જામજોધપુરથી ગુમ થયેલા બે બાળકો ત્રણ વર્ષ બાદ રાજકોટના ગવરીદળથી મળ્યા, જામનગર AHTU ને મળી મોટી સફળતા
સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસે મોટી સફળતા મેળવી છે. જામનગર જિલ્લાના જોમજોધપુરથી ત્રણ વર્ષ પહેલા ગુમ થયેલા બે બાળકોને સોશિયલ મીડિયાની મદદથી મળી આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગવરીદળ ખાતેથી બંને બાળકોનો સુરક્ષિત કબજો મેળવાયો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ ૨૦૨૩થી ગુમ થયેલા બે બાળકોને જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ)ની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી શોધી કાઢવામાં સફળતા મેળવી છે. રાજકોટ જિલ્લાના ગવરીદળ ખાતેથી બંને બાળકોને શોધી કાઢી સુરક્ષિત રીતે જામનગર લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બાળ ઓબ્ઝર્વેશન હોમમાં સુપરત કરવામાં આવ્યા છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (આઈપીએસ)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાંથી ગુમ થયેલા તથા અપહરણ થયેલા સગીર બાળકોને શોધી કાઢવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે જામનગર એએચટીયુના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ગુમ થયેલા બાળકોની શોધખોળ કરવામાં આવી રહી હતી.
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર ૧૧૨૦૨૦૨૬૨૩૦૭૦૭/૨૦૨૩ના અનુસંધાને ૧૪ વર્ષીય મનોજ અને ગણેશ નામના બે બાળકો ગુમ થયા હતા. લાંબા સમયથી બંને બાળકોની ભાળ મળતી ન હોવાથી તેમને શોધી કાઢવા માટે એએચટીયુના એ.એસ.આઈ. રણમલ કારાભાઈ ગઢવીએ તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પોતાના ફેસબુક એકાઉન્ટ પર બંને બાળકોના ફોટોગ્રાફ્સ સાથે પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં બાળકો અંગે માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ એકતા નગર બનશે વધુ આકર્ષક: 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ અને 127 રૂમની આધુનિક IRCTC હોટેલ તૈયાર
સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી આ પોસ્ટના આધારે મળેલી ચોક્કસ માહિતીના આધારે બંને બાળકો રાજકોટ જિલ્લાના ગવરીદળ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી મળતાં જ જામનગર એએચટીયુની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બંને બાળકોને શોધી કાઢી સુરક્ષિત રીતે કબજામાં લીધા હતા. ત્યારબાદ બંને બાળકોને જામનગરના બાળ ઓબ્ઝર્વેશન હોમ ખાતે સુપરત કરવામાં આવ્યા હતા.
આમ, વર્ષ ૨૦૨૩થી ગુમ થયેલા બંને બાળકોને શોધી કાઢવામાં જામનગર એએચટીયુની ટીમને સફળતા મળી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભી, એ.એસ.આઈ. રણમલભાઈ કારાભાઈ ગઢવી તથા એ.એસ.આઈ. રાજદીપસિંહ ખુમાનસિંહ ઝાલાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.