Gandhinagar News: ગુજરાતમાં તહેવારો માત્ર ધાર્મિક અને સામાજિક ઉત્સાહ જ નથી લાવતા, પરંતુ રાજ્યના અર્થતંત્રને પણ જબરદસ્ત વેગ આપે છે. નવરાત્રિથી શરૂ કરીને દિવાળી સુધીના ગાળામાં ગુજરાતના બજારોમાં અંદાજે રૂ. 18,000 થી 20,000 કરોડ સુધીનો બમ્પર વેપાર થાય છે. નાના પાથરણાવાળાથી લઈને મોટા ઉદ્યોગો અને પરિવહન ક્ષેત્ર સુધી આ પર્વની ગુજરાતના અર્થતંત્ર પર લક્ષ્મીજીની મોટી કૃપા લઈને આવે છે.
તહેવારોમાં પોતાના વતન જવા અને પરિવાર સાથે રજાઓ માણવા નીકળેલા મુસાફરોના ભારે ધસારાને કારણે પરિવહન ક્ષેત્રમાં બમ્પર આવક નોંધાઈ છે. ગુજરાત એસ.ટી., ભારતીય રેલવે, મેટ્રો અને પ્રાઈવેટ ટ્રાવેલ્સ મળીને પરિવહન ક્ષેત્રની આવક રૂ. 1 અબજ (100 કરોડ) ને વટાવી ગઈ છે. તહેવારોના 15 દિવસના ગાળા માટે એસ.ટી. બસોમાં 5.98 લાખથી વધુ સીટોનું એડવાન્સ બુકિંગ થયું છે, જેનાથી નિગમને રૂ. 15.46 કરોડથી વધુની આવક થઈ છે. પીક દિવસોમાં રોજના 85,000 થી વધુ મુસાફરોના બુકિંગ સાથે દૈનિક રૂ. 2.20 કરોડથી વધુની આવક નોંધાઈ હતી. તહેવારના પ્રારંભિક માત્ર 3 દિવસમાં જ 3.57 લાખથી વધુ મુસાફરોએ આઉટવર્ડ મુસાફરીનું બુકિંગ કરાવ્યું હતું, જેનાથી રેલવેને રૂ. 12.08 કરોડથી વધુની આવક થઈ. ઓનલાઈન અને સ્ટેશન બુકિંગ મળીને પ્રતિદિન સરેરાશ 1.19 લાખ મુસાફરોએ રેલવેનો લાભ લીધો હતો. અમદાવાદ શહેરમાં ફરેલા સ્થાનિકો અને વિદેશી પર્યટકોને કારણે દિવાળીના અઠવાડિયામાં 5.70 લાખથી વધુ મુસાફરો નોંધાયા હતા, જેનાથી મેટ્રોને રૂ. 68 લાખથી વધુની ટિકિટ આવક થઈ હતી.
દિવાળી ટાણે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે વેપારની મોસમ ખોલે છે. દિવાળી વેકેશન દરમિયાન રાજ્યમાં અંદાજે 90 લાખથી વધુ પ્રવાસીઓની અવરજવરથી સ્થાનિક બજારોમાં રૂ. 1200 કરોડથી વધુનો વેપાર થાય છે. આ વેપારમાં હોટેલ-રિઝોર્ટ, યાત્રાધામો બહારના પ્રસાદીના સ્ટોલ, સ્થાનિક હસ્તકળા અને રસ્તામાં આવતા ચા-નાસ્તાના ધાબા સુધીના તમામ નાના-મોટા ધંધાનો સમાવેશ થાય છે. ધનતેરસથી ભાઈબીજ દરમિયાન દ્વારકાધીશ મંદિરે 4.95 લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા. દિવાળી વેકેશનમાં 3.50 લાખથી વધુ દર્શનાર્થીઓ પહોંચ્યા છે.
ગુજરાતના તમામ ગેસ્ટહાઉસ પૂર્ણ ક્ષમતાથી ભરાઈ ગયા છે અને વધારાની પાર્કિંગ વ્યવસ્થા પણ ઓછી પડી હતી. ચોટીલામાં ચાર દિવસમાં આશરે 7 લાખ ભાવિકો અને અંબાજીમાં 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. દિવાળીના દિવસોમાં 4.90 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. જંગલ સફારી પાર્કમાં રોજના 10 હજાર અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ૫ હજાર મુલાકાતીઓ નોંધાયા. સુરતના સરથાણા નેચર પાર્કમાં 81,000થી વધુ મુલાકાતીઓથી રૂ. 22.95 લાખની આવક થઈ, જ્યારે અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ૫.૫૦ લાખ મુલાકાતીઓ નોંધાયા. 2023ના દિવાળી વેકેશનમાં મુખ્ય 16 પ્રવાસન સ્થળોએ 43 લાખ મુલાકાતીઓ હતા, જે વધીને 2024માં 91.70 લાખે પહોંચ્યા હતા. ગુજરાતના કુલ ઘરેલું ઉત્પાદનમાં પ્રવાસન ક્ષેત્રનો ફાળો આશરે 4.95 ટકા (રૂ. 1.89 લાખ કરોડ) જેટલો રહે છે.
ગુજરાતમાં શુભ મુહૂર્તમાં સોના-ચાંદીની ખરીદી કરવાનો વિશેષ મહિમા છે. રવિપુષ્યામૃત યોગ અને ધનતેરસ જેવા પવિત્ર દિવસોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રૂ. 450 કરોડથી વધુના સોના-ચાંદીનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. અમદાવાદમાં શુકન અને રોકાણના હેતુથી રૂ. 160 કરોડનો વેપાર થયો. રવિપુષ્યના દિવસે જ 100 કિલો સોનું અને 1 ટનથી વધુ ચાંદીનું વેચાણ થયું. સુરતમાં 140 કરોડનો વેપાર. વડોદરામાં 90 કરોડનો સોના-ચાંદીનો વેપાર અને રાજકોટમાં રૂ. 70 થી 80 કરોડનું વેચાણ.
દશેરાની સરખામણીએ ધનતેરસે સોનાની ખરીદીમાં જંગી ઉછાળો જોવા મળે છે. અગાઉ દશેરા પર 400 કિલો સોનું વેચાયું તેની સામે ધનતેરસે 700 કિલો સુધી સોનું વેચાયું હતું. તાજેતરના વર્ષોમાં ભાવવધારા છતાં રોકાણના હેતુથી સિક્કા અને લગડીની માગ વધી છે. અમદાવાદમાં ધનતેરસની કુલ સોના-ચાંદીની ખરીદીમાંથી 55 ટકા હિસ્સો ૧ થી ૫ ગ્રામના સોનાના સિક્કા અને લગડીનો રહ્યો છે.
તહેવારોમાં માત્ર રિટેલ ખરીદી જ નહીં, પરંતુ ઉત્પાદન, પ્રિન્ટિંગ, પેકિંગ અને કૉર્પોરેટ ગિફ્ટિંગ ઉદ્યોગને પણ નવું આયુષ્ય મળે છે. એકલા વડોદરા શહેરમાં જ રૂ. 1,000 થી 1,500 કરોડના વેપારની ધારણા રાખવામાં આવે છે. ગુજરાતમાં કંપનીઓ દ્વારા કર્મચારીઓ અને ગ્રાહકોને આપવામાં આવતી ભેટસોગાદોના બજારનું વાર્ષિક કદ રૂ. 1,000 કરોડથી વધુ છે, જે વાર્ષિક 15 થી 20 ટકાના દરે વધી રહ્યું છે. અમદાવાદમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓ બ્રાન્ડેડ બેગ્સ, ટ્રાવેલ લગેજ અને ઈલેક્ટ્રોનિક્સ હોમ એપ્લાયન્સિસ જેવા જથ્થાબંધ ઓર્ડર આપે છે. સામાન્ય કાગળના રૂ. 50-60ના બોક્સ ઉપરાંત હવે રૂ. 200 થી રૂ. 1000 સુધીના પ્રીમિયમ ગ્લાસ અને લેધર બોર્ડ બોક્સની માગ વધી છે. આનાથી પેકિંગ ઉત્પાદકો, પ્રિન્ટરો, કેટરિંગ સર્વિસ અને સ્થાનિક ડિલિવરી નેટવર્ક સાથે જોડાયેલા નાના વેપારીઓને બમણી આવક થાય છે. સેવા ક્ષેત્રનો વેપાર પણ આ ગાળામાં 20 થી 25 ટકા જેટલો વધી જાય છે.