)
જામનગરમાં બુટલેગર સાથે સાંઠગાંઠ બદલ પોલીસકર્મી સામે કાર્યવાહી! રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયે હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાને કર્યા સસ્પેન્ડ. નાઘેડી GIDC દારૂકાંડમાં કોલ ડિટેલ્સ અને ટાવર લોકેશનની તપાસમાં શંકાસ્પદ ભૂમિકા સામે આવી. SMCના દરોડામાં રૂ. 1.37 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. સસ્પેન્શન બાદ રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી કરાઈ. DIGની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ!
પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપુરા નિવેદન આપ્યું હતું કે “2027 માં કુંવરજીભાઈ બાવળીયા ચૂંટણી લડશે અને મંત્રી બનશે” તેવું નિવેદન દેવજી ફતેપરાએ આપ્યું હતું, કોળી સમાજના આગેવાનો પ્રવીણ કોળીએ ગઈકાલે દેવજીભાઈને જવાબ આપ્યો હતો. દેવજીભાઈ ફતેપરા આવ્યા મીડિયા સમક્ષ. તેમણે દેવજીભાઈ ફતેપરા પ્રવીણ કોળીને આપ્યો જવાબ. કુંવરજીભાઈએ ચૂંટણી લડવી કે નિવૃત્તિ લેવી તે જસદણની જનતા નક્કી કરશે, પ્રવીણ ભાઈ બોટાદના છે, કુંવરજી ભાઈ અંગે નિર્ણય જસદણના જનતા લેશે, કોળી સમાજને રાજકારણ અને સામાજિક રીતે આગળ લાવવામાં કુંવરજી ભાઈનું યોગદાન ખૂબ મોટું, ગાંધીનગરમાં શિક્ષણ ભવનની જમીનનું કામ ૫૦% થી વધારે પૂર્ણ થઈ ચૂક્યું છે,મુખ્યમંત્રીને પણ અમે મળ્યા હતા, પાટીદાર સમાજ જેટલું મહત્વ કોળી સમાજને એને પાર્ટીમાં મળતું નથી. વાંકાનેરની સીટ પર ૮૦ હજારથી વધુ મતદારો કોળી સમાજના છે તેમ છતાં અમિત શાહ સાહેબના કહેવાથી અમે મહેનત કરીને જીતુ ભાઈ સોમાણીને જીતાડ્યા છે, દેવજી ફતેપરાએ પોતે પણ વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા કરી વ્યક્ત. પીએમ મોદીને અભિનંદન કે તેઓ સત્તામાં આવ્યા બાદ કોળી સમાજનું રાજકારણમાં પ્રભુત્વ વધ્યું,પહેલા માત્ર એક જ સાંસદની ટિકિટ મળતી,હવે સુરેન્દ્રનગર,ભાવનગર અને જૂનાગઢ એમ સૌરાષ્ટ્રની ત્રણ લોકસભા ટિકિટ કોળી સમાજને મળે છે.
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર સમાજના ધારાસભ્યો અને સાંસદોની સંખ્યા મળીને 40 જેટલી છે, ત્યારે સમાજના હિત માટે તમામે એકજૂથ થવાની જરૂર છે. રાજકીય પક્ષો અલગ હોઈ શકે, પરંતુ સમાજ એક જ છે. વર્ષમાં એક દિવસ પણ તમામ લોકો સાથે મળીને ભોજન કરે તો પણ સમાજની એકતાનો સંદેશ તમામ પક્ષો સુધી પહોંચી જશે. અલ્પેશ ઠાકોરની કામગીરીને બિરદાવતાં ગેનીબેને કહ્યું કે, ઠાકોર સેનાના માધ્યમથી અલ્પેશભાઈએ અનેક યુવાનોને તૈયાર કર્યા છે, જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોર જેવા આગેવાનોનો પણ સમાવેશ થાય છે. ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રાજકીય ભેદભાવ ભૂલી સમાજની એકતા, સંગઠન અને શક્તિ જાળવી રાખવા ગેનીબેન ઠાકોરે સમાજના આગેવાનો અને યુવાનોને અપીલ કરી.
સોમનાથ-વેરાવળ સામેના દરિયામાં લંગર નાખીને ઉભેલી પોરબંદરની 'શ્રી અંજલી' ફિશિંગ બોટને મોડી રાત્રે એક અજાણી મોટી શિપ સ્ટીમરે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારી હતી. અકસ્માતની આ ઘટનામાં બોટમાં સવાર એક ખલાસી દરિયાના પાણીમાં ખાબક્યો હતો અને અન્ય ખલાસીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા. શિપની જોરદાર ટક્કરથી ફિશિંગ બોટની કેબિન અને ડાબી બાજુનો ભાગ તૂટી જતાં બોટ માલિકને અંદાજે ૨૦ લાખનું નુકસાન. અકસ્માત સર્જ્યા બાદ અજાણી મોટી શિપનો ચાલક પોતાની શિપ લઈને દરિયામાં નાસી છૂટ્યો. સમગ્ર મામલે પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે હાલ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં પરિવર્તનની વાતો થઈ રહી છે. 2027માં ગુજરાતમાં પરિવર્તનનો પવન નહીં પરંતુ પરિવર્તનનું વાવાઝોડું ફુંકાવાનું છે. અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં યુવાનોએ ઝંપલાવી દેશને આઝાદી અપાવી હતી. આજની GENZ પેઢી ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નવી આઝાદીની લડત લડી રહી છે. યુવાનોએ પોતાનું મન બનાવી લીધું છે, પરિવર્તન લાવવાનું તેમણે નિશ્ચિત કરી દીધું છે. અગાઉ પણ કોંગ્રેસ પક્ષ દ્વારા યુવાનોને પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવી હતી. 2027ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ભણેલા ગણેલા યુવાનોને ચૂંટણી લડવાની તક આપવામાં આવશે. ચૂંટણી સમયે દરેક સમાજ પોતાના વ્યક્તિને પ્રતિનિધિત્વ મળે તે બાબતે લોબિંગ કરતો હોય છે.
ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોરની નિમણૂકને સમાજની એકતાની તાકાત ગણાવતાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પસંદગીથી રૂપસિંહ ઠાકોર મેયર બન્યા છે, જે સમાજની એકતાનું પરિણામ છે. સમાજના બંધારણ અંગે વાત કરતાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, બંધારણના કારણે સમાજને અનેક ફાયદા થયા છે અને આપણા બંધારણમાંથી અન્ય સમાજોએ પણ પ્રેરણા લઈને શીખ મેળવી છે. ડીજેના મુદ્દે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, ડીજેનો કોઈ વિરોધ નહોતો, પરંતુ ડીજે પર વાગતાં ગીતો સામે વાંધો હતો. લગ્ન પ્રસંગોમાં બંધારણના અમલથી થયેલા ફાયદાઓનો ઉલ્લેખ કરતાં અલ્પેશ ઠાકોરે સમાજના લોકોને અપીલ કરી કે, આ વખતે લગ્નોમાં કેટલો ફાયદો થયો છે તે દરેક ગામના લોકોએ જાતે વિચારવું જોઈએ. આ બધું સમાજના બંધારણના કારણે શક્ય બન્યું છે.
રાજકોટના ચર્ચાસ્પદ જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા કાજુકતરી, વીડિયો અને ફોટોગ્રાફીના અધધ ખર્ચના વિવાદ પર હવે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. આ ખર્ચની તપાસ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી હોવા છતાં લાંબો સમય વીતી ગયા બાદ પણ હજુ સુધી તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્ર પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, જવાબદાર અધિકારીઓને બચાવવાના હેતુથી જ આ તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યો નથી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા એક દર્દીનું વેન્ટિલેટર પ્લગ કાઢી નાખવામાં આવતા તબીબી બેદરકારીને કારણે મોત નિપજ્યું હોવાનો ગંભીર આરોપ પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે. મૃતક દર્દીના તબીબ પુત્રએ આ મામલે તાત્કાલિક સ્ટાફને જાણ કરી હતી અને પરિવારે દાવો કર્યો હતો કે દર્દીના હૃદયના ધબકારા ઈન્જેક્શનની મદદથી ચાલુ રાખવામાં આવ્યા હતા, જે અંગે પોલીસમાં પણ અરજી કરવામાં આવી છે. બીજી તરફ, સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે આ તમામ આરોપોને નકારતા સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ ડોક્ટર ક્યારેય વેન્ટિલેટર કાઢી શકે નહીં અને જો ભૂલથી પ્લગ નીકળી જાય તો પણ મશીનમાં બેકઅપ વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે; જોકે, સિવિલ તંત્ર દ્વારા આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવાની ખાતરી આપવામાં આવી છે.
મોરબીના ટંકારા નજીક સર્જાયેલા એક દર્ઘટનાપૂર્ણ અકસ્માતમાં બે યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડેકોરેશનના કામ માટે મોરબી તરફ જઈ રહેલી એક પૂરપાટ ઝડપે આવતી કાર અચાનક અનિયંત્રિત બનીને આશરે ૮ થી ૧૦ વખત પલ્ટી ખાઈ ગઈ હતી અને રોડ પરના ટીસી (ટ્રાન્સફોર્મર) સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ યુવાનોમાંથી બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાડીમાં રાજ્યપાલ પણ સવાર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટે જતા પહેલા મહત્વની બેઠક કરી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ નીકળતા પહેલા 15 મિનિટથી વધુ સમય મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી સાથે પ્રધાનમંત્રીએ બેઠક કરી.
અયોધ્યામાં દર્શન કરીને આગરા તાજમહલ તરફ જઈ રહેલા સુરતના શ્રદ્ધાળુઓની ટ્રાવેલર બસને આગરા-લખનઉ એક્સપ્રેસવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. હાઈવે પર ઉભેલા એક ટ્રેલરની પાછળ ટ્રાવેલર બસ ધડાકાભેર ભટકાતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ડ્રાઈવર સહિત કુલ ૧૨ યાત્રીઓ સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં ૧૨ પૈકી ૨ યાત્રીઓના કરૂણ મોત નિપજ્યા છે, જેઓ સુરતના ઓલપાડ તાલુકાના બોલાવ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બસમાં સવાર અન્ય ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ આજે એક મંચ પર. દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે આજે ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહમિલન. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના નવનિયુક્ત મેયર રૂપસિંહ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ. બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોર પણ સ્નેહમિલન કાર્યક્રમમાં આપશે હાજરી. ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ રહેશે ઉપસ્થિત. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના ઠાકોર સમાજના નેતાઓ એક જ મંચ પર આવશે. દિયોદર, લાખણી અને ભીલડી દ્વારા વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજના સ્નેહમિલનનું આયોજન. સમાજની એકતા અને સંગઠનના સંદેશ સાથે આજે ફરી એકવાર ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ એક મંચ પર.
દ્વારકા જિલ્લામાં ધૂમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી જ ધૂમ્મસની ચાદર છવાઈ. ધૂમ્મસના કારણે માર્ગો પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વાહનચાલકો વાહનોની લાઈટ ચાલુ રાખી ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર બન્યા. ખંભાળિયા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધૂમ્મસનું સામ્રાજ્ય છવાયું. ધૂમ્મસના કારણે વાહનચાલકોએ સાવચેતી રાખવી જરૂરી.
સુરતના લિંબાયતમાં યુવતીને બેસાડવાના વિવાદમાં નશામાં ધૂત શખ્સે ઘરમાં ઘૂસી મહિલા અને તેની પુત્રી પર હુમલો કરી પથ્થરમારો કર્યો હોવાનો ગંભીર આરોપ છે. પરવીન નામના શખ્સે રશ્મિબેનના ઘરમાં ઘૂસી તેમને અને તેમની પુત્રીને ગંભીર માર માર્યો હતો, જેના કારણે રશ્મિબેન બેભાન થઈ જતા હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. રાત્રે એક ટોળા દ્વારા ફરીથી પીડિત પરિવારના ઘર પર પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો.
નવસારીના ઐતિહાસિક દાંડી ગામે દીપડાનો પરિવાર જોવા મળતા ખળભળાટ. દાંડી સોલ્ટ મેમોરિયલથી થોડે દૂર રસ્તાની કિનારે જ ઝાડીઓમાં દીપડી અને બે બચ્ચા આરામ ફરમાવતા કેમેરામાં થયા કેદ. જાહેર માર્ગની બાજુમાંજ દીપડાના પરિવારને એક કાર ચાલકે મોબાઈલ કેમેરામાં કર્યો કેદ. ઐતિહાસિક દાંડીમાં હાલ દિવાળી વેકેશનને કારણે આવતા પ્રવાસીઓ અને સ્થાનિક ગ્રામીણોમાં ભયનો માહોલ. સાંજના સમયે રોડ કિનારે બિન્દાસ બેઠેલા દીપડાના પરિવારના વીડિયોને પગલે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી. દીપડાનો વાયરલ વીડિયો ધ્યાને આવતા જ વન વિભાગ દ્વારા દાંડીમાં પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત શરૂ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાણીની લાઈનને લગતી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાને કારણે પશ્ચિમ વિસ્તારના નાગરિકોને પાણી કાપનો સામનો કરવો પડશે. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી મેળવતા વિસ્તારો તેમજ લીલાપુર ગામ અને સરખેજ વિસ્તારમાં લાઈન રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી ૧૬ નવેમ્બરના રોજ સવારનો પાણી પુરવઠો નહીં મળે અને ત્યારબાદ ઉપલબ્ધ પાણીના આધારે પુરવઠો આપવામાં આવશે. આ કામગીરીની સીધી અસર ગોતા, બોડકદેવ, થલતેજ, બોપલ, ઘુમા, શિલજ, સરખેજ અને મકતમપુરા સહિતના વિસ્તારોમાં વર્તાશે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ છેલ્લા કેટલાક દિવસોમાં 'મહાદેવ ઓનલાઇન બુક એપ' (Mahadev Online Book App) નામના ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજીના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા 'પેનલ ઓપરેટરો'ના 6 રાજ્યોમાં આવેલા 33 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા, પ્લેટફોર્મના મુખ્ય પ્રમોટરોમાંના એક અને મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાન સલ્તનતમાંથી ભારત લાવ્યા (પ્રત્યાર્પણ કર્યા) બાદ તેણે આપેલી માહિતીના આધારે કરવામાં આવ્યા હતા.
દિવાળીના તહેવારોની રજાઓ બાદ લાભ પાંચમના શુભ અવસરે ઊંઝા APMC ખાતે વિધિવત પૂજન અને હરાજીના શુભારંભ સાથે માર્કેટયાર્ડ ફરી એકવાર ધમધમતું થયું છે. ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ, ડિરેક્ટરો અને વેપારીઓની ઉપસ્થિતિમાં શુભ મુહૂર્તમાં લાભ પાંચમનું પૂજન અને પ્રાર્થના-અર્ચના કરીને હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવું વર્ષ ખેડૂતો, વેપારીઓ, કર્મચારીગણ અને સમગ્ર ઊંઝા પંથક માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લાભદાયી નીવડે તેવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રનું અગ્રણી ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરવામાં આવેલી એક સપ્તાહની રજાઓ બાદ ફરી એકવાર ધમધમતું થયું છે. રજાઓ પૂર્ણ થતાં જ યાર્ડમાં નવી જણસીઓની ખરીદ-વેચાણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસથી જ ખેડૂતો દ્વારા વિવિધ જણસીઓની મબલખ આવક નોંધાતા યાર્ડમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ બાદ યાર્ડમાં ખેડૂતોનો ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં અંદાજે ૧ લાખ ગુણી મગફળી, 25 હજાર કટ્ટા ડુંગળી અને મરચાની 15 હજાર ભારી સહિત વિવિધ ખેત જણસીઓની નોંધપાત્ર આવક થઈ રહી છે.
જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન રોડ પર કેબિન પાછળથી બે દિવસ પૂર્વે મળી આવેલા અજાણી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાઈ ગયો છે અને આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાની ઓળખ પાલીતાણાના હાથિયાધારના રહેવાસી અને છૂટક મજૂરી કરી જીવન ગુજારતા હકુબેન પરમાર તરીકે થઈ છે, જેમની ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હોવાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે. સગા ભત્રીજા સાથેના કથિત અનૈતિક સંબંધોની શંકા રાખીને તેમની હત્યા કરાઈ હોવા અંગે મૃતકના ભાઈ અરવિંદ ઉર્ફે અશોક ઉર્ફે અરજણ વાઘેલાએ જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે રાધાબેન, મધુબેન, લક્ષ્મણ ઉર્ફે લખો બાવાજી અને ભુપત વાઘેલા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ચારેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..