નવસારીમાં 1000 કરોડના ઝીંગા ઉદ્યોગની આડમાં ખેલ: ગેરકાયદે તળાવોથી 15 ગામોમાં પૂરની આફત, તંત્રનું બુલડોઝર એક્શન
નવસારી જિલ્લામાં લાંબો દરિયાકાંઠો આવેલો છે. અહીં ઝીંગા ઉદ્યોગ ધમધમે છે. પરંતુ આ કારોબાર હવે ગ્રામજનો માટે આફતનું કારણ બની રહ્યો છે. ગેરકાયદેસર બનાવેલા ઝીંગા તળાવો પૂરનું કારણ બની રહ્યાં છે. હવે આ ગેરકાયદેસર તળાવો સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે.
નવસારીના દરિયાકાંઠે ઝીંગા ઉદ્યોગનો કારોબાર 1000 કરોડને પાર છે... પરંતુ આર્થિક સમૃદ્ધિનો આ કારોબાર હવે સ્થાનિક ગ્રામજનો માટે આફતનું કારણ બની રહ્યો છે. ખાંજણની જમીન પર ગેરકાયદે ખડકાયેલા ઝીંગા તળાવોના ઊંચા પાળા વરસાદી પાણીના કુદરતી પ્રવાહને રોકી રહ્યા છે. પરિણામે દર વર્ષે 15થી વધુ ગામો જળબંબાકાર બની રહ્યા છે. ગત પૂર બાદ તંત્રએ બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે, પરંતુ સવાલ એ છે કે શું આ કાર્યવાહી આગામી ચોમાસા પહેલાં પૂરના સંકટને નાબૂદ કરી શકશે? જોઈએ આ વિશેષ અહેવાલ...
એક તરફ વિકાસની વાતો... બીજી તરફ કુદરતી જળમાર્ગો પર દબાણો....નવસારી જિલ્લાનો 52 કિલોમીટર લાંબો દરિયાકિનારો... અને અહીં ધમધમતો 1000 કરોડથી વધુના ટર્નઓવરનો ઝીંગા ઉદ્યોગ. પરંતુ આ ઉદ્યોગની આડમાં ખાંજણની જમીનો પર ઊભાં થયેલાં ગેરકાયદે ઝીંગા તળાવો હવે ગામડાંઓ માટે મુસીબત બની રહ્યાં છે. 15-15 ફૂટ ઊંચા માટીના પાળા... વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ... અને પછી આખાં ગામો પાણીમાં ગરકાવ...
15થી વધુ ગામોએ ભયાનક પૂરની સ્થિતિનો સામનો કર્યો
ગત જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં ગણદેવી તાલુકાનાં મેંધર, ભાટ, કલમઠા, છાપર સહિત 15થી વધુ ગામોએ ભયાનક પૂરની સ્થિતિનો સામનો કર્યો. ઘરોમાં પાણી... ખેતરોમાં પાણી... અને જનજીવન અસ્તવ્યસ્ત...આખરે સહનશક્તિનો અંત આવતાં ગ્રામજનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને તંત્ર સામે સવાલોની ઝડી વરસાવી.
ગ્રામજનોના આક્રોશને પગલે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો. ચીખલી પ્રાંત, ગણદેવી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચની સંયુક્ત ટીમે સ્થળ તપાસ અને માપણી શરૂ કરી. તપાસમાં પરવાનગી વગરના અને મંજૂર વિસ્તાર કરતાં વધુ જમીન પર બનાવાયેલા તળાવો સામે કાર્યવાહી હાથ ધરાઈ.
આ પણ વાંચોઃ પાટીલ હોય કે વિશ્વકર્મા સહકારમાં ભાજપનો 'પનો' ટૂંકો, મનમાની પર ઉતર્યા ભાજપ નેતાઓ
4.50 લાખ ચોરસ મીટર જેટલા ગેરકાયદે ઝીંગા તળાવો જમીનદોસ્ત
માત્ર બે મહિનામાં 4.50 લાખ ચોરસ મીટર જેટલા ગેરકાયદે ઝીંગા તળાવો જમીનદોસ્ત કરાયા...આગામી બે-ત્રણ મહિના સુધી આ ઝુંબેશ ચાલુ રાખવાનો પણ તંત્રનો નિર્ધાર છે.
અનેક સ્થળે 15 ફૂટ ઊંચા પોચા પાળા યથાવત છે
જોકે, તંત્રની આ કામગીરીથી ગ્રામજનોને આંશિક રાહત તો મળી છે, પરંતુ સંપૂર્ણ સંતોષ નથી. કારણ કે વરસાદી પાણીના કુદરતી નિકાલ માટેની મુખ્ય કાંસમાં હજુ પણ અવરોધો છે. અનેક સ્થળે 15 ફૂટ ઊંચા પોચા પાળા યથાવત છે. એટલે ગ્રામજનોનો સવાલ એક જ છે... માત્ર તળાવોના કેટલાક ભાગ તોડવાથી પૂર અટકશે ખરું?...
ઝીંગા ઉદ્યોગનો વિકાસ આવકાર્ય છે, પરંતુ એ વિકાસની કિંમત જો ગામડાંઓએ દર વર્ષે પૂર સહન કરીને ચૂકવવી પડતી હોય તો એ વિકાસ નહીં, વિનાશ છે...હવે જોવાનું એ રહેશે કે તંત્રનું બુલડોઝર માત્ર દેખાવ પૂરતું ચાલે છે કે પછી કુદરતી જળમાર્ગો પરના તમામ ગેરકાયદે અવરોધો ખરેખર દૂર થાય છે?...કારણ કે નવસારીના કાંઠા વિસ્તારના ગ્રામજનોને હવે વચનો નહીં, પૂરથી કાયમી મુક્તિ જોઈએ છે.