અશોક બારોટ, જૂનાગઢ: મોતનો એવો ખૌફનાક પ્લાન, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. જૂનાગઢ અને જેતપુર પંથકમાં ચકચાર મચાવનારી આ ઘટનાની શરૂઆત 16 નવેમ્બર 2026ના રોજ થઈ હતી. મૃતક સમીર શેખને આરોપી નાસીર ખાન પઠાણે પોતાના ઘરે કલર કામ કરવાના બહાને બોલાવ્યા હતા, પરંતુ ઘરેથી નીકળેલા સમીર શેખ પરત ન ફરતા રહસ્યમય રીતે ગુમ થઈ ગયા. બનાવના બે દિવસ બાદ એટલે કે 18 નવેમ્બર 2026ના રોજ ભાદર નદીના પાણીમાંથી સમીર શેખનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. શરૂઆતમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જોકે, પરિવારને આ મોત અકસ્માત નહીં પણ સુનિયોજિત કાવતરું લાગી રહ્યું હતું. મૃતકના પરિવારે આરોપી નાસીર ખાન પઠાણ સામે શંકાની સોય તાકી હતી. પરિવારનો આક્ષેપ હતો કે આરોપી અગાઉ પૈસાની ઉઘરાણી માટે આવતો હતો અને છેલ્લે સમીર શેખ કલર કામ માટે તેના ઘરે જ ગયા હતા. આ કડી મળતા જ જેતપુર પોલીસે જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસને એલર્ટ કરી. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખોળ્યા અને શંકાસ્પદને રાઉન્ડઅપ કરીને કડક પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડનો ભાંડો ફૂટી ગયો.
પોલીસ પૂછપરછમાં આરોપી પિતા-પુત્રએ જે કબૂલાત કરી તે કંપાવી દેનારી હતી. આરોપી નાસીર ખાન પઠાણ અને તેના પુત્ર દાઉદ પઠાણે સમીર શેખને ઠંડી લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી. સમીર શેખ સંપૂર્ણપણે બેભાન થઈ જતાં બંને બાપ-બેટાએ તેમને પોતાની કાળા રંગની એક્ટિવા પર વચ્ચે બેસાડ્યા હતા અને જેતપુર નજીક પાંચ પીપળા ગામ પાસે આવેલા ભાદર નદીના બ્રિજ પર લઈ જઈ, જીવતા જ નદીમાં ધક્કો મારી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી નાસીર ખાન પઠાણ રીઢો ગુનેગાર છે. અગાઉ પણ તેની સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કલમ 302 એટલે કે હત્યા, છેતરપિંડી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ જૂનાગઢ સી ડિવિઝન પોલીસે ગુનાહિત કાવતરું અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી આ હત્યારા બાપ-બેટાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
વિશ્વાસના નામે રચાયેલા મોતના આ ષડયંત્રનો અંતે પર્દાફાશ થયો છે. જે ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થયો હતો, તેમાં ત્રીજી આંખે બાજી પલટી નાખી. હાલ તો આ હત્યારા બાપ-બેટા જેલની હવા ખાઈ રહ્યા છે, પરંતુ જૂનાગઢ અને જેતપુર પંથકમાં બનેલી આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી દીધી છે. આ ઘટના દરેક વ્યક્તિ માટે એક મોટો બોધપાઠ છે. ક્યારેક જાણીતા અને વિશ્વાસુ ચહેરા પાછળ પણ કાળો ચહેરો છુપાયેલો હોય છે.