FBIએ ભાગેડું ગેંગસ્ટર ગોલ્ડી બરારને ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કર્યો છે. જેના માથે ઈનામની રકમ 50000 ડોલરથી વધારીને 10 લાખ ડોલર કરવામાં આવી છે. સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ ભારતનો પણ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર છે. એક સમયે પંજાબના સામાન્ય પરિવારનો વિદ્યાર્થી આજે અમેરિકાની એફબીઆઈના ટોપ વોન્ટેડ ગુનેહગારોમાં સામેલ છે.
લોરેન્સનો સૌથી વિશ્વાસુ
ગોલ્ડી બરારે લોરેન્સ બિશ્નોઈના સૌથી વિશ્વાસુ સહયોગી તરીકે ઓળખ બનાવવામાં સફળતા મેળવી હતી અને તેના પર હત્યા, ખંડણી, હથિયાર તસ્કરી, ડ્રગ્સ નેટવર્ક તથા સંગઠિત અપરાધ સંગલ્ન અનેક ગુનાઓના ગંભીર આરોપ છે.
પંજાબના સામાન્ય પરિવારમાંથી આવ્યો
સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરારનો જન્મ પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં થયો હતો. પિતા પંજાબ પોલીસમાં ASI હતા. ભણી ગણીને ગોલ્ડી સન્માનજનક જીવન જીવે તેવું પરિવાર ઈચ્છતો હતો. પરંતુ કોલજમાં પગ મૂકતા જ તેના જીવને અલગ દિશા પકડી. ચંડીગઢમાં અભ્યાસ દરમિયાન ગોલ્ડીનો સંપર્ક પંજાબ યુનિવર્સિટીના છાત્ર રાજકારણથી થયો. આ દરમિયાન તેની ઓળખ SOPU (સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી) સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને બાદમાં લોરેન્સ બિશ્નોઈ સાથે થ યો. તે સમયે લોરેન્સ વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય હતો અને ધીરે ધીરે તેનો પ્રભાવ વધી રહ્યો હતો. આ મિત્રતા આગળ જઈને અપરાધ જગતની સૌથી ચર્ચિત જોડીમાં ફેરવાઈ ગઈ. તપાસ એજન્સીઓના જણાવ્યાં મુજબ અહીંથી ગોલ્ડીના અપરાધ જગત સાથે સંપર્ક મજબૂત થવા લાગ્યા હતા.
2017માં કેનેડા પહોંચ્યો
ગોલ્ડી ખરાબ સૌબતમાં ફસાઈ રહ્યો છે એવું જ્યારે પરિવારને લાગ્યું તો તેને 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલી દેવાયો. ત્યાં ઓન્ટારિયો પહોંચીને તેણે શરૂઆતમાં ટ્રક ડ્રાઈવર, કૂરિયર ડિલિવરી અને અન્ય નાના મોટા કામ કર્યા. પરંતુ ક્રાઈમની દુનિયાથી દૂર થયો નહીં. એવું કહેવાય છે કે તેણે ત્યં બેસીને નેટવર્ક મેનેજ કરવાની રણનીતિ ઘડી લીધી હતી.
એક હત્યાએ લાવ્યો ટર્નિંગ પોઈન્ટ
2020ના ઓક્ટોબરમાં ચંડીગઢની એક નાઈટક્લબમાં ગોલ્ડી બરારના પિતરાઈ ભાઈ ગુરલાલ બરાડની ગોળી મારીને હત્યા કરાઈ. ગુરલાલ લોરેન્સનો નિકટ ગણાતો હતો. આ હત્યાનો આરોપ બંબીહા ગેંગ પર લાગ્યો હતો. તપાસ એજન્સીઓ મુજબ આ હત્યાએ ગોલ્ડીને હચમચાવી દીધો. તેણે કથિત રીતે હરીફ ગેંગો વિરુદ્ધ બદલાની રણનીતિ અપનાવી અને વિદેશમાં બેસીને ગેંગવોર, ખંડણી, અને ટાર્ગેટ કિલિંગ સંબંધિત નેટવર્કનો વિસ્તાર શરૂ કરી દીધો.
