પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ એક વ્યક્તિના જીવ પર ભારે પડ્યો છે. સચિન જીઆઇડીસી વિસ્તારમાં ફોન પર વાત કરતા કરતા ધાબા પરથી નીચે પટકાતા 42 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં બની હતી.
42 વર્ષીય પ્રફુલ પટેલ નામનો વ્યક્તિ પોતાના ઘરના બીજા માળે આવેલા ધાબા પર સતત મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો.
માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી
પ્રફુલ રોજની જેમ સાંજના સમયે ઘરના ધાબા ઉપર જઈને ફોન પર વાત કરતો હતો. ગઈકાલે પણ તે ફોન પર વાત કરતા કરતા ધાબા પર આંટા મારી રહ્યો હતો. ફોન પર વાતમાં તે એટલો બધો મગ્ન થઈ ગયો હતો કે તેને ધાબાની પાળી કે આગળનો કોઈ ખ્યાલ જ ન રહ્યો. વાત કરતા કરતા જ તે અચાનક સંતુલન ગુમાવીને ધાબા પરથી સીધો નીચે પટકાયો હતો. નીચે પટકાતા તેને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી
સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું
આસપાસના લોકો અને પરિવારજનોએ તાત્કાલિક તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ પ્રફુલ કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે એક મહેનતુ અને સામાન્ય વ્યક્તિ હતો. તેના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટના બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે
મોબાઈલનો ઉપયોગ કરતી વખતે કેટલી સાવધાની રાખવી જરૂરી
આ ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઇડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના એક ચેતવણી સમાન છે કે મોબાઈલનો ઉપયોગ કરતી વખતે કેટલી સાવધાની રાખવી જરૂરી છે.