)
જલંધરમાં રમાયેલી હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત જાપાનને 4-1થી હરાવીને ચેમ્પિયન બન્યું છે. આ ભારતનું સતત ત્રીજું અને કુલ છઠ્ઠું ટાઇટલ છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારત અજેય રહ્યું હતું અને લીગ તબક્કામાં પણ તેણે જાપાનને 4-1થી હરાવ્યું હતું.
અમદાવાદના દૂરદર્શન સર્કલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. એક્સિસ બેંકના એક કર્મચારીએ પોતાની કારથી એક્ટિવાને ટક્કર મારતાં અફરાતફરી મચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા, જેના પગલે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. કારચાલક બેંક કર્મચારી નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. ઘટનાને લગતા વીડિયો પણ સામે આવ્યા છે. પોલીસે અકસ્માતની સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
બહુચરાજી કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટમાં ફરજ બજાવતો ક્લાર્ક સુનિલ પરમાર કથિત રીતે દારૂના નશામાં કોર્ટ રૂમમાં પહોંચતા ચકચાર મચી ગઈ હતી. કર્મચારીની હાલત જોઈ જજે તાત્કાલિક પોલીસને બોલાવવાનો આદેશ આપ્યો હતો. જજના આદેશ બાદ બહુચરાજી પોલીસે ક્લાર્ક સુનિલ પરમારને અટકાયતમાં લઈ પોલીસ હવાલે કર્યો હતો. ત્યારબાદ તેને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા પોલીસમાં લેખિત ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. કાયદાનું પાલન કરાવતી કોર્ટમાં જ કર્મચારી નશાની હાલતમાં પહોંચ્યાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામે આવેલી સુગર મિલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુગર મિલની પાણીની ટાંકી અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સાંજના અરસામાં બનેલી આ ઘટનામાં બે વ્યક્તિ લાપતા થયા હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાણીની ટાંકીનું તાજેતરમાં જ સમારકામ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સુગર મિલના સત્તાધીશો સહિત ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોરબંદરના ચર્ચિત ઓડદર દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સગીરા પર દુષ્કર્મ મામલે દાખલ થયેલી ક્વાશિંગ અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. પોલીસ તપાસમાં આરોપી અને પીડિતાના ડીએનએ સેમ્પલ મેચ થવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્ટે ગંભીર નોંધ લીધી. સમાધાનના નામે ફરિયાદ રદ્દ કરાવવા સોગંદનામું રજૂ કરાતાં જજે આકરી ફટકાર લગાવી અને કહ્યું, તમને શરમ નથી આવતી, આ સાથે અરજી રિજેક્ટ કરી. અરજી વિડ્રો કરવાની વકીલની વિનંતી પણ કોર્ટે ફગાવી. ગંભીર ગુનામાં સમાધાનના પ્રયાસ સામે હાઇકોર્ટે લાલ આંખ કરી છે.
દિવાળીના પાવન પર્વ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલ અમદાવાદના મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા પોતાની ખાસ કલા અને મહેનતથી તૈયાર કરવામાં આવેલા સુંદર દીવડાઓની ખરીદી કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ તેમની સાથે દીવા પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી પણ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ દર્દીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમની આ કુશળતાને બિરદાવી હતી.
CNGના ભાવમાં થઈ રહેલા વધારા સામે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને સખત વિરોધ નોંધાવ્યો છે. દિવાળીના તહેવાર નિમિત્તે સામાન્ય રીતે લોકોને બોનસ અથવા કોઈ ભેટ-સોગાદ મળવાની આશા હોય છે. પરંતુ રિક્ષા અને ટેક્સી ચાલકોને ગેસના ભાવ વધારાનું ભારણ સહન કરવું પડી રહ્યું છે. લગભગ 12 દિવસ પહેલાં જ CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થયો હતો. આજે ફરી પ્રતિ કિલોએ ₹2.30નો વધારો કરીને જાણે દિવાળીની ગિફ્ટ પણ આપી દીધી હોય તેવો યુનિયનનો કટાક્ષ કર્યો છે. સાથે જ તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી છે.
મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મેગા ડ્રાઇવ યોજાઈ. અખાદ્ય ખોરાક પર ફૂડ વિભાગે સઘન તપાસ શરૂ કરી. સ્વીટ અને નમકીનની દુકાનો તેમજ મોલ અને કારીયાણાની દુકાનોમાં પણ તપાસ હાથ ધરાઈ. અખાદ્ય માવો, વરખ, કાજુકત્રી, ફરસાણ અને સ્વીટમાં તપાસ કરાઈ. આ દરમિયાન જેલ રોડ સ્થિત વિષ્ણુ મોલમાંથી મોટી માત્રામાં એક્સપાયરી ડેટવાળો સમાન મળી આવ્યો, જેનો સ્થળ પર જ નાશ કરાયો.
આગામી 9 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદને 1100 કરોડના વિકાસકાર્યોની ભેટ મળશે. NHAI દ્વારા નિર્મિત એલિવેટેડ કોરિડરોનું લોકાર્પણ કરવામાં આવશે. એસજી હાઇવેના ઈસ્કોનથી સરખેજ ફ્લાયઓવરનું પણ લોકાર્પણ કરાશે. તો જોધપુર અને ગોતા સહિતના વિવિધ વિસ્તારોમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે.
બનાસકાંઠાના ડીસામાં આવેલા શેરપુરાના એક મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મંડપના ગોડાઉનમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી હતી. આગના કારણે ગોડાઉનમાં રાખેલો મંડપનો સામાન બળીને ખાખ થયો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. આગની ઘટનામાં મંડપના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે.
ભાવનગરના મહુવા નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. વોર્ડ નંબર-2નાં કાઉન્સિલર જયશ્રી સરવૈયાના જણાવ્યા મુજબ, પાલિકા પ્રમુખ મીતલ જોશીના પતિ રાજેશ જોશીએ તેમને કહ્યું કે, "હું મહુવાનો બાપ છું". આ ઘટનાને પગલે વોર્ડ નંબર-1ના કાઉન્સિલરો સભા છોડીને બહાર નીકળી ગયા હતા. બીજી તરફ રાજેશ જોશીએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...