સુરતના સારોલી વિસ્તારમાં લિફ્ટમાં 6 લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ગત રોજ સાંજે 7:21 વાગ્યે ઘટના બની હતી. કુબેરજી વર્લ્ડ ટેક્ષ્ટાઇલ માર્કેટમાં ઘટના બની હતી. માર્કેટની લિફ્ટ-B-2માં 6 લોકો 6ઠ્ઠા માળે ફસાયા હતા. બનાવની જાણ થતાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ફાયર વિભાગે તમામ 6 લોકોને સહીસલામત રીતે રેસ્ક્યુ કર્યા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ફાયર વિભાગે 46 વર્ષીય કૈલાશચંદ, 17 વર્ષીય એક સગીર, 48 વર્ષીય રાજકુમાર ગુપ્તા 21 વર્ષીય રાઘવ, 46 વર્ષીય મતીબલાલ, 59 વર્ષીય, રાજુલાલ ને લિફ્ટ માંથી રેસ્ક્યૂ કર્યા હતા. લિફ્ટમાં ફસાયેલા કૈલાશચંદે કોલ કરી જાણ કરી હતી. આશરે 1:30 કલાકના ભારે જહેમત બાદ લોકોને લિફ્ટ માંથી બહાર કઢાયા.
Gujarat News Live: પાટનગરમાં જીતવા ભાજપના પ્રભારી મેદાનમાં, કડીના થોળ નજીક બાળકીનું કંકાલ મળ્યું, એલિસબ્રિજ પર યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા
Gujarat Breaking News Live: 04 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...
ગુજરાત ભાજપ પ્રભારી તરૂણ ચુઘે જણાવ્યું હતું કે પંજાબમાં લો એન્ડ ઓર્ડર હાંસિયામાં પહોંચી ગયો છે. કાલે સરપંચની હત્યા થઈ, અત્યાર સુધી 23 પોલીસ મથકમાં ગ્રેનેડ હુમલા થયા, ઇન્ફ્લુએન્સરની હત્યા થઈ છે. જેણે લોકોની રક્ષા કરવાની છે એનો જીવ ખતરામાં છે. સમાજ અને ખાખીમાં ભયનું વાત૨વરણ છે. આ તમામ પાછળ આપની નાલાયક, નાકામિયાબ નીતિ જવાબદાર છે. પંજાબ ત્રસ્ત છે પણ ભગવંત માન તેના આકાઓને ખુશ કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ અને આપ સગી બહેનોની જેમ પંજાબમાં કામ કરે છે. અગાઉની ચૂંટણી બંને સાથે લડ્યા છે. કોંગ્રેસે પોતાનું નેતૃત્વ બદલ્યું છે પણ તેનાથી કંઈ થશે નહિ. ચરણજીતસિંહ અને સિધ્ધુને જવાબદારી સોંપી તો કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગઈ. પંજાબની રાજનિતીમાં કોંગ્રેસ એક્સપાયર ઇન્જેક્શન છે. ૧૯૮૪માં ૫૨ શહેરોને સ્મશાન બનાવી દીધું હતું જેનો જવાબ લોકો આપશે.
અમદાવાદના એલિસબ્રિજ પરથી એક યુવકે અચાનક સાબરમતી નદીમાં ઝંપલાવતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. એલિસબ્રિજ પર લટકતાં આ યુવકને જોઈને ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. યુવકને નદીમાંથી સલામત રીતે બહાર કાઢીને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડ અને સ્થાનિકો દ્વારા યુવકને બચાવ કામગીરીનો આ સમગ્ર વીડિયો પણ હાલ સામે આવ્યો છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ થોળ નજીકથી ગત શનિવારે ગુમ થયેલી 5 વર્ષની પાયલ નામની બાળકીનો આખરે માનવ કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. બાળકીના ઘરથી માત્ર એક કિલોમીટર દૂર આવેલા એક ખેતરમાંથી તેનું હાડપિંજર મળી આવ્યું હતું, જેની ઓળખ પરિવારજનો દ્વારા કપડાના આધારે કરવામાં આવી છે. માસૂમ પુત્રીનું કંકાલ મળતાં જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પ્રાથમિક તપાસ અને ઘટનાસ્થળની પરિસ્થિતિને જોતાં કોઈ જંગલી પ્રાણીએ બાળકીનો શિકાર કર્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્ય ભાજપના પ્રભારી તરુણ ચૂગ ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તા જાળવી રાખવા માટે તેમણે મોરચો સંભાળી લીધો છે. પાટનગરમાં પ્રતિષ્ઠાનો જંગ જીતવાના લક્ષ્ય સાથે તેમણે ગાંધીનગરમાં એક પછી એક બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ દરમિયાન