Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગરબા રસિકો અને ખેલૈયાઓની ચિંતા વધારતા એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં આકરી ગરમીના દોર બાદ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવશે. નવરાત્રિના શરૂઆતના દિવસો, મધ્યમ અને અંતિમ દિવસો ઉપરાંત શરદ પૂનમના દિવસે પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાં ગરબાના આયોજનોમાં ખલેલ પહોંચાડી શકે છે.
16 અને 17 ઓક્ટોબરથી રાજ્યના હવામાનમાં ફરી મોટો પલટો
ઓક્ટોમ્બર મહિનામાં શરૂઆતના દિવસો બાદ 16 અને 17 ઓક્ટોબરથી ગુજરાતના હવામાનમાં ફરી મોટો પલટો આવશે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે પાંચમા નોરતાથી લઈને વિજયાદશમી (દશેરા) સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઓપન પ્લોટ અને પાર્ટી પ્લોટના મોટા ગરબા મહોત્સવોમાં આ વરસાદી ઝાપટાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આ ઉપરાંત 17 ઓક્ટોબરથી દરિયામાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા સેવાઈ રહી છે.
શું શરદ પૂનમે પણ વરસાદનું વિઘ્ન?
નવરાત્રિ પૂર્ણ થયા બાદ આવતી શરદ પૂર્ણિમાના પાવન દિવસે પણ રાજ્યમાં ભેજ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાનની આ અસરને કારણે રાત્રે ખુલ્લામાં દૂધ-પૌંઆ ખાવાની પરંપરા અને મોડી રાત સુધી ચાલતા ગરબા કાર્યક્રમો પ્રભાવિત થઈ શકે છે. 12થી 15 ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડી સક્રિય રહેશે.
બંગાળની ખાડીમાં આવશે તો અહીંની સિસ્ટમ વધુ મજબૂત બનશે
અંબાલાલ પટેલના મતે, નોલા વાવાઝોડું સુપર સાયક્લોનમાં ફેરવાઈને 240 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકી શકે છે, જેની અસર મુખ્યત્વે દક્ષિણ ચીન અને જાપાનમાં જોવા મળશે. જો તેના અવશેષો બંગાળની ખાડીમાં આવશે તો અહીંની સિસ્ટમ વધુ મજબૂત બનશે. આ સિવાય, 20 ઓક્ટોબરની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મહિનાના અંતમાં રાજ્યમાં માવઠું થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
રાજ્યમાં લોકોને ગરમી અને બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં આકરી ગરમીનો દોર યથાવત રહેવાની શક્યતા છે. આ દરમિયાન લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. તાપમાનની વિગતો મુજબ મધ્ય ગુજરાતમાં 37થી 40 ડિગ્રી તાપમાન, ઉત્તર ગુજરાતમાં 37થી 38 ડિગ્રી તાપમાન, મોરબી-સુરેન્દ્રનગર અને કચ્છમાં 36થી 38 ડિગ્રી તાપમાન, દ્વારકામાં 37થી 40 ડિગ્રી સુધી તાપમાન અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં પણ ગરમીનો અનુભવ થશે.