SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પીએમ મોદીનું ભીલડીમાં આગમન: થોડીવારમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું આપશે ભેટ, જાણો બે દિવસનો સમગ્ર કાર્યક્રમ

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. પ્રધાનમંત્રી મોદી ભીલડી ખાતે પહોચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી બનાસકાંઠામાં 14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ સિવાય પ્રધાનમંત્રી પીએમ-કિસાનનો 24મો હપ્તો રિલીઝ કરશે, જેની રકમ આશરે ₹19,000 કરોડ છે. પ્રધાનમંત્રી બનાસકાંઠામાં ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે.

Written By Kinjal Patel
Published: Oct 30, 2026, 09:48 AM IST | Updated: Oct 30, 2026, 10:00 AM IST
Join

PM Modi Gujarat Visit: 30 ઓક્ટોબરે, સવારે 9:30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચી ચૂક્યા છે. અહીં પીએમ મોદી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર કેટલ ફાર્મની મુલાકાત લેશે. સવારે આશરે 10:30 વાગ્યે, તેઓ બનાસકાંઠામાં ₹14,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. તેઓ પીએમ-કિસાન હેઠળ ₹19,000 કરોડનો 24મો હપ્તો પણ જારી કરશે, બે ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવશે અને આ પ્રસંગે જનસભાને સંબોધશે.

જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ઉદ્યોગો માટે 'ઓફરનો વરસાદ': કેપિટલ સબસિડીથી લઈ સ્ટેમ્પ ડ્યુટીમાં 100% છૂટછાટ
 

પ્રધાનમંત્રી કેવડિયાના એકતા નગર પહોંચશે. સાંજે આશરે 5 વાગ્યે, તેઓ 'ભારત પર્વ 2026' નું ઉદ્ઘાટન કરશે. રાત્રે આશરે 7:45 વાગ્યે, તેઓ 'એકતા પ્રકાશ પર્વ' ના સાક્ષી બનશે, ત્યારબાદ રાત્રે આશરે 8:15 વાગ્યે નર્મદા આરતીમાં ભાગ લેશે. 31 ઓક્ટોબરે, સવારે આશરે 9 વાગ્યે, પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ, સવારે આશરે 9:15 વાગ્યે, તેઓ એકતા નગરમાં ₹400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. તેઓ ત્યારબાદ એકતા નગર ખાતે રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લેશે. સાંજે આશરે 5:30 વાગ્યે, પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

બનાસકાંઠામાં પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી ગુજરાતના બનાસકાંઠાના ભીલડી ખાતે ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) રાષ્ટ્રને સમર્પિત કરશે. 127 એકરમાં પથરાયેલ આ કેન્દ્ર સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. BBBRC ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને મજબૂત બનાવશે, જેનાથી ઓલાદ સુધારણા 10 થી 20 ગણી ઝડપી બનશે. કાંકરેજ ગાયની ઓલાદ માટે સમર્પિત આ પ્રકારની દેશની આ પ્રથમ સુવિધા હશે. પ્રધાનમંત્રી થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો-CNG પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, જેની ગાયના છાણ પ્રોસેસિંગની ક્ષમતા અનુક્રમે પ્રતિદિન 75 મેટ્રિક ટન અને પ્રતિદિન 100 મેટ્રિક ટન છે.

એકતા નગર બનશે વધુ આકર્ષક: 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ અને 127 રૂમની આધુનિક IRCTC હોટેલ તૈયાર

પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રો ફેઝ-2A (એરપોર્ટ એક્સટેન્શન) અને ફેઝ-2B (ગિફ્ટ સિટી એક્સટેન્શન) નો શિલાન્યાસ કરશે. ફેઝ-2A કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 5 સ્ટેશનોને આવરી લેતી 6 કિમીથી વધુની લંબાઈ ધરાવશે, જ્યારે ફેઝ-2B ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3 સ્ટેશનોને આવરી લેતી 3.3 કિમીથી વધુની લંબાઈ ધરાવશે. પ્રધાનમંત્રી આશરે ₹2,600 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા રોડ (સ્ટેટ હાઇવે-41) ને ચાર લેનમાંથી આઠ લેનમાં અપગ્રેડ કરવા અને મજબૂત કરવા માટેનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બનાવશે.