તેમણે તમામ ૧૧ વોર્ડના સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને ચૂંટણી લક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બપોરે ચૂંટણી વ્યવસ્થા ટીમ સાથે રણનીતિ ઘડ્યા બાદ, સાંજે તેઓ અમદાવાદ જિલ્લા ભાજપના નેતાઓ સાથે પણ મહત્વની બેઠક યોજશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા અંગે ધારાસભ્ય અમિત શાહે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે એક વિડીયો જોયો છે જેમાં ગાડીમાંથી ઉતરીને કોર્પોરેશનની પ્રોપર્ટી પર પ્રહાર કરી, તોડફોડ કરીને સળગાવી મારવામાં આવી છે અને ડસ્ટબિન પણ તેની ઉપર નાખવામાં આવ્યું છે. કોર્પોરેશનના પદાધિકારીઓને અનુરોધ કરતા તેમણે કહ્યું કે આવા અસામાજિક તત્વોને સબક શીખવાડવો જરૂરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતને થયેલા નુકસાન સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવીને કડક પગલાં લેવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. તેમણે આ વિડીયો ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP ક્રાઇમ બ્રાન્ચ), મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના ગ્રુપમાં મોકલીને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 52,873 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી 138.64 મીટર પર સ્થિર થઈ છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરની અત્યંત નજીક છે. હાલમાં નર્મદા ડેમ 99 ટકા ભરાઈ ગયો છે અને તેમાં 5,788 MCM જેટલો લાઈવ વોટર સ્ટોરેજ ઉપલબ્ધ છે. પાણીની વિપુલ આવકને પગલે CHPH (કેનાલ હેડ પાવર હાઉસ) ના તમામ પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ડેમમાં ઉપલબ્ધ આ જળજથ્થો સમગ્ર ગુજરાતને આગામી 2 વર્ષ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરીને કોકપિટમાં થયેલા હુમલા બાદ તેમની અદ્ભુત હિંમત અને નિર્ણયશક્તિની પ્રશંસા કરી." વિશ્વના હીરો"નું બિરુદ: પીએમ નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને ભારત, ઇઝરાયેલ અને આખા "વિશ્વના હીરો" ગણાવ્યા. નેતન્યાહૂએ કેપ્ટન સ્મિત અને ભારતના પીએમ નરેન્દ્ર મોદીને ઇઝરાયેલના આગામી સ્વતંત્રતા દિવસે ખાસ જ્યોત પ્રજ્વલિત કરવા માટે આમંત્રણ આપવાની ઈચ્છા વ્યક્ત કરી, જે સન્માન સામાન્ય રીતે ઇઝરાયેલી નાગરિકો માટે અનામત હોય છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટ FZ1073 માં કો-પાઈલટે કેપ્ટન સ્મિત પર માથાના ભાગે ગંભીર હુમલો કરી વિમાનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો. અત્યંત ગંભીર ઈજાઓ અને દ્રષ્ટિ ઝાંખી થવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે હિંમત હાર્યા વગર અંદરથી કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો.૧૭૪ મુસાફરોનો બચાવ: દરવાજો ખૂલતા જ બહાર રાહ જોઈ રહેલા ક્રૂ અને મુસાફરોએ અંદર પ્રવેશી સ્થિતિ કાબૂમાં લીધી અને તમામ ૧૭૪ લોકોનો જીવ બચી ગયો. ઇમરજન્સી લેન્ડિંગ: આ ઘટના બાદ વિમાનને સાઉદી અરેબિયાના તબૂક ખાતે સુરક્ષિત રીતે ડાયવર્ટ કરીને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
નાયરા એનર્જીએ દેશભરમાં પોતાના તમામ પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ 1 જુલાઈએ કંપનીએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 સસ્તું કર્યું હતું. કિંમત વધ્યા બાદ અમદાવાદમાં એક લીટર પેટ્રોલ ₹106.83 અને ડીઝલ ₹100.92 થયું છે. નાયરા એનર્જીના દેશભરમાં આશરે 7,108 જેટલા પેટ્રોલ પંપ આવેલા..
