Antibiotics Side Effects: રાજકોટની એક ખાનગી હોસ્પિટલ હાલ ચર્ચામાં છે. અહીં ગોઠણના ઓપરેશન માટે 39 વર્ષના મહિલા દાખલ થયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું. આ ઘટના બાદ હોસ્પિટલ પર બેદરકારીના આરોપ લાગ્યા. આ ઘટના બાદ હોસ્પિટલના ડોક્ટર્સ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે ઓપરેશન પહેલા દરેક દર્દીને એક એન્ટીબાયોટિક ઈન્જેકશન આપવામાં આવે છે. આ ઈન્જેકશનથી મહિલાને ગંભીર રિએકશન આવ્યું અને તેમની હાલત લથડી હતી.
ચેપથી બચાવવા માટે જે એન્ટીબાયોટિક દવા દર્દીને આપવામાં આવે છે તે સામાન્ય રીતે નુકસાન કરતી નથી પણ અમુક કેસમાં તેનું ગંભીર રિએકશન આવી શકે છે. એન્ટીબાયોટિક દવા અને ઈન્જેકનશ પણ જીવ બચાવવાને બદલે જીવલેણ સાબિત થઈ શકે છે. દુર્લભ ઘટનામાં દર્દીનું મોત પણ થઈ શકે છે. એટલા માટે જ એન્ટીબાયોટિક દવાઓ પણ જાતે ડોક્ટરની સલાહ વિના લેવી નહીં.
એન્ટીબાયોટિક ઈન્જેકશનના રિએકશનના લક્ષણો
1. ખાસ પ્રકારના એન્ટીબાયોટિક ઈન્જેકશનના કારણે દર્દીને રિએકશન આવે તો કિડનીને ડાયરેક્ટ નુકસાન થઈ શકે છે. કારણ કે ઈન્જેકનશ ડાયરેક્ટ લોહીમાં ભળે છે તેથી તેની અસર પણ ઝડપથી થાય છે. એન્ટીબાયોટિકના કારણે કિડનીને નુકસાન થાય તો પેશાબની માત્રા ઘટી જાય, પગ પર સોજા થવા લાગે છે.
2. એન્ટીબાયોટિક દવાના કારણે આડઅસર થાય તો લીવર પર પણ અસર થઈ શકે છે. તેનાથી લિવરના સેલ્સ નષ્ટ થવા લાગે છે. જેના કારણે આંખ અને સ્કિન પીળી પડવા લાગે છે. પેટના જમણી તરફના ભાગમાં દુખાવો થાય છે. પેશાબનો રંગ ઘાટો થઈ જાય છે.
3. કેટલાક દર્દીને એન્ટીબાયોટિક ઈન્જેકશનના કારણે ગંભીર એલર્જી પણ થઈ શકે છે. જેમાં બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય. શ્વાસ નળી સંકોચાઈ જવી, શરીરના અંગો સુધી ઓક્સીજન ન પહોંચવું જેવી તકલીફો શરુ થાય છે. ત્યારબાદ મલ્ટીપલ ઓર્ગન ફેલિયર થઈ શકે છે. જે જીવલેણ સ્થિતિ છે.
એન્ટીબાયોટિક દવા પણ ડોક્ટરની સલાહ વિના ન લેવી
એન્ટીબાયોટિક દવા હોય કે ઈન્જેકશન તેનો ખોટી રીતે ઉપયોગ થાય કે તેની શરીર પર ખરાબ અસર પડે છે. ઘણા લોકો મેડિકલમાંથી એન્ટીબાયોટિક દવાઓ પણ જાતે લઈને ખાતા હોય છે. આવી ભુલ પણ કરવી નહીં. દવાઓ પણ શરીરને નુકસાન કરી શકે છે. એન્ટીબાયોટિક દવાનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો કિડની, લીવર સહિતના મહત્વપૂર્ણ અંગોને ગંભીર નુકસાન થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)