પ્રધાનમંત્રી 4,030 નવા બાળ-સહજ આંગણવાડી કેન્દ્રોનો શિલાન્યાસ કરશે અને ગુજરાતમાં પૂર્ણ થયેલા 361 બાળ-સહજ આંગણવાડી કેન્દ્રોનું ઉદ્ઘાટન કરશે. ₹800 કરોડના રોકાણ સાથેની આ પહેલથી 4 લાખથી વધુ લોકોને ફાયદો થશે. પ્રધાનમંત્રી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પૂર્ણ થયેલા 521 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં આશરે ₹4,950 કરોડનો કુલ પ્રોજેક્ટ ખર્ચ શામેલ છે. આ પ્રોજેક્ટ્સમાં કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ અને કોલ્ડ ચેઇન્સ, વેરહાઉસીસ, સાયલો, પોલીહાઉસીસ અને ગ્રીનહાઉસીસ, સંકલિત પ્રાથમિક અને ગૌણ પ્રોસેસિંગ સુવિધાઓ અને પ્રાથમિક પ્રોસેસિંગ કેન્દ્રોનો સમાવેશ થાય છે.

એક ક્લિકે 9મા માળે પહોંચશે દૂધ! બનાસ ડેરીનું વેરહાઉસ દેશમાં બન્યું હાઇટેક, રોબોટ સંભાળશે 11 હજાર પેલેટનો સંગ્રહ
 

પ્રધાનમંત્રી સનાદર ખાતે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણનું ઉદ્ઘાટન કરશે અને પાલનપુર ખાતે અલ્ટ્રા-હાઇ-ટેમ્પરેચર (UHT) પ્રોડક્ટ્સ માટે ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ (ASRS) દેશને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી MEMU ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવીને રેલ કનેક્ટિવિટી મજબૂત કરશે.

પ્રધાનમંત્રી પીએમ-કિસાનનો 24મો હપ્તો રિલીઝ કરશે, જેની રકમ ₹19,000 કરોડ છે, જે દેશભરના ખેડૂતોને સતત નાણાકીય સહાય પૂરી પાડશે. તેઓ 12 મંજૂર થયેલા હોર્ટીકલ્ચર ક્લસ્ટર્સ હેઠળ જમીન પરની પ્રવૃત્તિઓની શરૂઆત પણ ચિહ્નિત કરશે. આશરે 1.46 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેતા આ ક્લસ્ટરોથી 1.3 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થવાની અપેક્ષા છે. ઉત્તર ગુજરાતના બે ક્લસ્ટરો બટાકા પર ધ્યાન કેન્દ્રિત કરશે.


બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને થશે સીધો ફાયદો! ગુજરાતમાં 'ફ્રેન્ચ ફ્રાઇઝ' પ્લાન્ટની ક્ષમતા વધારાશે, PM મોદી કરશે ઈ-લોકાર્પણ
 

એકતા નગરમાં પ્રધાનમંત્રી
30 ઓક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે, પ્રધાનમંત્રી એકતા નગર ખાતે 'ભારત પર્વ 2026' નું ઉદ્ઘાટન કરશે. ભારતની સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રીય એકતાની ઉજવણી તરીકે તથા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની ભાવનાનું પ્રતિક તરીકે કલ્પના કરવામાં આવેલ આ મહોત્સવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની વિશિષ્ટ પરંપરાઓ, લોક પ્રદર્શનો, પ્રાદેશિક વાનગીઓ, હસ્તકળા અને પ્રવાસન આકર્ષણો પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડશે. આ ઉત્સવથી એકતા નગર અને આસપાસના સ્થળોએ પ્રવાસનને વેગ મળવાની અપેક્ષા છે. તે 15 નવેમ્બર 2026 સુધી ચાલુ રહેશે.

