નવસારીના GI ટેગ ધરાવતા પ્રખ્યાત ''અમલસાડી ચીકુ''ને કોની નજર લાગી? પાયમાલીના આરે આવી ગયા
દેશ-વિદેશમાં પોતાની મધુર મીઠાશ અને વિશિષ્ટ સ્વાદ માટે જાણીતા એવા નવસારીના GI ટેગ ધરાવતા પ્રખ્યાત ''અમલસાડી ચીકુ'' પર આ વર્ષે માઠી દશા બેઠી છે! ઉત્તર ભારતમાં ભારે માંગ ધરાવતા આ બાગાયતી પાકને બદલાતા વાતાવરણ અને આબોહવા પરિવર્તનની નકારાત્મકતાએ પાયમાલીના આરે લાવી દીધા છે. અલનીનોની અસર, કમોસમી વરસાદ અને અસહ્ય ગરમીના પ્રકોપને કારણે આ વર્ષે ચીકુનું ઉત્પાદન ઘટીને માત્ર 20 થી 25 ટકા જ રહેવાની પ્રબળ સંભાવના છે, જેનાથી અન્નદાતાઓની ચિંતા ચરમસીમાએ પહોંચી છે.
ધવલ પારેખ, નવસારી: છેલ્લા 50-60 વર્ષોમાં ક્યારેય ન અનુભવાયું હોય તેવું અસામાન્ય અને આક્રમક વાતાવરણ આ વર્ષે નવસારીના બાગાયતકારો માટે શ્રાપ સાબિત થયું છે. એપ્રિલ-મે મહિનામાં જ્યારે ચીકુમાં ફ્લાવરિંગ (ફૂલ આવવાનો સમય) ચાલી રહ્યો હતો ત્યારે અતિશય ગરમીને કારણે ફૂલો મોટા પ્રમાણમાં ખરી પડ્યા હતા, અને અપેક્ષિત ચોમાસાની હેલી બાદ અચાનક વરસાદ ગાયબ થઈને તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી જતાં ફલીનીકરણની પ્રક્રિયા ગંભીર રીતે રૂંધાઈ હતી. પૂરતા ભેજનો અભાવ અને હાલમાં ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઋતુમાં પણ 17-18 ડિગ્રીથી ઓછું લઘુત્તમ તાપમાન ન રહેતાં તેમજ 35 થી 36 ડિગ્રી સુધીની ગરમી યથાવત રહેતાં ઝાડ પર જ નાના ફળો અને ચીકુ બળીને ખરી રહ્યા છે. જીવાતોનો ઉપદ્રવ પણ બેફામ વધ્યો છે.
મિશન 2027: 40 બેઠકોનું ગણિત સાધવા ગુજરાત સરકારનો 'જનજાતિ ગૌરવ' માસ્ટરસ્ટ્રોક, વિપક્ષે ઉઠાવ્યા સવાલ!
માતબાર ખર્ચો પણ ફળ નહીં!
ખેડૂતોએ ખાતર અને મોંઘી દવાઓમાં માતબર ખર્ચ કર્યો હોવા છતાં ઉત્પાદન તળિયે બેસી જતાં હવે ખેતરમાં ઘરના નાણાં નાખવાની નોબત આવી છે, અને ઉત્તર ભારતમાં નિકાસ ઘટતાં બજારમાં પોષણક્ષમ ભાવ મળવાની આશા પણ નથી રહી.
...નહીં તો ખેડૂતોની આર્થિક રીતે તૂટી જશે કમર
એક તરફ ચીકુના બગીચાઓમાં નવી પીલવણી અને ફ્લાવરિંગની પ્રક્રિયા મોડી પડી રહી છે, ત્યારે ફેબ્રુઆરી-માર્ચમાં પાક તૈયાર થાય ત્યારે પણ જો આજ પ્રકારે આકાશી પ્રકોપ અને ગરમી રહેશે તો ખેડૂતોને પ્રતિ મણ માત્ર 250 થી 300 રૂપિયા જ મળવાની ભીતિ છે, જે ખેડૂતની આર્થિક રીતે કમર તોડી નાખનારું સાબિત થશે.
સોશિયલ મીડિયાની તાકાત: એક ટ્વીટથી ગુજરાતના આ ગામડાને મળી 15 લાખની ગ્રાન્ટ, આદિવાસી યુવાનોના સપના થશે સાકાર!
સરકારને ખેડૂતોની અપીલ
પ્રદેશના અગ્રણી ખેડૂત આગેવાનોના મતે સરકાર તાત્કાલિક ધોરણે ખાતર અને જંતુનાશક દવાઓના વધતા ભાવો પર નિયંત્રણ લાવે અથવા તેમાં ખાસ સબસીડી વધારે. સાથે જ, છેલ્લા દોઢ દાયકાથી પડતર એવી ''ચીકુ અને કેરીના પાકને પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત આવરી લેવાની'' મહત્વપૂર્ણ માંગણીને વહેલી તકે સંતોષવામાં આવે, જેથી અન્નદાતાઓને કુદરતી આપત્તિઓ સામે ભરોસાપાત્ર સુરક્ષા કવચ મળી શકે અને અન્ય પાકોની જેમ નુકસાનીના સમયે આ બાગાયતી ખેડૂતોને પણ યોગ્ય આર્થિક રાહત પેકેજ મળી શકે.
ચીકુના ઝાડ નીચે ઊભેલા આ ખેડૂતોની વેદના માત્ર એક જિલ્લાના બાગાયતકારોની નથી, પણ અન્નદાતાઓની મહેનત પર ફેરવાતા કુદરતના પાણીનો જીવંત દસ્તાવેજ છે. જો સમયસર સરકાર દ્વારા ખાતર-દવા પર સબસીડી નહીં અપાય અને પાક વીમાનું સુરક્ષા કવચ પૂરું નહીં પાડવામાં આવે, તો નવસારીની ઓળખ સમાન આ સમૃદ્ધ બાગાયતી વારસો ઇતિહાસ બની જશે.