ગાંધીનગર મનપા: 2011માં કોંગ્રેસની બહુમતી છતાં કેમ ભગવો લહેરાયો? જાણો છેલ્લા 15 વર્ષનો રસપ્રદ રાજકીય ઈતિહાસ
Gandhinagar Municipal Corporation Election 2026: ગાંધીનગર મહાનગરપાલિકાના રાજકીય ઈતિહાસમાં ચૂંટણીના પરિણામ કરતાં સત્તાનું ગણિત અનેક વખત અલગ રહ્યું છે. 2011માં કોંગ્રેસની બહુમતી છતાં પક્ષપલટાથી સત્તા ભાજપ પાસે ગઈ અને 2016માં પણ એક કોર્પોરેટરના પક્ષપલટાથી સત્તાનું ગણિત બદલાયું હતું.
હિતલ પારેખ/ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની રાજકીય સફર પર નજર કરીએ તો છેલ્લા 15 વર્ષમાં સત્તાના સમીકરણમાં અનેક મોટા વળાંક આવ્યા છે. 2011માં કોંગ્રેસની બહુમતીથી શરૂઆત થઈ હતી. પરંતુ ત્યારબાદ થયેલા પક્ષપલટાથી ભાજપ સત્તામાં આવ્યું હતું. 2016માં ફરી બંને પક્ષો બરાબરી પર આવ્યા હતા અને એક કોર્પોરેટરના પક્ષપલટાથી ભાજપે સત્તા મેળવી હતી. જ્યારે 2021માં ભાજપે 44માંથી 41 બેઠકો જીતીને એકતરફી બહુમતી મેળવી હતી..
ગાંધીનગર મનપામાં મેયર સફર
2011 થી 2015ના સમયગાળા દરમિયાન કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણા મેયર બન્યા હતા. જે ગાંધીનગર મનપાના પ્રથમ મેયર ગણાય છે. ત્યારબાદ 2015 થી 2016 દરમિયાન ભાજપના હંસાબેન મોદી મેયર બન્યા હતા. એવી જ રીતે 2016 થી 2019 દરમિયાન ફરી ભાજપના મેયર બન્યા હતા. આ સમયગાળા દરમિયાન ભાજપના પ્રવીણભાઈ પટેલ મેયર બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2019 થી 2021 દરમિયાન ફરીથી ભાજપના નેતા મેયર પદે આવ્યા હતા. આ સમયે ભાજપના રીટાબેન કેતનકુમાર પટેલ મેયર બન્યા હતા. 2021 થી 2024 દરમિયાન ભાજપના હિતેશભાઈ મકવાણા મેયર પદે બિરાજમાન થયા હતા. 2024થી હાલ સુધી ભાજપના મીરાબેન પટેલ મેયર પદે છે. આ સત્તાવાર મેયર ઇન્કમ્બન્સી ચાર્ટ મુજબ ગાંધીનગર મનપામાં અત્યાર સુધી છ મેયર રહી ચૂક્યા છે.
શું છે ગાંધીનગર મનપાનું વર્ષ 2011નું ચૂંટણી ગણિત
ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2011ના ચૂંટણી ગણિત પર વાત કરીએ તો કુલ 33 બેઠકો પર કોંગ્રેસના ફાળે 18 બેઠકો અને ભાજપને 15 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 3 બેઠકો પર સ્પષ્ટ બહુમતી મળી હતી. એ વખતે મહેન્દ્રસિંહ રાણા ગાંધીનગર મનપાના પ્રથમ મેયર બન્યા હતા. પરંતુ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થાય તે પહેલાં મહેન્દ્રસિંહ રાણા સહિત કોંગ્રેસના 3 સભ્યો ભાજપમાં જોડાયા હતા. આ પક્ષપલટા બાદ ભાજપે મનપામાં સત્તા મેળવી અને મહેન્દ્રસિંહ રાણાને મેયર તરીકે યથાવત રાખ્યા.
શું છે 2016નું ચૂંટણી ગણિત
ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2016ની ચૂંટણીની વાત કરીએ તો કુલ 32 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ફાળે 16 બેઠકો અને કોંગ્રેસના ફાળે 16 બેઠકો આવી હતી. આ ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. બરાબરીના આંકડા વચ્ચે કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ પટેલ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપે સત્તા બનાવી હતી અને ભાજપના નેતા પ્રવિણ પટેલ મેયર બન્યા હતા. અર્થાત એક કોર્પોરેટરના પક્ષપલટાથી 16 સામે 16નું ગણિત ભાજપની તરફેણમાં બદલાયું હતું.
ગાંધીનગર મનપાનું વર્ષ 2021નું મોટું રાજકીય પરિવર્તન
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હંમેશા ચર્ચામાં રહે છે. વર્ષ 2021માં પણ કુલ 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે 41 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 2 બેઠકો ગઈ હતી. જ્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલ્યું હતું અને ગાંધીનગર મનપાની ચૂંટણીમાં એક લીટ મળી હતી. ભાજપને 37 બેઠકોની સ્પષ્ટ બહુમતી હોવાના કારણે હિતેશ મકવાણા મેયર બન્યા હતા. 2021ની ચૂંટણી પહેલાં સીમાંકન બાદ મનપામાં વોર્ડની સંખ્યા 11 અને બેઠકોની સંખ્યા 44 થઈ હતી.
મેયર બદલાયા પરંતુ સત્તા એક જ પક્ષની રહી
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 21 ઓક્ટોબર 2021 થી 18 જૂન 2024 સુધીમાં ભાજપના નેતા હિતેશ મકવાણા મેયર બન્યા હતા. ત્યારબાદ 18 જૂન 2024થી હાલ સુધી ગાંધીનગરના મેયર પદે મીરાબેન પટેલ બિરાજમાન છે. 2024માં મેયર પદ માટે સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મીરાબેન પટેલની વરણી થઈ હતી.
ગાંધીનગર મનપાના રાજકીય ઈતિહાસના આંકડા દર્શાવે છે કે 2011માં 18 સામે 15, 2016માં 16 સામે 16 અને 2021માં 41 સામે 2 અને 1...એટલે ગાંધીનગર મનપામાં ચૂંટણીના આંકડા સાથે સાથે પક્ષપલટા અને સત્તાના આંતરિક સમીકરણોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.