબંધનના સાંસદો નીતિ આયોગની ઓફિસ પાસે વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા.
- કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને એનસીપી-એસપી સાંસદ સુપ્રિયા સુલે સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો છે.
- આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ડિટેઈન પણ કરાયા જો કે પછીથી છોડી મૂકાયા હતા.
- વિપક્ષની અન્ય કેટલીક માંગણીઓમાં એસઆઈઆર પર તાબડતોબ રોક અને બેલેટ પેપરથી ચૂંટણી પણ સામેલ છે.