SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ, સરકારી સ્કૂલના 'શિક્ષક' બન્યો 'શૈતાન', આજથી જંગલની જમીન માટે જંગ

Gujarat Breaking News Live: 02 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓ, રાજકારણ, વહીવટીતંત્ર, હવામાન, ટ્રાફિક, શિક્ષણ, રોજગાર અને સામાન્ય જનજીવનને અસર કરતા મોટા નિર્ણયો સહિતની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Oct 02, 2026, 08:29 AM IST | Updated: Oct 02, 2026, 10:03 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

02 Oct 2026, 10:03 AM
Gujarat News Live: BSFના 14 જવાનોને એક સાથે ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ

ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં BSFના 60 જેટલા જવાનો સારવાર અર્થે પહોંચ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન 14 જવાનોનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કુલ 34 જવાનો સારવાર હેઠળ દાખલ છે, જેમાંથી 20 જવાનો વાયરલ ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. નોંધનીય છે કે આ તમામ જવાનો ગિફ્ટ સિટી ખાતે પરેડની પ્રેક્ટિસ દરમિયાન રોકાયેલા છે.
 

02 Oct 2026, 9:53 AM
Gujarat News Live: રાજકોટમાં સરકારી સ્કૂલના શિક્ષકે 14 વર્ષની વિદ્યાર્થીનીને બનાવી હવસનો શિકાર...

રાજકોટની સરકારી સ્કૂલ નંબર 88માં શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. શાળાના શિક્ષક મોહિત ટાંકે ગણિત વિષયમાં સારા માર્ક્સે પાસ કરાવવાની લાલચ આપીને 14 વર્ષની સગીર વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જ્યારે પણ સગીરા વર્ગખંડમાં એકલી હોય ત્યારે લંપટ શિક્ષક તેની સાથે અડપલાં કરતો હતો અને જો સગીરા વિરોધ કરે તો તેને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપતો હતો. આ કાળી કરતૂતો આગળ વધી અને ગત 9 જાન્યુઆરી 2026ના રોજ બુક ભૂલી ગયા હોવાનું બહાનું બનાવી શિક્ષક સગીરાને પોતાના ફ્લેટ પર લઈ ગયો હતો, જ્યાં તેણે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. આ આઘાતજનક ઘટના અંગે સગીરાએ પોતાની માતાને આપવીતી જણાવતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ પરિવારજનોની રજૂઆતના આધારે તાલુકા પોલીસ સ્ટેશનમાં નરાધમ શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ પોક્સો સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

02 Oct 2026, 9:52 AM
Gujarat News Live: અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ

અરવલ્લીમાં નશાના કારોબારીઓ સામે પોલીસે આક્રમક ઝુંબેશ ચલાવીને એક જ સપ્તાહમાં બીજું દિલધડક ઓપરેશન પાર પાડ્યું છે. માલપુરના મોરડુંગરી નજીક પોશડોડાની હેરાફેરી કરી રહેલી કારને રોકવા જતાં આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં અરવલ્લી LCB પીઆઈ એમ.એચ. ઝાલાએ જવાબી કાર્યવાહીમાં ૩ રાઉન્ડ ફાયરિંગ કરતા એક આરોપીને પગના ભાગે ઈજા પહોંચી હતી અને તેને દબોચી લેવાયો હતો. આ ફાયરિંગ અને અથડામણ દરમિયાન LCB PI ઝાલા, PSI સોલંકી અને ASI કલ્પેશને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ફરી એકવાર બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે.

02 Oct 2026, 8:51 AM
Gujarat News Live: કેપ્ટન સ્મિત મચ્છરની તબિયતમાં નોંધપાત્ર સુધારો

UAEમાં સારવાર હેઠળ રહેલા કેપ્ટન સ્મિત મચ્છરની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે. તાજેતરમાં UAEમાં ભારતના રાજદૂત ડૉ. દીપક મિત્તલે હોસ્પિટલમાં જઈને તેમની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે સ્મિત હવે ખુલ્લીને વાતચીત કરી રહ્યા છે. સ્મિતના સ્વાસ્થ્યમાં થઈ રહેલો આ સકારાત્મક બદલાવ અને તેમનું મુસ્કુરાતું સ્મિત જોઈને રાજદૂત તેમજ સ્થાનિક વહીવટીતંત્રએ ભારે ખુશી વ્યક્ત કરી છે. સ્મિતની તબિયતમાં સુધારો થવાના આ હકારાત્મક સમાચાર મળતાં જ તેમના પરિવારજનો અને સ્નેહીજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને તમામ માટે આ ખૂબ જ મોટી રાહતના સમાચાર સાબિત થયા છે.

