Gujarat Patidar : ગુજરાતમાં આર્થિક રીતે સમૃદ્ધ પાટીદાર સમાજનો ભાજપમાં હંમેશાં દબદબો રહ્યો છે. હાલમાં ગુજરાતના સીએમ પણ ભૂપેન્દ્ર પટેલ છે. રાજ્યમાં પાવરફૂલ ગણાતા સમાજને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી જગાવવામાં કોઈ સફળ થઈ રહ્યું છે. એકાએક પાટીદાર સમાજના સંગઠનો અને નેતાઓ સક્રિય થઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. પબુભા માણેકે સીએમ પદ માટે આપેલી પ્રતિક્રિયા હવે આગની જેમ ફેલાઈ રહી છે. પાટીદાર નેતાઓની 'ભડાશ' પાછળનો અસલી ઈશારો કોની તરફ છે? અને હાર્દિક તેમજ અલ્પેશ સહિતના પાસના નેતાઓને એકાએક કેમ ઉભરાયો છે એ પ્રેમ એ સવાલો હેઠળ છે. આ નેતાઓના એક જેવા જ આક્રમક નિવેદનો ગુજરાતમાં કંઈક નવા જૂની થવાના એધાણનો અણસાર છે.
આગામી ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ રાજ્યમાં અત્યારથી જ રાજકીય હલચલ તેજ બની ગઈ છે. આવા સમયે હાર્દિક અને અલ્પેશની આ પોસ્ટ અનેક સવાલો ઊભા કરી રહી છે. શું આ બંને નેતાઓ પક્ષના કોઈ નિર્ણય કે નેતાથી નારાજ છે? કે પછી આગામી ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય વજન અને મહત્વ બતાવવા માટે આ પ્રકારનો મેસેજ આપવામાં આવી રહ્યો છે? હાલ તો આ બંને નેતાઓની 'ખામોશી' પાછળનો અસલી ઈશારો કોના તરફ છે, તે સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હાર્દિક પટેલે 25 નવેમ્બરની સાંજે પોતાની તસવીર સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલપતિના ગીત સાથે હાર્દિકે લખ્યું, ‘મારી શાંતિને નબળાઈ સમજવાની ભૂલ ન કરતા’ ‘દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી’આ કેપ્શન સાથેની પોસ્ટ વાયરલ થઈ હતી.
હાર્દિક પટેલની પોસ્ટ બાદ, આંદોલન સમયના તેમના સાથી અને પાસ (PAAS)ના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની એક જૂની તસવીર શેર કરી હતી. તેમણે હાર્દિકના સૂરમાં સૂર પુરાવતા કેપ્શનમાં લખ્યું કે, "અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી." એક જ સમયે બંને નેતાઓની આવી પોસ્ટે રાજકીય ગરમાવો વધારી દીધો છે.
પાટીદાર નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટથી ફરી રાજકીય વર્તુળોમાં ચર્ચા, હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા બાદ ધાર્મિક માલવીયાએ પણ મૂકી સૂચક પોસ્ટ! ધાર્મિક માલવીયાએ અલ્પેશ અને હાર્દિક સાથેની જૂની તસવીર ફેસબુક પર શેર કરી છે. પોસ્ટમાં લખ્યું કે અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ન કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં, સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ.
વધુમાં લખ્યું - અમારી ગતિ ભલે ધીમી લાગે, પરંતુ અમારા પગલાં જ આગળ જતાં રસ્તો બનશે, કોઈ ગેરસમજમાં રહીને અમને અલગ ન ગણશો, દિલના તાર હંમેશા એક જ ધબકાર પર ધબકે છે. ત્રણેય નેતાઓની એકસાથે જૂની તસવીર સાથેની પોસ્ટથી પાટીદાર રાજકારણમાં ફરી ચર્ચા તેજ થઈ છે. આ પોસ્ટને પાટીદાર નેતાઓની એકતા અને ફરી સક્રિય થવાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. સૌથી મોટી વાત એછે કે અલ્પેશ કથિરિયાએ પોસ્ટમાં ધાર્મિક માલવિયાનો ફોટોગ્રાફ કાપ્યો હતો પણ ધાર્મિકે ત્રણેયની એક સાથેની તસવીર મૂકી અલ્પેશ કથિરિયાની ચાલાકીને ખુલ્લી પાડી હતી. પાસ નેતાએ બાંભણીયાએ પણ આ પ્રકારની હવે પોસ્ટ કરી છે. એકની એક કોપી પેસ્ટ પોસ્ટથી પાસના નેતાઓ કોને ટાર્ગેટ કરી રહ્યાં છે એ સૌથી મોટો સવાલ છે.
એક સમયે સરકાર સામે આંદોલન કરનારા બંને નેતાઓ હાલ ભાજપમાં હોવાથી પોસ્ટને લઈને પાટીદાર સમાજમાં ચર્ચા છે. હાર્દિક પટેલ વિરમગામના ભાજપના ધારાસભ્ય છે, બંને નેતાઓની પોસ્ટ પાછળનું કારણ શું તે અંગે અટકળો ચાલી રહી છે. અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટતા કરી કે હાર્દિકના સમર્થનમાં પોસ્ટ મૂકી છે, જોકે હાર્દિકે પોસ્ટ શા માટે મૂકી તેની તેમને જાણ નથી અને બંને વચ્ચે કોઈ વાતચીત પણ થઈ નથી. હવે પાસના નેતાઓ સોશિયલ મીડિયા પર કોઈને ટાર્ગેટ કરી રહ્યાં છે પણ ચૂપ રહેતા નેતાઓ કેમ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા એ ગુજરાતમાં ચર્ચાનો વિષય છે.