Top 6 Gujarat News: આજના 6 મોટા સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ બંધારણ દિવસની, તમારા-મારા અને આપણા સૌ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજના દિવસે વર્ષ 1949માં ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું. જે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. દેશભરમાં આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના યોગદાનને યાદ કર્યું.
આ સાથે ભાજપ આજના દિવસે ખાસ સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું. આ સાથે પ્રબુદ્ધ નાગરિક સંમેલનો પણ કરવામાં આવી રહ્યા છે. ભાજપનો આરોપ છે કે, કોંગ્રેસ લોકશાહીની હત્યા કરી. કોંગ્રેસે સત્તા જળવાઈ રહે એ માટે બંધારણમાં સુધારા કર્યા. જ્યારે ભાજપ સરકારે નાના-મોટા જરૂરી ફેરફારો કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ બુધવારે સંવિધાન માર્ચનું આયોજન કર્યું. સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરી. અને કોંગ્રેસના નેતાઓએ સંબોધન કરતા ભાજપ અને RSS પર આકરા પ્રહારો કર્યા.
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, એટલે રાજનીતિ તેજ થાય તે સ્વાભાવિક છે. ગુજરાતના બંને મુખ્ય પક્ષો એકબીજા પર બંધારણ મામલે આક્ષેપો કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે, આખારે દેશના બંધારણને કોનાથી ખતરો છે? ભારતના બંધારણને બચાવવા માટે આખરે કેમ યાત્રાઓ કરવી પડી પડી રહી છે? અને કોનાથી બંધારણને બચાવવાની જરૂરી છે?
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા વધુ એક ચાર રસ્તા પર કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. એસજી હાઇવે પર સૌથી વધુ વ્યસ્ત રહેતા પકવાન ચાર રસ્તા પર વાહનચાલકોને હવે ટ્રાફિકમાંથી રાહત આપવાનો પ્રયાસ કરાયો છે. અત્યાર સુધી અહીં ટ્રાફિક એટલો રહેતો હતો કે વાહનચાલકોએ સિગ્નલ બે કે ત્રણ વાર ખૂલે ત્યાં સુધી રાહ જોવી પડતી હતી.
આ સમસ્યાના ઉકેલ માટે જજીસ બંગલાથી સિંધુભવનને જોડતા રોડ પર કેપ્સ્યુલ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા પ્રમાણે જજીસ બંગલાથી આવતા વાહનચાલકોએ સિંધુભવન જવા માટે 100 મીટર ડાબી તરફ વળીને જવું પડશે. જ્યારે ઇસ્કોનથી પકવાન અને થલતેજ તરફ જતા વાહનચાલકોને સિગ્નલ પર લાંબી રાહ જોવામાંથી રાહત મળશે. આ વ્યવસ્થાથી એસજી હાઇવે પર દરરોજ અવરજવર કરતા હજારો વાહનચાલકોને ફાયદો થવાની આશા છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તંત્રએ કેપ્સ્યુલ સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે.
જોકે, હવે સવાલ એ છે કે શું કેપ્સ્યુલ સિસ્ટમ ખરેખર ટ્રાફિકની સમસ્યાનું કાયમી સમાધાન બની શકશે? જો આ પ્રયોગ સફળ રહેશે તો શું શહેરના અન્ય વ્યસ્ત ચાર રસ્તાઓ પર પણ આવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે? અને જો આ સિસ્ટમ પૂરતી સાબિત નહીં થાય તો અમદાવાદની ટ્રાફિક સમસ્યા નિવારવા તંત્ર પાસે બીજો શું વિકલ્પ છે?
