નરેશ ભાલિયા, જેતપુર : રાજકોટ જિલ્લાનું જેતપુર પંથક અને કાગવડ-પીઠડીયા વચ્ચેનો રેલવે ટ્રેક! મંગળવારે ટ્રેનના લૉકો પાયલટે ટ્રેક પર કંઈક શંકાસ્પદ જોયું, બ્રેક મારી અને રેલવે કંટ્રોલને મેસેજ મોકલ્યો. રેલવે ટ્રેક પર પડી હતી એક 20 વર્ષની પરિણીતાની કોહવાયેલી લાશ. માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન જોઈને જ વીરપુર પોલીસ સમજી ગઈ હતી કે મામલો અકસ્માતનો નહીં, પણ ઘાતકી હત્યાનો છે.
પોલીસે તપાસ શરૂ કરી તો લાશની ઓળખ દક્ષાબેન શીંગાર તરીકે થઈ, જે મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને પતિ દીપક સાથે અહીં ખેતમજૂરી કરતા હતા. લગ્નના હજુ માંડ સાત મહિના થયા હતા ત્યાં જ માસૂમ દક્ષાના જીવનનો ક્રૂર અંત આવી ગયો હતો.
આખરે સાત મહિનાના ટૂંકા લગ્નજીવનમાં એવું તે શું બન્યું કે લાશ સીધી રેલવે ટ્રેક પર પહોંચી ગઈ? પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે કાળજું કંપાવનારો હતો. પત્ની દક્ષા કોઈ અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરે છે, બસ આ એક જ વહેમ પતિ દીપકના મગજ પર સવાર થઈ ગયો હતો.
દારૂના નશામાં અવારનવાર મારપીટ કરતા દીપકે તે કાળી રાત્રે ઝઘડો કર્યો અને ઉશ્કેરાટમાં દક્ષાનું ગળું દબાવી દીધું.દક્ષા બેભાન થઈ ગઈ એટલે તેને મરેલી સમજી લાશને ખેતરમાંથી ઢસડીને રેલવે ટ્રેક પર ફેંકી આવ્યો પણ હેવાનીયતની હદ તો જુઓ, પાટા પર પહોંચ્યા પછી ખબર પડી કે દક્ષાના શ્વાસ હજુ ચાલુ છે, એટલે નરાધમ પતિએ બાજુમાંથી મોટો પથ્થર ઉપાડ્યો અને દક્ષાના માથા પર ઉપરાઉપરી ઘા ઝીંકીને જીવતી જ મારી નાખી!
હત્યારા દીપકનો પ્લાન એકદમ શાતિર હતો. લાશને ટ્રેક પર મૂકીને તે આ આખી ઘટનાને આત્મહત્યા અથવા ટ્રેન અકસ્માતમાં ખપાવવા માંગતો હતો જેથી પુરાવાનો નાશ થઈ જાય પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટે દીપકના આ પ્લાન પર પાણી ફેરવી દીધું. રિપોર્ટમાં સાબિત થયું કે મોત ટ્રેનની ટક્કરથી નહીં, પણ ગળું દબાવવાથી અને માથામાં પથ્થર મારવાથી થયું છે.
શંકાના આધારે પોલીસે જ્યારે પતિ દીપકની કડક પૂછપરછ શરૂ કરી, ત્યારે કાયદાના સકંજા સામે શાતિર હત્યારો ભાંગી પડ્યો અને પોતાની જ પત્નીની કરપીણ હત્યાની કબૂલાત કરી લીધી. વીરપુર પોલીસે ગણતરીના કલાકોમાં આ અંધારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી કાતિલ પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
જ્યારે લોહીના સંબંધો પર પૈસાની કે વહેમની લાલચનો કાળો પડછાયો પડે છે, ત્યારે માણસ હેવાન બની જાય છે.જે પત્ની સાથે અગ્નિની સાક્ષીએ સાત ભવ સુધી સાથ નિભાવવાના વચનો આપ્યા હતા, એ જ પત્નીના શ્વાસ વહેમના એક જ ઝાટકે રોકી દેનાર દીપક શિંગાર આજે જેલની અંધારી કોટડીમાં પહોંચી ગયો છે. વીરપુર પોલીસે કાતિલને સજાના પાંજરામાં તો પૂરી દીધો છે, પણ આ ઘટનાએ સમાજ સામે એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે કે શંકાનો એક નાનકડો વહેમ કેવી રીતે હસતા-ખેલતા પરિવારની ખુશીઓને સદાય માટે સ્મશાનમાં ફેરવી શકે છે.