પાવરફૂલ પાટીદારો પોલિટિક્સમાં પણ એક્કા, 75 સીટોનો છે ખેલ! ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બદલી શકે છે ગણિતો
Praful Patel News: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ એક વર્ષ કરતા વધુ સમય બાકી છે. પરંતુ રાજકીય કાવાદાવા અને ચર્ચાઓ અત્યારથી જ જોવા મળી રહ્યા છે. અને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે પાટીદાર સમાજ. સામાજિક મંચ પરથી એક મોટા નેતાઓ પાટીદાર સમાજને એક થવાની હાકલ કરી છે. ચૌધરી અને પાટીદાર સમાજ એક સાથે અપીલ કરવામાં આવી અને ફરી એકવાર ટ્રેન્ડમાં પાટીદાર પાવર આવ્યો. પ્રફુલ પટેલે કહ્યું કે, મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે, તો તેમના સંતાનો અલગ કેમ? તેમણે કડવા અને લેઉવા પાટીદારના ભેદ ભૂલવા તેમજ ચૌધરી સમાજને પણ પાટીદાર સામાજિક ઓળખ સાથે જોડાવા અપીલ કરી હતી. જોકે, આ ખેલ રાજકારણનો છે. આ ત્રણેય એક થાય તો 75 બેઠકો પર પ્રભાવ વધારી શકે છે.
Praful Patel News: ગુજરાતમાં સત્તા અને પાવરની જ્યારે વાત આવે ત્યારે પાટીદારો હંમેશા ચર્ચામાં રહ્યા છે. પાવરફૂલ પાટીદારો પોલિટિક્સમાં પણ એક્કા ગણવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે, પાટીદારોને એક થવાના આ આહ્વાનનું શું પરિણામ આવશે? ખરેખર તમામ પાટીદારો એક થશે કે પછી આ હાકલ ખાલી રાજકીય મુદ્દો બનીની રહી જશે? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત અર્બુદા ધામ ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાટીદારો અને ચૌધરી સમાજના અગ્રણીઓએ લોકોને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે.
દીવ, દમણ અને દાદરા-નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે આ મંચ પરથી કડવા પાટીદાર, લેઉવા પાટીદાર અને આંજણા ચૌધરી સમાજને એક થવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આ બંને કદાવર નેતાઓની હાજરીમાં નિવેદનને ઘણું અગત્યનું મનાય છે. આ બંને નેતાઓ હાલમાં ટોચ પર છે. આ 2027ની ચૂંટણીનું પાવર પોલિટિકસ છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધતું જાય છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર કે કોંગ્રેસને મજબૂત બનતી અટકાવવી હોય તો આ ખેલ એ જરૂરી છે. પ્રફૂલ પટેલ પાક્કા ખેલાડી છે. ગુજરાતમાં સમાજના નામે સીએમની જે હવા ચાલી છે. એના પર પાટીદારોની નજર છે એ આ સાબિત કરી રહ્યું છે. એમ જ પ્રફૂલ પટેલે શંકરભાઈ ચૌધરી અને ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ નિવેદન આપ્યું નથી.
મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે, તો તેમના સંતાનો કેમ અલગ?
લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે, તો તેમના સંતાનો કેમ અલગ? તેમણે કડવા અને લેઉવા પાટીદાર વચ્ચેના ભેદ ભૂલી જવા તેમજ આંજણા ચૌધરી સમાજને પણ પાટીદાર સામાજિક ઓળખ સાથે જોડાવા પર ભાર મૂક્યો હતો. બીજી તરફ, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ એમ.એસ. પટેલે બંને સમાજો વચ્ચે રોટી-બેટીના વ્યવહાર શરૂ થવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
- પાટીદાર એકતાની હાકલથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો!
- પ્રફુલ પટેલના નિવેદનથી પાટીદાર પોલિટિક્સ ચર્ચામાં!
- લેઉઆ, કડવા અને આંજણા સમાજને એક થવા હાકલ!
- ચૌધરી-પાટીદાર એકતાના મંચ પરથી રાજકીય સંદેશ!
- પાટીદાર પાવર ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં!
- પાટીદાર એકતાની હાકલ, ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ?
- સમાજ એક છે તો વિભાજન કેમ?
- પાટીદાર એકતાને ભાજપ-કોંગ્રેસના નેતાઓનો અલગ સૂર!
- પાટીદાર એકતાના નિવેદન પાછળ રાજકીય ગણિત?
- એકતાની હાકલનું પરિણામ મતપેટી સુધી પહોંચશે?
12 વર્ષ પહેલાં અનામત આંદોલનનાં બીજ કઈ રીતે રોપાયાં હતાં?
હાલ ચાલી રહેલી પાટીદારોને એક થવાની વાતો વચ્ચે 12 વર્ષ પહેલાંના ઘટનાક્રમની પણ ચર્ચા થઈ રહી છે. તે સમયે પાટીદાર અને ચૌધરી સમાજ વચ્ચેની આંતરિક સ્પર્ધાને કારણે અનામત આંદોલનનાં બીજ રોપાયાં હોવાનું મનાય છે.