જો તમે પણ પેકેટમાં આવતા નાસ્તા તેમજ ઠંડાપીણાના શોખીન છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. પેકેટમાં મળતા ચિપ્સ, બિસ્કિટ, નમકીન અને ઠંડાં પીણાં ખરીદતા ગ્રાહકો માટે આ ખાસ ખબર છે. પેકેજ્ડ ફૂડમાં વધુ પડતી ખાંડ, મીઠું કે ચરબી હોય તો હવે પેકેટની આગળની બાજુએ લાલ રંગના ષટ્કોણ આકારના ચેતવણી ચિહ્નો લગાવવાની વ્યવસ્થા અમલમાં મૂકવા સુપ્રીમ કોર્ટે કડક નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાઈ શુગર, હાઈ સોલ્ટ અને હાઈ ફેટ માટે અલગ અલગ ચેતવણી ચિહ્નો હોવા જોઈએ, એક જ ચિહ્નમાં ત્રણેયની માહિતી આપવી પૂરતી નહીં ગણાય. જો કોઈ ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ ઘટકોનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હોય તો દરેક ઘટક માટે અલગ ચિહ્ન મૂકવું પડશે. આ ચિહ્નમાં HIGH SUGAR, HIGH SALT અને HIGH FAT જેવા શબ્દો સાથે સંબંધિત પોષક તત્ત્વની ઓળખ પણ દર્શાવવાની રહેશે.
નવા નિયમો અંતિમ થયા બાદ ઉત્પાદકોને પેકેજિંગમાં ફેરફાર કરવા માટે 365 દિવસનો સમય આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે બાળકોમાં પોષણ અંગે જાગૃતિ વધારવા શાળાઓમાં અભ્યાસક્રમ, વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો યોજવા પર પણ ભાર મૂક્યો છે. કોર્ટની આ કાર્યવાહીથી ગ્રાહકોને ખાદ્ય પદાર્થ ખરીદતાં પહેલાં તેમાં રહેલી ખાંડ, મીઠું અને ચરબીના પ્રમાણ અંગે સરળતાથી ચેતવણી મળી શકશે. હવે જોવાનું એ રહેશે કે FSSAI આ નિર્દેશોનો અમલ કેટલી ઝડપથી કરે છે અને પેકેજ્ડ ફૂડ બનાવતી કંપનીઓ નવા નિયમોનું કેટલું પાલન કરે છે.
ગુજરાતમાં બદલાયેલા હવામાન અને અપૂરતા જળસંગ્રહની અસર હવે ખેડૂતોના રવી પાકના વાવેતર પર જોવા મળી રહી છે. ક્લાઈમેટ ચેન્જ અને શિયાળાની મોડી શરૂઆતના કારણે રવી પાકનું વાવેતર ધીમી ગતિએ થઈ રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં રાજ્યમાં 1 લાખ 83 હજાર હેક્ટર વિસ્તારમાં ઓછું વાવેતર નોંધાયું છે.
23 નવેમ્બરની સ્થિતિએ રાજ્યમાં કુલ 10 લાખ 42 હજાર 584 હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં 12 લાખ 25 હજાર 618 હેક્ટરમાં વાવેતર થયું હતું. પિયત ઘઉંના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 2 લાખ 67 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું, જે આ વર્ષે ઘટીને 1 લાખ 46 હજાર હેક્ટર થયું છે. ચણાના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચોમાસામાં અપૂરતા વરસાદના કારણે જળસ્ત્રોતોમાં પાણીનો સંગ્રહ ઓછો રહેતાં સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ છે.
બીજી તરફ, ફળોના રાજા ગણાતા હાફૂસ અને કેસર કેરીના ગઢ નવસારીના આંબાવાડીના ખેડૂતોની ચિંતા પણ વધી છે. દર વર્ષે નવેમ્બરમાં આમ્રમંજરી એટલે કે મોરથી લચી પડતી આંબાવાડીઓમાં આ વર્ષે અલ નીનોની અસર અને અનિયમિત હવામાનના કારણે મોરના બદલે નવી કૂંપળો અને પાંદડાં જોવા મળી રહ્યાં છે. આ બદલાયેલા વાતાવરણને કારણે કેરીની સિઝન 25થી 30 દિવસ મોડી પડવાની શક્યતા છે.
આમ, એક તરફ રવી પાકના વાવેતરમાં ઘટાડો છે, તો બીજી તરફ કેરીના પાક પર પણ હવામાનની અસર જોવા મળી રહી છે. ખેડૂતો માટે આ બેવડી ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સવાલ એ છે કે બદલાતા હવામાન અને પાણીની અછત વચ્ચે ખેડૂતો પોતાના પાકને કેવી રીતે બચાવશે? રવી પાકના ઘટતા વાવેતર અને કેરીની મોડી સિઝનથી થનારા સંભવિત નુકસાન સામે ખેડૂતોને રાહત કોણ આપશે?