2 ઓક્ટોબર ગાંધી જયંતીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'દ્રશ્યમ-3' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે રૂ. 66.75 કરોડનું બમ્પર ઓપનિંગ કલેક્શન કર્યું છે. ફિલ્મ નિર્માતા કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરીને અજય દેવગન અને આખી ટીમને અભિનંદન આપ્યા. કરણે આ ફિલ્મના પટકથા, દ્રશ્યો અને કલાકારોના અભિનયને 'લાજવાબ' ગણાવ્યો છે. મલયાલમ ફ્રેન્ચાઈઝીની રીમેક તરીકે શરૂ થયેલી આ સિરીઝનો આ અંતિમ ભાગ છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા દિલ્હી, યુપી, બિહાર અને પંજાબ સહિત 15 રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. ચોમાસાના અંતિમ તબક્કામાં 70 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પહાડી રાજ્યોમાં ભારે વરસાદ સાથે લેન્ડસ્લાઈડની (ભૂસ્ખલન) ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને સમુદ્રકિનારાથી દૂર રહી સલામત જગ્યાએ ખસી જવાની સલાહ અપાઈ છે. ખરાબ હવામાનના કારણે ખેતરમાં ઉભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે ભારતે રજૂ કરેલા પ્રસ્તાવને યુક્રેને પણ સ્વીકાર્યો છે. યુક્રેનના વિદેશ મંત્રીએ ભારતની માનવતાવાદી ભૂમિકાને સૌથી મજબૂત અને યોગ્ય ગણાવી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ પીએમ નરેન્દ્ર મોદીના શાંતિના પ્રયાસોની ખુલ્લા મનથી પ્રશંસા કરી હતી. ભારત બંને દેશો સાથે સતત સંપર્કમાં રહીને ડિપ્લોમેટિક ઉકેલ લાવવા માટે મધ્યસ્થી કરી રહ્યું છે. આ સાથે જ રશિયા ૭૦,૦૦૦ ભારતીય કુશળ કામદારોને રોજગારી આપવા પણ સંમત થયું છે.
અમેરિકાએ 50 દેશોના નાગરિકો માટે $10,000 થી $20,000 નો વિઝા બોન્ડ જમા કરાવવો ફરજિયાત કર્યો છે. આ નિયમ વિઝિટર વિઝા (B1/B2) પર આવીને ગેરકાયદેસર રોકાઈ જતા લોકોને રોકવા માટે લાવવામાં આવ્યો છે. ભારતીય પાસપોર્ટ ધારકો માટે રાહતના સમાચાર એ છે કે ભારતને આ યાદીમાંથી મુક્તિ મળી છે. ભારતીયોએ અમેરિકાના ટૂરિસ્ટ કે બિઝનેસ વિઝા માટે કોઈ નાણાકીય બોન્ડ ભરવો પડશે નહીં. નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો પર આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે
મૂળ ગુજરાતી અભિનેતા હિમેશ પટેલને 'ટાઇમ્સ-100 નેક્સ્ટ 2026' ની યાદીમાં સ્થાન મળ્યું છે. હિમેશ પટેલે ક્રિસ્ટોફર નોલનની સુપરહિટ ફિલ્મ 'ટેનેટ' અને 'ઓડેસી' માં મહત્વની ભૂમિકા ભજવી છે. ઓસ્કાર વિજેતા ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલને હિમેશના અભિનય અને ક્ષમતાની મુક્ત મને પ્રશંસા કરી છે. 35 વર્ષીય હિમેશે પોતાની બહેતરીન એક્ટિંગથી હોલિવૂડમાં આગવી ઓળખ ઊભી કરી છે. તે વિશ્વભરના સૌથી વગદાર અને ઉભરતા કલાકારોની યાદીમાં સ્થાન પામનાર ભારતીય મૂળનો કલાકાર બન્યો છે.
બનાસકાંઠાના ટોકરીયા ગામના રહીશ યાકુબ શેરસિયાએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસમાં અરજી આપી છે. યાકુબ શેરસિયાએ ધારાસભ્ય સામે ચાર લાખ રૂપિયાની ઉઘરાણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે રજૂઆત કરી છે કે તેમને ખોટી રીતે ભાજપના વ્યક્તિ ગણાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેને પગલે તેમણે ન્યાયની માગ સાથે પોલીસ તંત્રના દ્વાર ખટખટાવ્યા છે.
અનામત પ્રથા અંગે શંકરસિંહ વાઘેલાના તાજેતરના નિવેદને ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાડી છે. પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સહિતના સવર્ણ સમાજના લોકોમાં આ નિવેદન સામે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ બાપુ જાહેરમાં માફી માગે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. બીજી તરફ, પોતાની વાત પર મક્કમ રહેતા શંકરસિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ જે કંઈ પણ બોલ્યા છે તે ડંકાની ચોટ પર બોલ્યા છે અને કોઈ પણ સંજોગોમાં માફી માંગશે નહીં. બાપુના આ અડગ વલણને કારણે રાજકીય ગરમાવો વધુ વધ્યો છે.