Relationship Tips: લગ્ન પહેલા યુવક યુવતી એકબીજા સાથે રિલેશનશિપમાં રહે તે આજના સમયમાં નોર્મલ થઈ ગયું છે. રિલેશનશિપના થોડા વર્ષો પછી પાર્ટનર એકબીજા સાથે લગ્ન કરવા કે નહીં તે નક્કી કરતા હોય છે. સામાન્ય રીતે એવું જોવા મળે કે યુવકો લગ્ન માટે આતુર હોય છે. થોડા સમયના રિલેશનશિપ પછી બોયફ્રેન્ડ જો લગ્ન માટે તૈયારી બતાવે તો તેની સાથે આગળ વધવામાં કોઈ તકલીફ નથી પરંતુ દરેક યુવતીએ બોયફ્રેન્ડની રિયાલીટી ચેક કરી લેવી જોઈએ.
બોયફ્રેન્ડ હોય ત્યાં સુધી સ્થિતિ અલગ હોય છે અને તે જ યુવક જ્યારે પતિ બને છે ત્યારે પરિસ્થિતિ અલગ થઈ જાય છે. રિલેશનશિપમાં સારો સમય પસાર કર્યા પછી યુવકને લાગતું હોય છે કે આખું જીવન આવું જ પસાર થશે. પરંતુ લગ્ન પછીની જવાબદારીઓ બધું જ બદલી શકે છે એટલા માટે જ રિલેશનશિપ પછી બોયફ્રેન્ડ જો લગ્ન કરવા માટે પ્રપોઝ કરે તો સંબંધમાં આગળ વધતા પહેલા આ રીતે રિયાલિટી ચેક કરી લો જેથી આગળ જતા પસ્તાવું ન પડે.
બોયફ્રેન્ડની રિયાલિટી ચેક
રિયાલિટી ચેક કરવાનો અર્થ એવો નથી કે બોયફ્રેન્ડની જાસુસી કરવામાં આવે. પરંતુ લગ્ન માટે તૈયારી બતાવતા યુવકને કેટલાક પ્રશ્નો પૂછીને એ વાત જાણી લેવી કે તે ખરેખર લગ્ન જેવી મહત્વપૂર્ણ જવાબદારી માટે તૈયાર છે કે નહીં. કારણ કે લગ્ન જીવનભર નિભાવવા પડે તેવા સંબંધો હોય છે. રિલેશનશિપ દરમ્યાન કોઈ જવાબદારી હોતી નથી પરંતુ જ્યારે લગ્ન થાય છે ત્યારે જવાબદારી વધી જાય છે. આવી જવાબદારી નિભાવવા માટે બોયફ્રેન્ડ તૈયાર છે કે નહીં તે તમે આ મુદ્દા વિશે વાત કરીને જાણી શકો છો.
લગ્ન વિશેના વિચાર
બોયફ્રેન્ડ લગ્ન માટે પ્રપોઝ કરે તો સૌથી પહેલા તો તેની સાથે લગ્નને લઈને તમારા વિચાર કેવા છે તે શેર કરો અને તેના વિચાર જાણી લો. દરેક યુવતી અને યુવકની લગ્ન પછીની અપેક્ષાઓ અલગ-અલગ હોય છે. બોયફ્રેન્ડ લગ્ન પછી તેની પત્ની પાસેથી કેવી અપેક્ષા રાખે છે તે જાણી લો અને સાથે જ પોતાની અપેક્ષાઓ અને ઈચ્છાઓ પણ જણાવી દો. જેથી લગ્ન પછી કોઈ પણ પ્રકારના મતભેદ સામે ન આવે બધી જ સ્પષ્ટતા લગ્ન પહેલા થઈ જાય.
લગ્નની જવાબદારીઓની ચર્ચા
લગ્ન પહેલાં કોઈ પણ યુવક ઉપર ઘરની જવાબદારીઓ હોતી નથી. પરંતુ લગ્ન થાય એટલે તેના પર પત્ની સહિત પરિવારની જવાબદારીઓ આવે છે. બોયફ્રેન્ડ જ્યારે લગ્ન માટે પ્રપોઝ કરે ત્યારે લગ્ન પછીની જવાબદારીઓ માટે તે કેટલો તૈયાર છે તે અંગે ચર્ચા કરી લો. જેમાં સૌથી વધારે તો આર્થિક ખર્ચ મહત્વનો હોય છે. સિંગલ લાઈફમાં યુવકને ફક્ત પોતાનું જ વિચારવાનું હોય છે પરંતુ લગ્ન પછી તેણે એક બીજી વ્યક્તિની જવાબદારી પણ ઉઠાવવાની હોય છે.. તેના માટે બોયફ્રેન્ડ તૈયાર છે કે નહીં તે જાણી લેવું.
કરિયર સંબંધિત ચર્ચા
જો તમે જોબ કરી રહ્યા છો અને તમારું પોતાનું કરિયર છે તો કરિયર વિશે પણ બોયફ્રેન્ડ સાથે ચર્ચા કરી લેવી. ઘણી વખત એવું બને છે કે યુવકના મનમાં એવું હોય છે કે લગ્ન પછી યુવતી ફક્ત ઘર પર ધ્યાન આપે જ્યારે યુવતીને પોતાના કરિયર પર ફોકસ કરવું હોય છે. આવી સ્થિતિમાં કરિયરને લઈને મતભેદ ઊભો થાય છે જે ઘરના વાતાવરણ પર પણ અસર કરે છે. તેથી જોબ કે બિઝનેસ સંબંધિત સ્પષ્ટતા પણ લગ્ન પહેલા કરી લેવી.
લગ્ન પછી જીવનમાં થતા ફેરફારની ચર્ચા
મોટાભાગના લોકો એવું માને છે કે લગ્ન પછી યુવતી માટે જ બધું બદલાય છે પરંતુ એવું નથી. લગ્ન પછી યુવક ભલે પોતાના જ ઘરમાં પોતાના પરિવાર વચ્ચે રહેતો હોય પરંતુ તેના જીવનમાં પણ ઘણા બધા પરિવર્તન આવે છે. લગ્ન પછીના પરિવર્તનો, બદલાયેલા સંબંધો ને લઈને યુવક ના વિચારો કેવા છે તે જાણી લો. સાથે જ પોતાની પત્ની અને પરિવાર વચ્ચે તે કેવી રીતે તાલમેલ બેસાડશે તે પણ ચર્ચા કરી લેવી. જેથી લગ્ન પછી ઘરમાં કોઈપણ મુદ્દે વિવાદ ન થાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)