Vav-Tharad District: વાવ-થરાદ જિલ્લામાં પ્રેમ પ્રકરણની અદાવતમાં 18 વર્ષીય યુવકની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાવની સીમમાં સ્વરૂપ પાટિયા નજીક આવેલા ખેતરના ઢાળિયામાંથી અશોકભાઈ ભગાભાઈ ઠાકોરનો મૃતદેહ શર્ટ વડે લટકેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૂળ ઉચપા ગામના અને વાવની સીમમાં રહેતા અશોકભાઈને મહેશ કરશનભાઈ ઠાકોરની બહેન સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ હતો.
દારૂમાં નશાની ચાર ગોળીઓ ભેળવી તેને પીવડાવવામાં આવી હતી
આ સંબંધને લઈને આશરે પંદર દિવસ અગાઉ મહેશ અને અશોક વચ્ચે બોલાચાલી તથા ઝઘડો થયો હતો. આ અદાવતને પગલે 21 ઓક્ટોબરની સાંજે મહેશ ઠાકોર અને કિરણ ઠાકોરે અશોકને દારૂ પીવાના બહાને ભેગો કર્યો હતો. ત્યારબાદ દારૂમાં નશાની ચાર ગોળીઓ ભેળવી તેને પીવડાવવામાં આવી હતી. અશોક નશાની હાલતમાં આવી જતાં તેને ખેતરના ઢાળિયામાં લઈ જઈ ગળે ટૂંપો આપી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ ઘટનાને આત્મહત્યા દર્શાવવા મૃતકના જ શર્ટ વડે તેના મૃતદેહને ઢાળિયાના લાકડા સાથે લટકાવી દેવામાં આવ્યો હતો.
મૃતકના ભાઈ મુકેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો
બીજી તરફ, અશોક ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મળેલી જાણકારીના આધારે પરિવારજનો ખેતરના ઢાળિયામાં પહોંચ્યા હતા. જ્યાં અશોક લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક વાવની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતકના ભાઈ મુકેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો અને બંને સામે કાયદેસરની કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને પગલે જિલ્લા પોલીસ વડાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન હ્યુમન સોર્સની મદદથી સમગ્ર બનાવનો ભેદ ઉકેલાયો હતો અને મહેશ કરશનભાઈ ઠાકોર તથા કિરણ જોહાભાઈ ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, વાવ પંથકમાં માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં હત્યાની બીજી ઘટના સામે આવતાં વિસ્તારના લોકોમાં ભારે ચર્ચા જાગી છે.