02 Oct 2026, 8:47 AM
Gujarat News Live: સાગબારામાં જંગલ જમીન વિવાદ: ખોપી ગામે ‘પુનઃ વન અધિકાર સત્યાગ્રહ’નો પ્રારંભ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણ અને વન અધિકારનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. હલગામ, પાડી, દોધનવાડી, નાલ અને ખોપી સહિતના આસપાસના ગામોના ખેડૂતો દ્વારા પેન્ડિંગ વન અધિકાર દાવાઓના કાયદેસર નિકાલની માંગ સાથે 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના પાવન દિવસે ખોપી ખાતે ‘પુનઃ વન અધિકાર સત્યાગ્રહ’ શરૂ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના આ સત્યાગ્રહને સમર્થન આપવા માટે શંકરસિંહ વાઘેલા, મનસુખભાઈ વસાવા, પ્રતિભા શિંદે, સંદીપ માંગરોલા, મહેશ વસાવા, દર્શનાબેન તેમજ અમિત ચાવડા સહિતના વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

02 Oct 2026, 8:46 AM
Gujarat News Live: અમદાવાદ એરપોર્ટમાં કોમર્શિયલ ટેક્સી મોંઘી બની

અમદાવાદ એરપોર્ટ પર નવો ચાર્જ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઓલા, ઉબેર અને રેપિડો જેવી ટેક્સીઓ માટે નવા નિયમો લાગુ કરાયા છે.   ડ્રોપ-ઓફ અને પિક-અપ ચાર્જ: યલો-પ્લેટ ધરાવતા વાહનો માટે ડ્રોપ-ઓફ માટે ₹૫૦ અને પિક-અપ માટે ₹૨૦૦નો નવો ચાર્જ નક્કી કરાયો છે.   મુસાફરો પર સીધો બોજ: આ નવો ટેક્સ એપ-ભાડામાં ઉમેરાયેલો ન હોવાથી ડ્રાઇવરો આ રકમ સીધી મુસાફરો પાસેથી જ વસૂલશે.   પાર્કિંગ સ્થળમાં ફેરફાર: ટેક્સી ઓપરેટરોએ હવે ફરજિયાતપણે એરપોર્ટ સર્કલ પાસે આવેલી હોટેલ ઉમેદ નજીકના નવા પાર્કિંગ વિસ્તારનો ઉપયોગ કરવાનો રહેશે.  

02 Oct 2026, 8:45 AM
Gujarat News Live: પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક: 22નાં મોત

સરહદી વિવાદ: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વધતાં પાકિસ્તાને હેલમંદ પ્રાંતમાં એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં 22 લોકોનાં મોત થયા છે. તાલિબાનનો દાવો: તાલિબાન શાસનના જણાવ્યા મુજબ આ હવાઈ હુમલામાં માર્યા ગયેલા અને ઈજાગ્રસ્તોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. રહેણાંક મકાનો ધ્વસ્ત: હેલમંદના ગરમસિર જિલ્લામાં બે રહેણાંક મકાનો આ હુમલામાં સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા. પાકિસ્તાનનો દાવો: પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે ગુપ્તચર બાતમીના આધારે ચોકસાઈપૂર્વક આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા હતા.  

02 Oct 2026, 8:44 AM
Gujarat News Live: ઓક્ટોબરથી MDR લાગુ થાય તે પહેલાં UPI ટ્રાન્ઝેક્શન ઘટીને ૨૪.૦૭ અબજ થયા

ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો: ૧૫ ઓક્ટોબરથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાના અહેવાલો વચ્ચે સપ્ટેમ્બરમાં UPI વ્યવહારો ૧.૮% ઘટીને ૨૪.૦૭ અબજ થયા છે.   ઓગસ્ટમાં રેકોર્ડ: ઓગસ્ટ મહિનામાં દેશમાં રેકોર્ડ ૨૪.૫૧ અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. વેપારીઓમાં ચિંતા: ₹૨,૦૦૦થી વધુના ડિજિટલ ચૂકવણા પર ૦.૪૦% સુધીનો MDR ચાર્જ વસૂલવાની વાતથી વેપારીઓમાં ભારે અસંતોષ છે. 

