Rajkot News: ઉબડખાબડ રોડ પર પસાર થતાં વાહનો જાણે નાચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ કોઈ ગ્રામ્ય વિસ્તારનો નહીં, પરંતુ રાજકોટ–ભાવનગર હાઈવે પર આવેલા આટકોટ નજીકનો માર્ગ છે. જ્યાં રોડ કરતાં ખાડાઓ વધુ જોવા મળે છે. વાહનચાલકો માટે રોજની મુસાફરી હવે જોખમભરી બની ગઈ છે.
રોડનું માત્ર 6 મહિના પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ રોડનું માત્ર 6 મહિના પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે અનેક જગ્યાએ મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે. લોકોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાના કામને કારણે રોડ ટૂંકા સમયમાં જ ફરી બિસ્માર બન્યો છે. જેના કારણે કાર, બસ, ટ્રક અને ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
અકસ્માતનું જોખમ વધી જાય
સૌથી વધુ ભય રાત્રિના સમયે રહે છે. અંધારામાં ખાડાઓ સ્પષ્ટ દેખાતા નથી. ખાડાથી બચવા માટે અચાનક બ્રેક મારવી પડે છે અથવા વાહન વાળવું પડે છે અને એ જ ક્ષણે અકસ્માતનું જોખમ વધી જાય છે. અનેક વાહનચાલકો ગતિ ધીમી કરીને જ આ રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે.
સમગ્ર રોડનું ગુણવત્તાયુક્ત અને કાયમી સમારકામ કરવામાં આવે
સ્થાનિકોની માંગ સ્પષ્ટ છે. માત્ર તાત્કાલિક પેચવર્ક નહીં, પરંતુ સમગ્ર રોડનું ગુણવત્તાયુક્ત અને કાયમી સમારકામ કરવામાં આવે. જેથી દર ચોમાસે સર્જાતી આ મુશ્કેલીમાંથી વાહનચાલકોને રાહત મળે અને રાજકોટ–ભાવનગર હાઈવે ફરી સલામત મુસાફરી માટે ઓળખાય છે.