Doodh Poha Recipe: શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત, આ રીત ફોલો કરશો તો ખીર કરતાં વધારે ટેસ્ટી બનશે દૂધ પૌવા
Doodh Poha Recipe: શરદ પૂર્ણિમા અને દૂધ પૌવા વચ્ચે ખાસ કનેકશન છે. ચંદ્ર પ્રકાશમાં રાખેલા દૂધ પૌવા ખાવાની પ્રથા વર્ષો જૂની છે. આજે શરદ પૂર્ણિમા છે ત્યારે ચાલો તમને જણાવીએ તેનું કારણ અને ખીર કરતાં વધારે ટેસ્ટી દૂધ પૌવા બનાવવાની રીત વિશે.
Doodh Poha Recipe: શરદ પૂર્ણિમા વર્ષ દરમિયાન આવતી અન્ય પૂનમ કરતાં ખાસ હોય છે. કહેવાય છે કે આ પૂનમ એવી છે જેમાં ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમા સાથે અન્ય એક પ્રથા વર્ષોથી જોડાયેલી છે. આ પ્રથા છે દૂધ પૌવાનો પ્રસાદ ખાવાની. પૂનમની રાત્રે ઘરમાં દૂધ પૌવા બને છે, પછી તેને ચંદ્ર પ્રકાશમાં રાખવામાં આવે છે અને પછી પરિવારના લોકો દૂધ પૌવાનો પ્રસાદ લે છે.
શરદ પૂર્ણિમાની રાત્રે બનતા દૂધ પૌવાનું મહત્વ શું છે, શા માટે દૂધ પૌવા ખાવા જોઈએ અને આ દૂધ પૌવા બનાવવાની રીત કઈ છે ચાલો આજે બધું જ તમને જણાવીએ.
શરદ પૂર્ણિમાના દૂધ પૌવાનું મહત્વ
શાસ્ત્રો અનુસાર શરદ પૂર્ણિમાનો ચંદ્ર સોળેકળાએ ખીલેલો હોય છે. આ રાત્રે દૂધ પૌવા બનાવી ચંદ્રના પ્રકાશમાં રાખી તેને ખાવાથી દૂધમાં ઔષધીય ગુણ વધે છે. આ ગુણ શરીરને ફાયદો કરે છે. આ સિવાય એવી પણ માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. એટલા માટે ચંદ્ર પ્રકાશમાં રાખેલા દૂધ પૌવા પણ ઔષધીય બની જાય છે. જો કે આ વાતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. આયુર્વેદ અનુસાર ચંદ્ર પ્રકાશમાં રાખેલા પૌવા શરીરમાં શીતળતા વધારે છે જે પિત્તને શાંત કરે છે.
દૂધ પૌવા માટેની સામગ્રી
1 લીટર ફૂલ ફેટ દૂધ
અડધો કપ જાડા પૌવા
એલચી પાવડર
અડધો કપ ખાંડ
ડ્રાયફ્રુટ્સ જરુર અનુસાર
કેસર
આ પણ વાંચો: Thalipeeth Recipe: સવારના નાસ્તામાં ખાવાની મજા પડે તેવી જુવારના લોટની થાલીપીઠ બનાવવાની રીત
દૂધ પૌવા બનાવવાની રીત
- સૌથી પહેલા જાડા તળીયાના વાસણમાં દૂધ ગરમ કરવા મુકો. દૂધને સતત હલાવતા રહો જેથી દૂધ બળે નહીં.
- દૂધ ઉકળવા લાગે એટલે ગેસ સ્લો કરો અને ધીમા તાપે દૂધને 5 થી 10 મિનિટ ઉકાળો જેથી દૂધ ઘટ્ટ થઈ જાય.
- બીજી તરફ પૌવાને પાણીમાં પલાળી 2 વખત પાણીથી સાફ કરો જેથી તેની ગંદકી નીકળી જાય.
- પલાળેલા પૌવાને સાઈડ પર રાખો જે તે બરાબર ફુલી જાય.
- દૂધ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ્સ, કેસર અને ખાંડ ઉમેરી દો.
- ખાંડ ઓગળે ત્યાં સુધી દૂધ હલાવો અને પછી તેમાં પલાળેલા પૌવા ઉમેરી દો.
- પૌવા ઉમેર્યા પછી દૂધને 5 મિનિટ ઉકાળો અને એલચી પાવડર ઉમેરી ગેસ બંધ કરો.
- તૈયાર કરેલા પૌવાને ઠંડા કરવા ચંદ્રના પ્રકાશમાં મુકો. દૂધ પૌવા ઠંડા થઈ જાય એટલે પરિવાર સાથે સ્વાદિષ્ટ અને ઠંડા દૂધ પૌવાની મજા માણો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)