"તલવારો માત્ર રાખી નથી, જરૂરી પડ્યે ઉપયોગ પણ કરું છું", પુત્ર ચૂંટણી લડશે કે નહીં? જાણો શું જવાબ આપ્યો પરસોત્તમ સોલંકીએ
ગુજરાતમાં આગામી વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. પરંતુ ભાજપે વર્ષ પહેલા જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ 182 બેઠકો પર એક સાથે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરીને એક પ્રકારે શક્તિપ્રદર્શન કર્યું. ભાવનગરમાં પણ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા આ પ્રકારે કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં તેમણે પોતાના આગવા અંદાજમાં કહી દીધુ કે તેઓ માત્ર વાતો નથી કરતા પણ કામ કરીને દેખાડે છે. તલવારનો પણ ઉલ્લેખ કરીને મોટું નિવેદન આપ્યું.
નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગરમાં રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી દ્વારા નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી નિમુબેન બાંભણિયા સહિત રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરસોતમભાઈ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં સંબોધન કરી અનેક નિવેદનો આપ્યાં હતાં. મંત્રીપદ, રાજકીય કામગીરી, કોળી સમાજના મુખ્યમંત્રી અને આગામી 2027ની ચૂંટણીને લઈને પણ તેમણે મુક્તમને વાત કરી હતી.
"તલવારો માત્ર રાખી નથી, પરંતુ જરૂર પડ્યે ઉપયોગ પણ કરું છું"
સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત શુભેચ્છકોને સંબોધતા રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે, હું માત્ર વાતો નથી કરતો, પરંતુ કામ કરીને દેખાડું છું. છેલ્લા 30 વર્ષથી મંત્રી છું. પરંતુ ક્યારેય કોઈની પાસે મંત્રીપદની માગણી કરી નથી. કોઈને જાકારો આપ્યો નથી અને મારાથી બનતા તમામ પ્રયત્નો કરતો રહ્યો છું. 30 વર્ષમાં કંઈ થયું નથી. પરંતુ હવે કંઈ થાય તો હું પાછી પાની કરવાનો નથી. તેમણે પોતાના અંદાજમાં તલવારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તલવારો માત્ર રાખી નથી. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરું છું.
મુંબઈમાં મારા પર 32 કેસ હતા- પુરસોત્તમ સોલંકી
વધુમાં તેમણે કહ્યું કે આજે પહેરેલા સફેદ કપડાં તમારા માટે પહેર્યા છે. અગાઉ તો કાળા કપડાં પહેરીને ફરતો હતો. હું અહીં પૈસા કમાવા આવ્યો નથી. ભગવાને મને ઘણું આપ્યું છે. મુંબઈમાં મારા પર 32 કેસ હતા, પરંતુ છોડી દેવા પડ્યા, હું પકડાતો જ નથી. કોઈને તકલીફ હોય તો મારી પાસે આવજો, કોઈને ખબર પણ નહીં પડે અને તમારું કામ થઈ જશે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ અને નરેન્દ્રભાઈની પ્રશંસા કરતાં તેમને મર્દ માણસો ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મોટી મોટી વાતો કરવાને બદલે ભગવાને આપેલી શક્તિથી કામ કરીને બતાવવું જોઈએ
પુત્ર આગામી ચૂંટણી લડશે કે નહીં તે સવાલ પર આપ્યો જવાબ
સ્નેહમિલન બાદ મીડિયા સાથેની વાતચીતમાં પણ મંત્રી પરસોતમભાઈ સોલંકીએ અનેક રાજકીય મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને જે મંત્રીપદ મળ્યું છે તેનો ઉપયોગ કરીને લોકો માટે બનતા તમામ પ્રયત્નો કરશે. કોળી સમાજમાંથી મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી ચર્ચા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ નિર્ણય સરકાર નક્કી કરશે. બીજી તરફ, પોતાના પુત્ર દિવ્યેશ સોલંકીને લઈને પૂછાયેલા સવાલમાં તેમણે કહ્યું કે જો તમે પરસોતમ સોલંકીને સિંહ સમજો છો તો મારો દીકરો દિવ્યેશ પણ સિંહ થઈ ગયો છે, ચિંતા કરવાની જરૂર નથી. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં દિવ્યેશ ચૂંટણી લડશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે સિંહ રખડતો હોય તેની પાછળ ઘણા કૂતરા રખડતા હોય છે, મારી પાછળ પણ ઘણા દોડ્યા હતા, પરંતુ કોઈનું કંઈ ચાલ્યું નથી. અંતમાં તેમણે શુભેચ્છકોને મજબૂત રહેવાનો સંદેશ આપતાં કહ્યું હતું કે તમે બધા મજબૂત રહો, અમે તો મજબૂત જ છીએ