સરકારે પાસપોર્ટ અને વિઝાના નિયમોમાં કર્યો ફેરફાર, આ પાકિસ્તાની નાગરિકોને મોટી રાહત
સરકારે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોની ચોક્કસ કેટેગરી માટે પાસપોર્ટ અને વિઝા નિયમો હળવા કર્યા છે. આમાં ચોક્કસ પાકિસ્તાની નાગરિકો, લઘુમતી શરણાર્થીઓ, શ્રીલંકાના તમિલો અને તિબેટીઓનો સમાવેશ થાય છે. ગુરુવારે ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) (એમેન્ડમેન્ટ) ઓર્ડર, 2026 હેઠળ નવો આદેશ જાહેર કર્યો છે.
કેન્દ્ર સરકારે દેશમાં વસવાટ કરતા વિદેશી નાગરિકોની કેટલીક કેટેગરી માટે પાસપોર્ટ અને વિઝાના નિયમોમાં છૂટછાટ આપી છે. આમાં પાકિસ્તાનના અમુક નાગરિકો, લઘુમતી શરણાર્થીઓ, શ્રીલંકન તમિલ અને તિબેટીયનોનો સમાવેશ થાય છે. ગુરુવારે બહાર પાડવામાં આવેલા 'ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) (એમેન્ડમેન્ટ) ઓર્ડર, 2026 હેઠળ, નેપાળ, ભૂટાન અને ભારતના નાગરિકો માટે મુસાફરી અને ઓળખ સંબંધિત નિયમો તેમજ આ પડોશી દેશો વચ્ચેની મુસાફરી માટેના નિયમોને પણ સરળ બનાવવામાં આવ્યા છે.
પ્રદર્શન કરવાનો હક 'વેપાર કરવાના-આજીવિકા રળવાના હક' કરતા મહત્વનો? વેપારીઓનો રાહુલ ગાંધીને વેધક સવાલ
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સુધારેલા નિયમો અનુસાર, જે પાકિસ્તાની નાગરિકો 31 ડિસેમ્બર, 2009 કે તે પહેલાં કાયમી વસવાટના ઈરાદાથી ભારત આવ્યા હતા, તેમને હવે પાસપોર્ટ રિન્યુઅલ માટેની સામાન્ય જરૂરિયાતોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ છૂટછાટ એવા વ્યક્તિઓને લાગુ પડે છે જેઓ તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટ રિન્યુ કરાવી શકતા નથી, કારણ કે તેમની પાસે પાકિસ્તાન દ્વારા જારી કરાયેલું કમ્પ્યુટરાઈઝ્ડ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ (CNIC) નથી.
પાકિસ્તાનમાં રહેતા હતા ત્યારે લગ્ન કરેલા ન હોવા જોઈએ
આ છૂટછાટ માટે પાત્ર બનવા માટે વ્યક્તિએ પાકિસ્તાનમાં રહેતા હતા, તે દરમિયાન લગ્ન કર્યા ન હોવા જોઈએ કે કોઈ સ્થાવર મિલકત ખરીદી ન હોવી જોઈએ. વધુમાં જે સમયે વ્યક્તિએ પાકિસ્તાન છોડ્યું હતું, તે સમયે ત્યાં પાછળ રહી ગયેલા તેમના પરિવારના સભ્યો ભારતીય નાગરિક હોવા જોઈએ. આ ઉપરાંત, આવી વ્યક્તિઓએ એક બાંહેધરી આપવી પડશે કે તેઓ તે દેશ (પાકિસ્તાન)માં પાછા ફરશે નહીં. જાહેરનામામાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પોલીસ અથવા સુરક્ષા એજન્સીઓ તરફથી તેમની વિરુદ્ધ કોઈ પ્રતિકૂળ રિપોર્ટ ન હોવો જોઈએ.
ત્રીજી કેટેગરીમાં ભારતીય મૂળની વ્યક્તિઓનો સમાવેશ
આ છૂટછાટ હેઠળ આવરી લેવામાં આવેલી ત્રીજી કેટેગરીમાં ભારતીય મૂળની એવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમણે મલેશિયા કે સિંગાપોરની નાગરિકતા મેળવી હતી અને તે દેશો દ્વારા જારી કરાયેલા પાસપોર્ટનો ઉપયોગ કરીને 31 ડિસેમ્બર, 2009 કે તે પહેલાં ભારત પરત ફર્યા હતા. આવી વ્યક્તિઓના પાસપોર્ટ ત્યારથી એક્સપાયર થઈ ગયા છે અને તેને રિન્યુ કરાવ્યા નથી, કારણ કે આ વ્યક્તિઓ સંબંધિત દેશો દ્વારા નિર્ધારિત રિન્યુ માપદંડોને પૂર્ણ કરતા નથી.
જાહેરનામા મુજબ, આ જોગવાઈ હેઠળ ભારતીય મૂળની વ્યક્તિ એટલે એવો વિદેશી નાગરિક જે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ભૂટાન, નેપાળ કે ચીનનો નાગરિક નથી કે જેની પાસે કોઈક સમયે ભારતીય પાસપોર્ટ રહ્યો હોય. અથવા એવી વ્યક્તિ કે જેના માતા-પિતા, દાદા-દાદી અથવા નાના-નાની, કે પરદાદા-પરદાદી અથવા પરનાના-પરનાની ભારતમાં જન્મ્યા હોય અને 'ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935' હેઠળ વ્યાખ્યાયિત પ્રદેશોમાં, અથવા એવા વિસ્તારોમાં કાયમી ધોરણે રહેતા હોય કે જે પાછળથી ભારતનો ભાગ બન્યા. આ માટેની એક પૂર્વશરત એ છે કે આવી વ્યક્તિઓએ ક્યારેય પાકિસ્તાન, બાંગ્લાદેશ, વગેરેની નાગરિકતા ધરાવી ન હોવી જોઈએ.
યોગ્ય કેટેગરીના વિઝા મેળવવા જરૂરી
ભારતમાં તેમનો વસવાટ ચાલુ રાખવા માટે આ ત્રણ કેટેગરીમાં આવતી વ્યક્તિઓએ યોગ્ય કેટેગરીના વિઝા મેળવવા જરૂરી છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ, ભારત, નેપાળ અને ભૂટાનના નાગરિકો જેઓ આ પડોશી દેશો વચ્ચે સીધી મુસાફરી કરે છે, તેઓ નિયમિત પાસપોર્ટને બદલે સરકારના સત્તાવાર વિઝા મેન્યુઅલમાં નિર્દિષ્ટ ઓળખ દસ્તાવેજો રજૂ કરી શકે છે.
કેટલાક ભારતીય નાગરિકોને આ છૂટછાટ લાગુ પડતી નથી
વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો ભારતીય નાગરિકો ભારત-નેપાળ અથવા ભારત-ભૂટાન સરહદ મારફતે ભારત આવતા હોય કે ભારતથી જતા હોય, પરંતુ તેઓ નેપાળ કે ભૂટાન સિવાયના અન્ય કોઈ દેશમાંથી આવતા હોય અથવા ત્યાં જતા હોય, તો તેમને આ જોગવાઈ હેઠળની છૂટછાટ લાગુ પડશે નહીં. આવા કિસ્સાઓમાં, માન્ય પાસપોર્ટ હોવો ફરજિયાત છે. વધુમાં, તેમણે ભારતમાં પ્રવેશવા કે ભારતમાંથી બહાર જવા માટે માત્ર નિર્ધારિત ઈમિગ્રેશન ચોકીઓનો જ ઉપયોગ કરવો પડશે.