ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પોતાની જાતને ઇસ્લામિક દેશ તરીકે ઓળખાવે છે. પરંતુ આ ઈસ્લામિક દેશમાં પણ અનેક હિન્દુ મંદિરો એવા છે જેનું સનાતન ધર્મમાં ખુબ જ મહત્વ છે. પાકિસ્તાનમાં કુલ 3 તો શક્તિપીઠ છે જેમાં સૌથી પ્રસિદ્ધ હિંગળાજ માતા મંદિર છે. અનેક મંદિરો સેકડો વર્ષ જૂના છે. પાકિસ્તાનમાં 3 શક્તિપીઠો ઉપરાંત અનેક મંદિરો ગુફાઓ, પહાડીઓ અને દરિયા કિનારે બનેલા છે. જ્યાં હિન્દુ શ્રદ્ધાળુઓ જાય છે અને પૂજાપાઠ કરે છે. પાકિસ્તાનના કેટલાક પ્રસિદ્ધ મંદિરો વિશે ખાસ જાણો.
શક્તિપીઠ હિંગળાજ માતા મંદિર, બલુચિસ્તાન
પાકિસ્તાનના અશાંત પ્રાંત તરીકે જેની ગણતરી થાય છે તે બલુચિસ્તાનમાં હિન્દુઓનુ અત્યંત પવિત્ર એવું તીર્થસ્થળ હિંગાળાજમાતા મંદિર આવેલું છે. પાકિસ્તાનની 3 શક્તિપીઠોમાથી એક છે. અન્ય બે શક્તિપીઠોમાં શિવહરકરાય અને શારદાપીઠ સામેલ છે. પૌરાણિક કથા મુજબ અહીં માતા સતીનું માથું પડ્યું હતું. આ મંદિર એક ગુફામાં બનેલું છે અને દેવી સતીને સમર્પિત છે. દર વર્ષે અહીં હિંગળાજ યાત્રા થાય છે. જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. આ યાત્રા પાકિસ્તાનની સૌથી મોટી હિન્દુ યાત્રામાંથી એક ગણાય છે.

કટાસ રાજ મંદિર
આ પ્રસિદ્ધ મંદિર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું છે. જે અનેક મંદિરોનો એક સમૂ્હ છે. આ મંદિર એક ઝીલ પાસે બનેલું છે. એવી માન્યતા છે કે ભગવાન શિવ પત્ની સતીના શરીરને લઈને ઘૂમી રહ્યા હતા ત્યારે તેમની એક આંખમાંથી આંસુ પડ્યું અને તે જગ્યાએ આ પવિત્ર સ્થળ બન્યું. અન્ય એક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણએ પોતે અહીં શિવલિંગ બનાવ્યું હતું અને ભગવાન શિવના સન્માનમાં આ મંદિર બનાવડાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાને ભારતના શ્રદ્ધાળુઓને આ મંદિરમાં જવાની સીમિત મંજૂરી આપી છે. વર્ષ 2024માં મહાશિવરાત્રીના અવસરે ભારતના 112 શ્રદ્ધાળુઓને વિઝા આપવામાં આવ્યા હતા.

કાલકા ગુફા મંદિર
સિંધ પ્રાંતમાં આવેલું કાલકા ગુફા મંદિર કાલકા દેવી મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર સિંધ પ્રાંતના અરોડાની કાલકા પહાડીઓમાં બનેલી એક પ્રાકૃતિક ગુફાની અંદર છે. હિન્દુ ધર્મમાં આ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક રીતે ખુબ મહત્વનું ગણાય છે. સ્થાનિક માન્યતા મુજબ દેવી કાલકા આ જગ્યાએ પ્રગટ થયા હતા. એમ પણ કહેવાય છે કે તેઓ હિંગળાજ મંદિરની યાત્રાએ જઈ રહ્યા હતા.

મંદિરની દેખભાળ કરતા લોકો મુજબ ગુફાની અંદર રહેલી બે સુરંગો વિશે એવી માન્યતા છે કે તે હિંગળાજ મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિર દેવી કાલીને સમર્પિત છે. કાલકા શબ્દનો અર્થ પ્રાચીન ષષ્ઠી ભાષામાં શક્તિ તરીકે ગણવામાં આવે છે. દર મહિનાના પહેલા સોમવારની સાંજે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.
પંચમુખી હનુમાન મંદિર
કરાચીમાં આવેલું આ પંચમુખી હનુમાન મંદિર પણ ભગવાન હનુમાનને સમર્પિત એક વિશેષ મંદિર છે. એવું પણ માનવામાં આવે છે કે તે 1500 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની સૌથી ખાસ વાત હનુમાનજીની મૂર્તિ છે. સામાન્ય રીતે મંદિરોમાં મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે પરંતુ આ મૂર્તિને સ્વયંભૂ ગણવામાં આવે છે. એટલે કે આ મૂર્તિ આપોઆપ પ્રગટ હોય. આ ઐતિહાસિક મંદિર ફક્ત પાકિસ્તાનમાં વસેલા હિન્દુઓ માટે જ નહીં પરંતુ પાકિસ્તાન બહારના હિન્દુઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર બનેલું છે.

વરુણ દેવ મંદિર
કરાચીમાં જ મનોરા બીચ પર આવેલું વરુણ દેવ મંદિર પણ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે. તેનો સંબંધ સિંધી હિન્દુઓના સમુદ્રી ઈતિહાસ સાથે પણ જોડવામાં આવે છે. આ મંદિર સમુદ્રના દેવતા વરુણને સમર્પિત છે. એવું કહેવાય છે કે પહેલાના સમયમાં વેપારીઓ અને નાવિકો દરિયાઈ મુસાફરી પર જતા પહેલા અહીં પૂજા કરતા હતા.
