Gandhinagar News: રાજ્ય સરકારની કેદી કલ્યાણ પ્રવૃત્તિઓ અને જેલ સુધારણા યોજનાના ભાગરૂપે દિવાળી પર્વ નિમિત્તે કેદીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા ૧૪૩ કેદીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ૧૫ દિવસના દિવાળી પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2003થી પ્રતિવર્ષ દિવાળીના તહેવાર નિમિત્તે કેદીઓને ૧૫ દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવે છે. આ નીતિ અન્વયે પાત્રતા ધરાવતા મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પાત્રતા ધરાવતા પુરુષ કેદીઓ પોતાના પરિવારજનો સાથે ખુશાલીથી દિવાળી ઉજવી શકે તે હેતુથી આ લાભ આપવામાં આવે છે.
આ વર્ષે રાજ્ય સરકારની મંજૂરી અન્વયે પાત્રતા ધરાવતા 60 વર્ષ કે તેથી વધુ વયના 103 પુરુષ કેદીઓ અને 40 મહિલા કેદીઓ મળી કુલ 143 કેદીઓને ધનતેરસના દિવસથી, એટલે કે તા. 06/11/2026થી 15 દિવસ માટે દિવાળી પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે.
જેલ ડીજીપી ડૉ. કે.એલ.એન રાવે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના નિયમો અનુસાર ગંભીર ગુનાના કેદીઓને દિવાળી પેરોલ રજાનો લાભ આપવામાં આવતો નથી. જેમાં ખાસ કરીને હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય તેવા કેદીઓ, એન.આર.આઈ. કેદીઓ તથા અન્ય રાજ્યના વતની હોય તેવા કેદીઓ, NDPS એક્ટ, ટાડા તેમજ પોટા હેઠળ સજા ભોગવી રહેલા કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા રાજ્યના અર્થતંત્રને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેદીઓ, એક કરતાં વધુ ગુનાઓમાં સજા પામેલા કેદીઓ, બળાત્કાર, અપહરણ, લૂંટ, ધાડ, ચોરી કે નાણાં પડાવવા જેવા ગંભીર અને સમાજવિરોધી ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓ અને જેમના પર પ્રતિબંધાત્મક હુકમો લાગુ કરવામાં આવ્યા હોય તેવા કેદીઓને દિવાળી પેરોલ રજાનો લાભ આપવામાં આવતો નથી.