Bhavnagar News: ભાવનગર જિલ્લામાં નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા નશાકારક પદાર્થોના ગેરકાયદે વાવેતર અને વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મહુવાના કાકીડી ગામની સીમમાં આવેલા મેરપર વાડી વિસ્તારમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળતા પોલીસ હરકતમાં આવી હતી.
જુવારના વાવેતરની આડમાં ગાંજાના લીલા છોડ ઉગાડવામાં આવ્યા
પોલીસની બાતમીના આધારે બગદાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.કે. રાઠોડ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પરેશભાઈ ઉર્ફે પ્રવીણભાઈ ખાટાભાઈ ચાવડાની કબજા-ભોગવટાની વાડીમાં જુવારના વાવેતરની આડમાં ગાંજાના લીલા છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે સ્થળ પરથી ગાંજાના 19 લીલા છોડ, જેનું કુલ વજન 5.780 કિલોગ્રામ અને કિંમત 2 લાખ 89 હજાર રૂપિયા થાય છે. તે જપ્ત કર્યા હતા. પોલીસે આરોપીને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુવારના વાવેતરની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થતાં ચકચાર મચી છે. ત્યારે હવે આ ગેરકાયદે વાવેતર પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે સહિતના મુદ્દાઓ પર પોલીસની તપાસ મહત્વપૂર્ણ બની રહેશે.