ગુજરાતની રાજનીતિમાં નવો વિવાદ છેડાયો છે. શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવાના નિવેદન બાદ પાટીદાર અને બ્રમ સમાજ લાલધૂમ થયો છે. દિનેશ બાંભણીયા અને યજ્ઞેશ દવેએ શંકરસિંહ વાઘેલાને પડકાર ફેંક્યો છે. નોંધનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સાગબારામાં યોજાયેલી આદિવાસીઓની બેઠકમાં એક નિવેદન આપતા નવો વિવાદ શરૂ થયો છે.
શું બોલ્યા હતા શંકરસિંહ વાઘેલા
સાગબારામાં આદિવાસી સમાજની જાહેરસભામાં શંકરસિંહ વાઘેલા સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જંગલ-જમીનના સાચા માલિકો આદિવાસી સમાજ છે. આ દરમિયાન તેમણે અનામત અંગે કહ્યું કે કોઈને મહેરબાનીથી અનામત આપવામાં આવી નથી. વર્ષોના અન્યાયને કારણે અનામત મળી છે.
પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન, નર્મદાના સાગબારામાં કહ્યું- પટેલ-વાણિયા-બ્રાહ્મણોને મેલું ઉપાડવાના...
#Gujarat #BreakingNews #News #ShankersinhVaghela #viralvideo pic.twitter.com/7di2NMOP3S— Zee 24 Kalak (@Zee24Kalak) October 3, 2026
આ સાથે શંકરસિંહ વાઘેલાએ પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજને પડકાર ફેંક્યો હતો. બાપુએ કહ્યુ કે પટેલ, વાણિયા કે બ્રાહ્મણ આદિવાસીઓનું મેલું ઉપાડે તો હું તેમને 50 હજાર આપું. તેમના આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજના દિનેશ બાંભણીયા અને બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ વળતો પ્રહાર કર્યો છે
દિનેશ બાભણીયાએ કર્યો પ્રહાર
શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ પાટીદાર સમાજના દિનેશ બાંભણીયાએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે શંકરસિંહ મેલું ઉપાડે તો પાટીદાર સમાજ માગશે એટલા રૂપિયા આપશે. દિનેશ બાંભણીયાએ કહ્યું કે શંકરસિંહનું નિવેદન બાલ્યઅવસ્થા વાળું છે. તેમણે કહ્યું કે શંકરસિંહે આ નિવેદન અમુક સમાજને ખુશ કરવા માટે આવ્યું છે.
બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેનું નિવેદન
શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે જો શંકરસિંહ મારા ઘરનું મેલું ઉપાડે તો હું પાંચ લાખ રૂપિયા આપીશ. યજ્ઞેશ દવેએ સવાલ કર્યો કે કેમ બ્રહ્મ સમાજ અને પાટીદાર સમાજને નિશાન બનાવવામાં આવ્યો છે. બાપુએ પોતાના સમાજ વિશે વાત કરી નથી.