પ્રધાનમંત્રી 'એકતા પ્રકાશ પર્વ' ના સાક્ષી બનશે, જે ભારતની એકતા, વિવિધતા, સાંસ્કૃતિક વારસા અને પ્રગતિની ઉજવણી કરતો લાઇટિંગ ઉત્સવ છે. આ મહોત્સવ થીમેટિક ઇલ્યુમિનેશન અને લાઇટિંગ ડિસ્પ્લે દ્વારા એકતા નગરમાં નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપે છે. તેના બે મુખ્ય આકર્ષણો છે. 'પ્રાચીન ભારતથી આધુનિક ભારત' થીમ પર આધારિત 530 મીટર લાંબો વેલી ઓફ ફ્લાવર્સ રોડ ઇલ્યુમિનેશન ભારતની રાષ્ટ્રીય ઓળખ, સભ્યતા, મહિલા સશક્તિકરણ, સુરક્ષા દળો, ટેકનોલોજી, યોગ અને બાળકો માટેની કાલ્પનિક દુનિયા દર્શાવે છે. 180 મીટર લાંબો ગ્લો ટનલ, જેની થીમ 'ભારતની વિવિધતામાં એકતા' છે, તે ભારતના ચાર પ્રદેશોની સંસ્કૃતિ, સ્થાપત્ય, લોકનૃત્યો, હસ્તકળા અને જીવનશૈલીનો વૉકથ્રૂ અનુભવ પૂરો પાડે છે. આ પ્રદર્શનોમાં 1.5 કરોડથી વધુ LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં દેશના વિવિધ ભાગોના કલાકારો દ્વારા કલાકૃતિઓ બનાવવામાં આવી છે.

31 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી એકતા નગરમાં ₹400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં સીવેજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફેકેડ લાઇટિંગ, નર્મદા ઘાટનું અપગ્રેડેશન, IRCTC હોટેલ, અને એકતા નગર ખાતે રેનફોરેસ્ટ, યુનિટી અને ઇકો ટ્રેલ વગેરેનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ગોરા-ભાનદ્રા રોડ ડેવલપમેન્ટ; સંકલિત ઝીરો વેસ્ટ સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ; ખાલવાણી ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ; કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડન ખાતે સંકલિત વિકાસ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

એક ગાય વર્ષે 10થી 20 વાછરડીઓ આપશે: BBBRC સેન્ટર થકી બનાસકાંઠા બનશે પશુ સંવર્ધનનું નેશનલ મોડેલ

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબર 2026 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

એકતા પરેડ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs), રાજ્ય પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓની અનુશાસન, વ્યાવસાયિકતા, સાહસ અને સમર્પણનું પ્રદર્શન કરશે. આ વર્ષની પરેડ ડાબેરી ઉગ્રવાદ સામે લડવામાં સુરક્ષા દળોની સિદ્ધિઓ અને અગાઉ અસરગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ તરફ થયેલા પરિવર્તન પર વિશેષ ભાર મૂકશે.

ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ 'નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા' (NSD) દ્વારા આયોજિત 'નક્સલ મુક્ત ભારત' પરનું એક વિશેષ નાટ્ય પ્રદર્શન હશે, જેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત 126 જિલ્લાના આશરે 2,000 કલાકારો ભાગ લેશે. નાટ્ય પ્રદર્શનો દ્વારા, કલાકારો આ વિસ્તારોના સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને શાંતિ, સુરક્ષા અને વિકાસ તરફની તેમની સફર રજૂ કરશે.

દૂધ બાદ હવે ગુજરાતમાં છાણથી હરિત ક્રાંતિ: બનાસ ડેરીનું બાયો-CNG મોડેલ બન્યું આત્મનિર્ભર ભારતનું પ્રતિક

ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો 'વંદે માતરમ્' પર કેન્દ્રિત હશે, જે દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને સામૂહિક એકતાની ભાવનાને પ્રતિબિંબિત કરશે. આ ઝાંખીઓ લોકોની આકાંક્ષાઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક સમૃદ્ધિ તેમજ લોકોની વિકાસયાત્રાને પ્રદર્શિત કરશે. સમગ્ર ભારતમાંથી આશરે 5,000 કલાકારોને આવરી લેતી એક ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ દેશની વિવિધ શાસ્ત્રીય અને લોક પરંપરાઓ, સંગીત, નૃત્ય અને કલાત્મક વારસાની ઉજવણી કરશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES