Love Market: વિયેતનામની લવ માર્કેટ વિશે ખબર છે તમને ? વર્ષમાં એકવાર એક્સને મળવા ખાસ કાર્યક્રમ યોજાય
Vietnam Love Market: સામાન્ય રીતે જેની સાથે બ્રેકઅપ થયું હોય તે ભુલેચુકે પણ નજરની સામે આવી જાય તો લોહી ઉકળી જાય. પણ વિયેતનામમાં આવું નથી. અહીં તો એક્સને મળવા માટે ખાસ લવ માર્કેટ ભરાય છે જેમાં લોકો પોતાના જૂના સાથીને મળવા પહોંચે છે.
Vietnam Love Market: રિલેશનશીપમાં એકવાર બ્રેકઅપ થાય પછી કપલ એકબીજાનું મોં પણ જોવા ન મળે તેવી ઈચ્છા રાખે છે. એકબીજાથી દુર થયેલા કપલ જૂની વાતોને ભુલી આગળ વધી જવા ઈચ્છે છે. પરંતુ શું તમે જાણો છો દુનિયામાં એક દેશ એવો છે જ્યાં કપલ વર્ષમાં એકવાર ખાસ પોતાના એક્સને મળવા જાય છે ? કપલ એક્સને મળે છે અને સાથે મળી જૂની યાદો તાજા કરે છે.
પ્રેમ અને બ્રેકઅપને લઈને દરેક વ્યક્તિના વિચાર અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ બ્રેકઅપ પછી બદલો લેવાના મૂડમાં હોય છે તો કોઈ પોતાના એક્સનું મોં પણ જોવા તૈયાર નથી હોતા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે વિયેતનામમાં એક્સને મળવા માટે દર વર્ષે ખાસ લવ માર્કેટ મળે છે. આ લવ માર્કેટમાં એવા કપલ ખાસ જાય છે જેઓ પોતાના એક્સને મળવા માંગતા હોય.
એક અધુરી પ્રેમ કહાની
વિયેતનામની લવ માર્કેટ તેની અનોખી પરંપરા માટે પ્રખ્યાત છે. આ પરંપરા એક અધુરી પ્રેમ કહાનીથી શરુ થઈ હોવાનું કહેવાય છે. આ પ્રેમ કહાની બે અલગ સમુદાયમાંથી આવતા યુવક અને યુવતીની હતી. લોકવાયકા અનુસાર તેમની વચ્ચે પ્રેમ હતો પણ સમાજની પરિસ્થિતિના કારણે તેઓ એકબીજાના ન થઈ શક્યા. પણ તેમણે નક્કી કર્યું કે તેઓ વર્ષમાં એકવાર એકબીજાને મળશે. આ કપલની પ્રેમ કહાનીથી લવ માર્કેટ શરુ થઈ.
લવ માર્કેટમાં એક્સ મળવા લાગ્યા
વર્ષો જૂની અધુરી પ્રેમ કહાનીની યાદમાં લવ માર્કેટમાં ધીરે ધીરે લોકો પોતાના એક્સને મળવા પહોંચવા લાગ્યા. પૂર્વ પ્રેમીઓ અહીં તેમના જૂના સાથીને મળી જૂની યાદો તાજા કરે છે. જો કે હવે તો આ લવ માર્કેટમાં લોકો પોતાના જીવનસાથીની તલાશમાં પણ પહોંચે છે.
વિયેતનામના કેલેન્ડર અનુસાર લવ માર્કેટ ચંદ્ર મહિનાની 27 તારીખે હોય છે. ભારતના કેલેન્ડર અનુસાર આ સમય એપ્રિલ કે મે મહિનામાં આવે છે. તમને લાગશે કે આ લવ માર્કેટની વાત વિશ્વભરમાં કેવી રીતે થવા લાગી. તો તમને જણાવી દઈએ કે વર્ષ 2021 માં વિયેતનામના સંસ્કૃતિ મંત્રાલયે લવ માર્કેટને સાંસ્કૃતિક વિરાસત તરીકે માન્યતા આપી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)