WhatsApp Scam : રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વોટ્સએપ પર આવેલી લગ્ન કંકોત્રીની APK ફાઇલ ખોલવી એક 70 વર્ષીય નિવૃત્ત તલાટી મંત્રીને ભારે પડી છે. એક ક્લિક કરતાં જ મોબાઈલ હેક થઈ ગયો અને થોડા જ કલાકોમાં તેમના બેંક ખાતામાંથી રૂ.6.57 લાખ ઉપડી ગયા હતા. જીવનભરની કમાણી ગુમાવ્યા બાદ વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
નિવૃત્ત તલાટી મંત્રી સાથે લાખોની છેતરપિંડી
મળતી માહિતી મુજબ, સુપેડી ગામના 70 વર્ષીય જયંતીલાલ ભેંસદડિયા નિવૃત્ત તલાટી મંત્રી છે. તેમના મોબાઈલ ફોનના વોટ્સએપ પર લગ્નની કંકોત્રી હોવાનો મેસેજ આવ્યો હતો. મેસેજ સાથે APK ફાઇલ મોકલવામાં આવી હતી. લગ્નની કંકોત્રી હોવાનું માનીને જયંતીલાલે આ ફાઇલ પર ક્લિક કરતાં તેમનો મોબાઈલ હેક થઈ ગયો હોવાની આશંકા છે.
મોબાઈલ હેક થયા બાદ સાયબર ઠગોએ તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.6.57 લાખ ઉપાડી લીધા હતા. બેંક ખાતામાંથી રકમ ઉપડવાના મેસેજ મોબાઈલ પર આવતા વૃદ્ધને પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
ગામના અન્ય લોકોમાં પણ ફફડાટ
આ ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે જયંતીલાલનો મોબાઈલ હેક થયા બાદ તેમના વોટ્સએપ એકાઉન્ટમાંથી ગામના અન્ય લોકોના મોબાઈલ પર પણ લગ્નની કંકોત્રીના મેસેજ પહોંચ્યા હતા. જેના કારણે સુપેડી ગામમાં ફફડાટ ફેલાયો હતો. ગામના અન્ય લોકોને પણ આવા APK ફાઇલવાળા મેસેજ આવતા લોકોની ચિંતા વધી હતી.
સાયબર ક્રાઇમ દ્વારા વૃદ્ધની ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે અજાણ્યા નંબર પરથી આવતી APK ફાઇલ, લિંક અથવા અન્ય શંકાસ્પદ ફાઇલ પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને લગ્નની કંકોત્રી, સરકારી યોજના, બેંક અપડેટ કે અન્ય કોઈ આકર્ષક મેસેજના નામે આવેલી ફાઇલ ખોલતા પહેલાં તેની ખરાઈ કરવી જરૂરી છે.