અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યો છે. મૂળ સૌરાષ્ટ્રના અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા પટેલ પરિવારના સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યો છે. વહેલી સવારે લૂંટના ઈરાદાથી આવેલા શખ્સો કાર દ્વારા સ્ટોરનો દરવાજો તોડ્યો હતો. આ ઘટના અમેરિકાના સેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફયામાં બની હતી.
મૂળ સૌરાષ્ટ્ર અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલો એક પટેલ પરિવાર સ્મોકર પેલેસ નામે એક સ્ટોર ચલાવવામાં આવે છે. આ સ્ટોર ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં આવેલો છે. ત્યાં વહેલી સવારે લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ માટે પહોંચેલા શખ્સોએ કાર દ્વારા સ્ટોરનો દરવાજો તોડ્યો હતો. ત્યારબાદ કેટલાક શખ્સો લૂંટ ચલાવવા માટે અંદર ઘૂસે છે. તેના સીસીટીવી પણ સામે આવ્યા છે.
આ અંગે વાત કરતા સ્ટોરના સંચાલકે જણાવ્યું કે વહેલી સવારે 5.30 કલાકે આ લૂંટ ચલાવવામાં આવી હતી. જ્યારે લૂંટ માટે શખ્સો પહોંચ્યા ત્યારે આ સ્ટોર બંધ હતો. ત્યારબાદ કાર વડે સ્ટોરનો દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો. સ્ટોર સંચાલકે જણાવ્યું કે આ ઘટનામાં આશરે 50,000 ડોલર જેટલું નુકસાન થયું છે. ફિલાડેલ્ફિયા પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે
અમેરિકામાં ગુજરાતીઓને નિશાન બનાવવાની આ પ્રથમ ઘટના નથી. અત્યાર સુધી અનેકવાર અમેરિકામાં ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. લૂંટના નામે હુમલો કરવામાં આવે છે અને ગુજરાતીઓની હત્યાઓ પણ થઈ છે. આ ઘટના બાદ અમેરિકામાં ફરી ગુજરાતીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યાં છે.