02 Oct 2026, 8:43 AM
Gujarat News Live: ઈ-ચલણ નહીં ચૂકવો તો વાહન જપ્ત થશે: સુપ્રીમ કોર્ટસુપ્રીમ કોર્ટનો કડક આદેશ

ટ્રાફિક ચલણ ન ભરનારાઓ સામે આકરાં પગલાં લેતાં સુપ્રીમ કોર્ટે રાજ્યોને દંડ ન ભરનારના વાહનો જપ્ત કરવા નિર્દેશ આપ્યો છે. ઓનલાઈન સેવાઓ બંધ થશે: ચલણ બાકી હોય તેવા વાહનોની ઓનલાઈન સેવાઓ (જેમ કે આરટીઓ સંબંધિત કામગીરી) બંધ કરી દેવામાં આવશે.   દેશમાં કરોડોનો દંડ બાકી: સમગ્ર દેશમાં આશરે ₹૪૯,૧૯૪ કરોડના ઈ-ચલણ વસૂલવાના બાકી હોવાનું કોર્ટમાં જાહેર કરાયું છે.   ગુજરાતમાં ₹૧૬૦૮ કરોડ બાકી: ગુજરાતમાં ૨૦૨૧થી જુલાઈ ૨૦૨૬ સુધીમાં જનરેટ થયેલા ચલણોમાંથી ₹૧૬૦૮ કરોડની રકમ ભરવાની બાકી છે.   ગુજરાત દેશમાં ૫મા ક્રમે: વર્ષ ૨૦૨૫માં સૌથી વધુ ટ્રાફિક ચલણ જનરેટ થવાની બાબતમાં ગુજરાત દેશભરમાં પાંચમા ક્રમે રહ્યું હતું.

02 Oct 2026, 8:43 AM
Gujarat News Live: આજે 'નો UPI ડે': વેપારીઓ QR કોડ કાળા કપડાથી ઢાંકશે

MDR ચાર્જનો વિરોધ: યુપીઆઈ વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની દરખાસ્તના વિરોધમાં 2 ઓક્ટોબરે વેપારીઓએ 'નો UPI ડે' ની જાહેરાત કરી છે. 10 હજારથી વધુ રિટેલર્સ જોડાશે: ગુજરાતના 10,000થી વધુ અને દેશભરના 1.5 લાખથી વધુ મોબાઈલ તથા અન્ય રિટેલરો આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.   ડિજિટલ પેમેન્ટ નહીં સ્વીકારે: ગાંધી જયંતિના દિવસે વેપારીઓ ક્યુઆર કોડ અને સાઉન્ડ બોક્સ કાળા કપડાથી ઢાંકીને માત્ર રોકડમાં જ વ્યવહાર કરશે.   નાના વેપારીઓને નુકસાન: વેપારી સંગઠનોનું કહેવું છે કે MDR ચાર્જ લાગુ થવાથી નાના અને મધ્યમ વેપારીઓનો ધંધાકીય ખર્ચ ખૂબ વધી જશે.  
 

02 Oct 2026, 8:42 AM
Gujarat News Live: નવરાત્રિમાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી, તાપમાન વધશે

ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. 7 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને વરસાદની શક્યતા નહિવત છે. વરસાદ ઘટવાની સાથે ઓક્ટોબરમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની અને બપોરે ગરમી વધવાની આગાહી કરાઈ છે. સિસ્ટમ ગુજરાત તરફ નહીં આવે: બંગાળની ખાડીમાં સર્જાનારુ લો-પ્રેશર કે સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાત તરફ આવવાની શક્યતા નથી. ખેલૈયાઓને રાહત: નવરાત્રિના તહેવાર દરમિયાન વરસાદની કોઈ વિઘ્નરૂપ આગાહી ન હોવાથી ખેલૈયાઓ અને આયોજકોમાં ખુશીનો માહોલ છે.
 

02 Oct 2026, 8:41 AM
Gujarat News Live: આણંદના સોલારિસ મોલના પિઝા હટમાં ગ્રાહકને કડવો અનુભવ

આણંદના સોલારિસ મોલ સ્થિત જાણીતી ફૂડ ચેન 'પિઝા હટ'માંથી પાર્સલ કરાવેલા પિઝામાંથી મહિલાનો લાંબો વાળ નીકળતાં ગ્રાહકને અત્યંત કડવો અનુભવ થયો છે. મોંઘા ભાવે પિઝા વેચતી આવી મોટી બ્રાન્ડમાં લોટના ડોવમાંથી જ વાળ નીકળવાના કારણે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ફૂડની હાઈજિન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે, ત્યારે હવે તંત્ર આ મામલે કડક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES