Gandhinagar Municipal Corporation Election Result: ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) માટે પરિણામો અત્યંત નિરાશાજનક રહ્યા છે. મનપાની કુલ 44 બેઠકોમાંથી ભાજપને 38, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠક મળી છે, જ્યારે આ ચૂંટણીમાં AAPનો સંપૂર્ણ સફાયો થયો છે. વર્ષ 2026માં યોજાયેલી આ ચૂંટણીમાં AAP દ્વારા 11 વોર્ડમાં 32 ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તમામ 32 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે અને પક્ષનો વોટશેર પણ ઘટ્યો છે. અગાઉ વર્ષ 2021ની ગાંધીનગર મનપાની ચૂંટણીમાં AAPએ વોર્ડ નંબર 6માં જીત મેળવીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. તે વખતે વોર્ડ નંબર 6માં ભાજપની પેનલ તૂટી હતી, જેની સામે આ વખતે પક્ષ એક પણ બેઠક મેળવવામાં નિશફળ રહ્યો છે.
ગાંધીનગર મનપાની વર્ષ 2026ની ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કોને કેટલી બેઠકો મળી?
વર્ષ 2026ની ચૂંટણીમાં AAPનો શરમજનક પરાજય: 32માંથી 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
વર્ષ 2026ની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 11 વોર્ડમાં કુલ 32 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ પરિણામો આવતા જ પક્ષ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 11 વોર્ડમાં કુલ 32માંથી એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. ચૂંટણી લડેલા તમામ 32એ 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. 2021ની સરખામણીએ આ વખતે આમ આદમી પાર્ટીના વોટશેરમાં ભારે ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે મતદારોનો ઝુકાવ આ વખતે AAP તરફ રહ્યો નથી.
છેલ્લા 5 વર્ષમાં AAPની પસંદગીમાં ઘટાડો
જો વર્ષ 2021ની ગાંધીનગર મનપા ચૂંટણીની સરખામણી કરીએ તો સ્થિતિ તદ્દન અલગ રહી છે. હવે વર્ષ 2021ની ચૂંટણીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં ધમાકેદાર એન્ટ્રી કરીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. વોર્ડ નંબર 6 માં ભાજપની આખી પેનલ જીતી શકી નહોતી. ભાજપમાંથી ગૌરાંગ રવિન્દ્ર વ્યાસ, પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલની જીત થઈ હતી, જ્યારે ચોથી બેઠક પર AAPના તુષાર પરીખ વિજેતા બન્યા હતા. આમ, વોર્ડ નંબર 6માં ભાજપની પેનલ તોડીને AAPએ સફળતાપૂર્વક ખાતું ખોલ્યું હતું. વર્ષ 2021માં મળેલી એ સફળતાને જાળવી રાખવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી છે. વર્ષ 2026માં પક્ષના સુપડા સાફ થઈ ગયા છે અને ગાંધીનગર મનપામાંથી આખો પક્ષ બહાર ફેંકાઈ ગયો છે.
ગાંધીનગરમાં AAPની નિષ્ફળતાના શું છે મહત્વપૂર્ણ કારણો?
ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતમાં 'ત્રીજા વિકલ્પ' તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટી સામે સ્થાનિક સ્તરે અનેક પડકારો છે. AAPમાં મજબૂત સંગઠનનો અભાવ, સ્થાનિક મુદ્દાઓ પર પકડ ન હોવી અને મતદારોમાં વિશ્વાસ જાળવવામાં નિષ્ફળતાને કારણે 2021માં મળેલી સફળતા 2026 સુધીમાં સાવ ધોવાઈ ગઈ છે. બીજી તરફ, ભાજપે ગાંધીનગરમાં પોતાનું પકડ વધુ મજબૂત કરી છે અને કોંગ્રેસે પણ મહત્ત્વપૂર્ણ બેઠકો મેળવીને વિપક્ષ તરીકે પોતાની હાજરી નોંધાવી છે.