US Air Traffic Control: શુક્રવારે અમેરિકામાં અચાનક જ હજારો ફ્લાઇટને ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જેના કારણે હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ હતી અને અનેક લોકો એરપોર્ટ પર ફસાયા હતા. આ પહેલી વખત હતું જ્યારે વર્ષો પછી અમેરિકામાં દેશવ્યાપી ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ અપાયા હોય. આ સમસ્યા શા માટે થઈ અને હવે શું કરવું જોઈએ તેને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસ પાસેથી વધારાના ફંડની માંગ પણ કરી લીધી છે.
અમેરિકામાં સર્જાયેલી એર ટ્રાફિક સિસ્ટમની સમસ્યા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે હાલ અમેરિકામાં જે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ છે તે 50 વર્ષ જૂની છે. જે ઘટના તાજેતરમાં બની તેના પછી સ્પષ્ટ થઈ ગયું છે કે આ સિસ્ટમને હવે ઝડપથી અપડેટ કરવાની જરૂર છે. જણાવી દઈએ કે શુક્રવારે બપોરે અમેરિકામાં દેશવ્યાપી ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ અપાયા હતા એટલે કે કોઈપણ ફ્લાઈટ ટેક ઓફ કરી શકે નહીં. આ આદેશ પછી હજારો યાત્રીઓ એરપોર્ટ પર ફસાઈ ગયા હતા અને તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના પછી સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી અને જણાવ્યું કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને અપગ્રેડ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. સાથે જ તેમણે કોંગ્રેસ પાસેથી વધારાનો ફંડની માંગ પણ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે જો કોંગ્રેસ એર ટ્રાફિક કંટ્રોલ માટે અત્યંત જરૂરી ફંડને મંજૂરી આપે છે તો ઝડપથી નવી સિસ્ટમ તૈયાર થઈ જશે. જો નવી સિસ્ટમ મળે તો અમેરિકા પાસે સૌથી શ્રેષ્ઠ સિસ્ટમ હશે. અત્યારે અમેરિકાની જે એર કંટ્રોલ સિસ્ટમ છે તે 50 વર્ષે જૂની છે જે હાસ્યસ્પદ ગણાય.
એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં જે ખરાબી સર્જાઈ હતી તેનું ઠીકરું રાષ્ટ્રપતિ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન પર પણ ફોડ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું કે જો બાઈડન સરકારે એફએએ અને એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની યોગ્ય રીતે જાળવણી કરી નહીં. સિસ્ટમ પહેલાથી જ ખરાબ હતી અને જો બાઈડનના પ્રશાસનમાં તેની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ.
ઉલ્લેખનીય છે કે ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ પછી હવાઈ પરિવહન શરુ કરવામાં આવ્યું છે પણ હજુ પણ ઘણી ફ્લાઈ્ટસના સંચાલનમાં સમસ્યા છે. અનેક ફ્લાઈટ્સ નિર્ધારિત સમય કરતાં મોડી થઈ રહી હોવાનું જાણવા મળે છે.