ઇમેઇલની જેમ હવે WhatsApp પર પણ મેસેજ શેડ્યૂલ કરવાની સુવિધા મળવા જઈ રહી છે. આ નવા ફીચરની મદદથી યુઝર્સ પોતાનો મેસેજ અગાઉથી લખીને નક્કી કરી શકશે કે તે કયા દિવસે અને કયા સમયે મોકલવો. આ સુવિધા પ્રાઇવેટ ચેટની સાથે ગ્રુપ ચેટમાં પણ ઉપયોગી બનશે. યુઝર્સ 10 મિનિટથી લઈને 14 દિવસ સુધીના સમયગાળા માટે મેસેજ શેડ્યૂલ કરી શકશે.
આ માટે WhatsApp ચેટ ખોલીને મેસેજ લખવાનો રહેશે અને સેન્ડ બટનને થોડી સેકન્ડ સુધી દબાવી રાખવાનું રહેશે. ત્યારબાદ મેસેજ મોકલવાનો દિવસ અને સમય પસંદ કરી શકાશે. આ ફીચરની ખાસિયત એ છે કે તેમાં માત્ર ટેક્સ્ટ જ નહીં, પરંતુ ફોટો અને વીડિયો પણ શેડ્યૂલ કરી શકાશે. એટલે કે જન્મદિવસની શુભેચ્છા હોય કે ગ્રુપમાં કોઈ ખાસ વીડિયો મોકલવાનો હોય, તેને અગાઉથી સેટ કરી શકાશે.
નક્કી કરેલા સમયે મેસેજ આપમેળે મોકલાઈ જશે અને સામેની વ્યક્તિને તે સામાન્ય WhatsApp મેસેજની જેમ જ દેખાશે. એટલું જ નહીં, ફોન સ્વિચ ઓફ હોય કે તેની બેટરી ખતમ થઈ ગઈ હોય, તો પણ શેડ્યૂલ કરેલો મેસેજ નિર્ધારિત સમયે ડિલિવર થઈ જશે. યુઝર્સે શેડ્યૂલ કરેલા મેસેજની યાદી પણ જોઈ શકશે અને મેસેજ મોકલાય તે પહેલાં તેને ડિલીટ પણ કરી શકશે. આમ, WhatsAppનું આ ફીચર યુઝર્સ માટે મેસેજ મોકલવાનું વધુ સરળ અને સુવિધાજનક બનાવશે.
આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓનો ધમધમાટ અત્યારથી જ શરૂ થઈ ગયો છે. સમિટને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન અને માળખાકીય સુવિધાઓના વિકાસની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી.
ગુરુવારે સવારે મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને વરિષ્ઠ સચિવો પણ ગિફ્ટ સિટી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સમિટ દરમિયાન વિવિધ ઇવેન્ટ્સના આયોજન માટે નક્કી કરાયેલા સ્થળોની મુલાકાત લઈને કામગીરીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીમાં નિર્માણાધીન સ્પોર્ટ્સ એરેના, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને સેન્ટ્રલ પાર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તમામ સ્થળોએ ચાલી રહેલી કામગીરીની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગિફ્ટ સિટીમાં વ્યવસાય અને રોજગાર માટે આવતા લોકો તેમજ અહીં રહેણાક માટે વસતા લોકોની સુવિધાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ માટે તૈયાર થઈ રહેલી હોસ્પિટલ અને શોપિંગ મોલ જેવી પાયાની માળખાકીય સુવિધાઓની કામગીરીની પણ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. આમ, વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના આયોજનની સાથે ગિફ્ટ સિટીમાં ઇવેન્ટ્સ માટેની વ્યવસ્થા અને રોજિંદા જીવન માટે જરૂરી સુવિધાઓના વિકાસને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અત્યારથી જ સમિટની તૈયારીઓમાં લાગી ગઈ છે.