આંદોલનમાં હાર્દિક પટેલ સહિતના નેતાઓની મુખ્ય દલીલ એ હતી કે આંજણા ચૌધરી સમાજ શિક્ષિત, આર્થિક રીતે સંપન્ન અને રાજકીય વર્ચસ્વ ધરાવતો હોવા છતાં તેમને ઓબીસી (OBC) અનામતનો લાભ મળે છે, તો પછી પાટીદાર સમાજને પણ સરકારી નોકરીઓ માટે ઓબીસી અનામત મળવી જોઈએ.
રાજકીય સમીકરણો અને વોટબેંક જાળવવાની કવાયત
12 વર્ષ બાદ હવે બંને સમાજના નેતાઓ 'એક જ માતાના સંતાન' હોવાની વાત કરીને એક નેજા હેઠળ આવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સમગ્ર પહેલ પાછળનો મૂળ આશય ભાજપની મજબૂત વોટબેંક જાળવી રાખવાનો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ સહિતના અન્ય કેટલાક નાના ઓબીસી સમાજો ભાજપથી નારાજ થઈને વિપરીત વલણ અપનાવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
બીજી બાજુ ગત લોકસભા ચૂંટણીમાં ચૌધરી સમાજ વિરુદ્ધ અન્ય સમાજોનું ધ્રુવીકરણ થતાં ભાજપે બનાસકાંઠા બેઠક ગુમાવી પડી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ ઉત્તર ગુજરાતની પાટીદાર અને આંજણા ચૌધરી સમાજનો પ્રભાવ ધરાવતી 32 બેઠકો પૈકી અડધી બેઠકો પર પોતાનો દાવો મજબૂત બનાવવાની વ્યૂહરચના સાથે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે.
પાટીદાર આંજણા એક થાઓ
ચૂંટણી પહેલાં ફરી એકવાર પાટીદાર એકતાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હિંમતનગરમાં યોજાયેલા અર્બુદા મહોત્સવના મંચ પરથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે કડવા, લેઉવા અને આંજણા સહિત પાટીદાર અને ચૌધરી સમાજને એક થવાની હાકલ કરી છે. તેમણે કહ્યું કે, સમાજનો ઇતિહાસ એક છે, આધ્યશક્તિની આરાધના એક છે અને આપણે ભેગા બેસીએ તો રાજકીય નહીં, ભાઈચારાની વાત થાય.
ઊંઝા મંદિરના પ્રમુખ મહેન્દ્ર પટેલે પણ આ વિચારને સમર્થન આપ્યું છે. જોકે પ્રફુલ્લ પટેલના નિવેદન સામે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રફુલ્લ પટેલના નિવેદન સાથે અસહમતિ દર્શાવતા આક્ષેપ કર્યો કે, પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનું કામ ભાજપે કર્યું છે. લેઉવા પટેલ અને કડવા પટેલ સહિત તમામ પટેલ એક જ જૂથ છે, ત્યારે ચૌધરી સમાજના મંચ પરથી કરવામાં આવેલી વાતમાં રાજકીય ગંધ આવે છે.
બીજી તરફ સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ પણ પાટીદાર શબ્દની વ્યાપકતા અને ખેડૂતોના આંદોલન અંગે નિવેદન આપ્યું છે. ત્યારે સવાલ એ છે કે પ્રફુલ્લ પટેલની પાટીદાર એકતાની હાકલને સામાજિક સમર્થન મળશે કે આ મુદ્દો ચૂંટણી પહેલાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બનશે?
ત્રીજા સંતાનનો જન્મ થશે તો મળશે 51 હજાર રૂપિયાનું ઈનામ
પાટીદાર સમાજની ઘટતી વસતિને લઈને કચ્છ કડવા પાટીદાર સમાજે લીધો મોટો નિર્ણય. હવે પરિવારમાં ત્રીજા સંતાનનો જન્મ થશે તો મળશે 51 હજાર રૂપિયાનું ઈનામ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે ત્રીજું સંતાન દીકરી હશે તો પણ પરિવારને 51 હજાર રૂપિયા આપવામાં આવશે. હિંમતનગરમાં યોજાયેલા સમૂહ લગ્ન પ્રસંગે કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ છાભૈયાએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના આહ્વાનને સ્વીકારી કચ્છ સમાજે આ પહેલ કરી છે.
પાટીદાર સમાજમાં ઘટતી વસતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યું છે. તો બીજી તરફ રાજકોટના સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ પણ આ જાહેરાતને આવકારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પાટીદાર સમાજમાં દીકરીઓની કોઈ ઘટ નથી અને ત્રીજું સંતાન દીકરી જન્મે તો 51 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત આવકારદાયક છે ત્યારે સમાજની વસતિ વધારવા અને દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે કચ્છ કડવા પાટીદાર સમાજની આ પહેલ કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.