સાઉદી અરબમાં હુથી વિદ્રોહીઓએ કરેલા હુમલાનો જવાબ હવે સાઉદી આપી રહ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર ગુરુવારે સાઉદી અરબના ફાઈટર જેટ્સ દ્વારા યમનમાં આવેલા હુથીઓના અલગ અલગ ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા હતા. હુથી વિદ્રોહીઓએ આ હુમલા પાછળ સાઉદી અરબ સમર્થિત સરકારને જવાબદાર ગણાવી હતી.
યમનમાં આવેલા હુથીઓના ઠેકાણા પર થયેલા આ હવાઈ હુમલામાં 4 લોકોના મોત થયા હોવાનું કહેવાય રહ્યું છે. આ ચાર લોકોમાં 1 બાળકનો સમાવેશ થાય છે. જાણવા એમ પણ મળે છે કે યમનની રાજધાની સનામાં પણ સાઉદીએ હુમલો કર્યો છે. હુથીઓના કબ્જાવાળા વિસ્તારમાં રહેતા લોકોએ ગુરુવારે રાત્રે વિસ્ફોટના અવાજ સાંભળ્યા.
મહત્વનું છે કે સાઉદી અરબના આ હુમલા પછી હુથી વિદ્રોહી અને સાઉદી અરબ સમર્થિત સરકારી બળ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ વધી શકે છે. સાઉદી અરબ તરફથી પણ ગુરુવારે કહેવામાં આવ્યું હતું કે સાઉદી અરબની તેલ રિફાઈનરી પર એક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક નેપાળી કર્મચારીનું મોત થયું છે.
છેલ્લા કેટલાક સમયથી સાઉદી અરબ અને હુથી વિદ્રોહીઓ વચ્ચે સંઘર્ષ વધ્યો છે. જેના ભાગ રુપે હુથી વિદ્રોહીઓ સાઉદીની તેલ રિફાઈનરીઓને નિશાન બનાવી રહ્યા છે. ગુરુવારે જજાન સ્થિત તેલ રિફાઈનરી પર હુમલો કરવામાં આવ્યો હતો.