લોરેન્સનો ભરોસાપાત્ર બન્યો
જ્યારે લોરેન્સ ભારતની વિવિધ જેલોમાં બંધ હતો ત્યારે વિદેશ આધારિત નેટવર્ક સંભાળવાની જવાબદારી ગોલ્ડી પર આવી હતી. તપાસ એજન્સીઓ મુજબ લોરેન્સ જેલમાંથી નિર્દેશ આપતો હતો અને ગોલ્ડી કેનેડા અને બાદમાં અમેરિકાથી કથિત રીતે આખુ નેટવર્ક સંભાળતો હતો. જેના કારણે અપરાધ જગતમાં તે લોરેન્સ બિશ્નોઈનો રાઈટ હેન્ડ કહેવાવા લાગ્યો.
ગુનાનું કોર્પોરેટ મોડલ!
તપાસ એજન્સીઓનો એવો પણ દાવો છે કે ગોલ્ડી પરંપરાગત રીતે ગુનાને અંજામ નહતો આપતો. તે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મ, ઈન્ટરનેટ કોલિંગ, વર્ચ્યુઅલ નંબર અને ડિજિટલ સંચાર માધ્યમોનો ઉપયોગ કરીને કથિત રીતે પોતાનું આખું નેટવર્ક સંભાળતો હતો.
તપાસ એજન્સીઓના જણાવ્યાં મુજબ તે સિગ્નલ, ટેલિગ્રામ, Threem જેવા એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ, ઈન્ટરનેટ કોલિંગ અને વર્ચ્યુઅલ નંબરોનો ઉપયોગ કરીને ભારતમાં પોતાના સાથીઓ સાથે સંપર્કમાં રહેતો હતો. એવો પણ આરોપ છે કે તે એક રાજ્યમાંથી શૂટર અન્ય રાજ્યમાંથી હથિયાર અને ત્રીજા કોઈ રાજ્યમાં ઘટનાને અંજામ આપવાની યોજના ઘડતો હતો. આ મોડલે તપાસ એજન્સીઓના હોશ ઉડાવ્યા હતા, નેટવર્ક તોડવું અઘરું બન્યું હતું.
સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ
ભારતીય એજન્સીઓના જણાવ્યાં મુજબ ગોલ્ડીનું નેટવર્ક કથિત રીતે હવાલા અને ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસાની લેવડદેવડ કરતું હતું. વેપારીઓ, પ્રોપર્ટી ડીલરો, દારૂના વેપારીઓ, અને મનોરંજન સાથે જોડાયેલી હસ્તીઓ પાસેથી ખંડણી માંગવામાં તેનું નામ સામે આવ્યું. 29 મે 2022ના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ગોલ્ડી બરારનું નામ વિશ્વ સ્તરે ચર્ચાયું. તપાસ એજન્સીઓનો આરોપ છે કે તેણે વિદેશમાં બેસીને આખા ઓપરેશનમાં સમન્વયની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત અન્ય અનેક હાઈ પ્રોફાઈલ હત્યાઓ અને ગેંગવોરમાં તેનું નામ સામે આવ્યું.
સલમાન ખાનને ધમકી આપવામાં પણ સામે આવ્યું નામ
ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈનું નામ અભિનેતા સલમાન ખાનને મળેલી ધમકીઓ ટાણે પણ ચર્ચાયું હતું. તપાસ એજન્સીઓની તપાસમાં આ સિન્ડિકેટનું પણ નામ સામે આવ્યું હતું. અમેરિકી તપાસમાં એવો પણ દાવો છે કે ગોલ્ડી બરાર ઉત્તર અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગ્રુપનો મુખ્ય ચહેરો છે. અમેરિકી એજન્સીઓના જણાવ્યાં મુજબ આ નેટવર્ક ફક્ત ભારત સુધી મર્યાદિત નથી પરંતુ અમેરિકા અને કેનેડામાં પણ સક્રિય રહ્યું છે. જેના પર હત્યા, ખંડણી, અપહરણ, હુમલા, નશીલા પદાર્થો અને હથિયારની તસ્કરી જેવા ગંભીર આરોપ છે.