પ્રશાંત ઢીવરે/સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલમાંથી મૃત મહિલા દર્દીના ગળામાંથી સોનાના મંગલસૂત્રની ચોરી થયાનો આક્ષેપ લાગ્યો છે. માતાને ધ્યાને આવતા પરિવારજનોએ આ મામલે હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ એક્સ-રે સમયે મહિલાના ગળામાં સોનાના પેન્ડલ સાથેનું મંગલસૂત્ર હતું, જેની અંદાજિત કિંમત 1.50 લાખ રૂપિયા છે.
પરિવારે મંગલસૂત્ર ગાયબ હોવાનો આરોપ લગાવ્યો
આ ઘટનાની મળતી માહિતી મુજબ બીપી અને સુગરની ફરિયાદ સાથે માતા અને 20 વર્ષીય દીકરીને સારવાર અર્થે નવી સિવિલ લાવવામાં આવી હતી. તબિયત વધુ લથડતા કિડની બિલ્ડિંગના પાંચમા માળે દાખલ કરવામાં આવી હતી. બપોરે દોઢ વાગ્યે તબીબોએ સીમા પાટીલ નામની મહિલાને મૃત જાહેર કરતા પરિવારજનો સિવિલ દોડી આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત નિપજ્યું હતું, ત્યારબાદ પરિવારે મંગલસૂત્ર ગાયબ હોવાનો આરોપ લગાવ્યો હતો.
મંગલસૂત્રની ચોરી થતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
પરિવારે આ મામલે યોગ્ય તપાસની માંગ કરી છે. પરિવારે કરેલા આક્ષેપો હવે પોલીસ માટે તપાસનો વિષય બન્યા છે. નવી સિવિલમાં સીસીટીવી અને કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મૃત મહિલાના ગળામાંથી સોનાના મંગલસૂત્રની ચોરી થતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.