Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
શું ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે?
સામાન્ય રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારનો કાર્યકાળ 2027 ના આખરી મહિનાઓમાં પૂરો થાય છે. જોકે ગુજરાતના રાજકારણમાં અત્યારે ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી આવશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચાને સૌપ્રથમ હવા આપવાની કામગીરી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કરી હતી અને પછી કોંગ્રેસ વખતોવખત હવા આપી રહી છે. કોંગ્રેસ કોઈપણ જાતની તૈયારી વગર દેશના રાજકારણમાં સર્જાયેલી સ્થિતિનો લાભ લેવા વહેલી ચૂંટણીનું રટણ કરી રહી છે. ભાજપ દ્વારા 2027 ની ચૂંટણીની તૈયારીઓ છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એક વર્ષમાં સમગ્ર ગુજરાતનો ચોથી વાર પ્રવાસ કરી ચૂક્યા છે. ભાજપે આદિવાસી બેલ્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બનાસકાંઠા અને નર્મદામાં ચૂંટણી સભા કરતા હોય તેવા પ્રવચનો કરી ચૂક્યા છે. જો કે વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી ચિન્હ વગર લડાતી ગ્રામ પંચાયતની ચૂંટણી રાજ્યમાં આવશે તે વિધાનસભાની ચૂંટણીનો પાયો બનશે તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરી- માર્ચ બજેટ સત્રમાં સરકાર લેખાનું દાન કે પૂર્ણ કદનું બજેટ રજૂ કરે છે તેની પર સૌની નજર રહેશે.
IAS અને IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર
દિવાળી બાદ લાભ પાંચમ પછી ગમે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બદલીનો ગંજીપો ચાંપવામાં આવશે. કલેક્ટર કક્ષા અને સચિવાલયમાં બેઠેલા IAS અધિકારી અને SP કક્ષાથી પોલીસ ભવનમાં બેઠેલા IPS અધિકારીની બદલીનો તખ્તો તૈયાર હોવાની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. ગાંધીનગર અને સચિવાલયમાં બદલી માટે ફૂટવર્ક અધિકારીઓ કરી રહ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ અને ગૃહ વિભાગ રાજકીય સમજ મેળવી હાલ કામગીરીમાં વ્યસ્ત હોવાનું જાણવા મળે છે.
ગુજરાતની ધરતી પરથી મોદી વિરોધીઓને સ"હર્ષ" જવાબ "મોદી કહી નહીં જાયેગા"
હિન્દી ફિલ્મનો ડાયલોગ "ઝુકેગા નહીં સાલા" બાદ હવે ગુજરાતની ધરતી પરથી રાજકારણમાં નવો ડાયલોગ આવ્યો. "મોદી કહી નહીં જાયેગા." આ શબ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો છે. બનાસકાઠામાં યોજાયેલી ખાટલા સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ સહિત મોદી વિરોધી પક્ષો અને નેતાઓને સીધો જવાબ આપી દીધો છે. દેશના રાજકારણમાં અત્યારે ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વિરોધ ઉભો કરવાનો પ્રયાસ જોરશોરથી ચાલી રહ્યો છે. ચૂંટણી પંચના નામે રાજકીય ટાર્ગેટ નરેન્દ્ર મોદી જ છે. એટલે જ વિરોધીઓને જવાબ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરતીને પસંદ કરી. મોદી પોતે જવાબ આપે તેના કરતાં યુવાનોના આઈકોન ગણાતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ ભૂમિકા સોંપવા આવી. Gen-Z આંદોલનના નામે વિરોધની સામે મંત્રી મંડળના ઉંમરની દ્રષ્ટિએ Gen-Z ગણાતા હર્ષ સંઘવીએ જડબાતોડ જવાબ આપ્યો. રાજકીય રીતે હર્ષ સંઘવી માટે આ હનુમાનજીની ભૂમિકા હતી. હર્ષ સંઘવીના હિન્દી સંબોધનથી સમગ્ર દેશમાં સંદેશો ગયો. ભાજપમાં રહેલા મોદી વિરોધીઓને પણ સ્પષ્ટ સંદેશ હતો. ‘મોદી કહી નહીં જાયેગા...’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ છેલ્લા શ્વાસ સુધી દેશ સેવા અને પ્રજા સેવા કરતા રહેવાની ખાતરી પોતાના પ્રવચનમાં આપી. સાથે એ પણ નોંધવું પડે કે, નરેન્દ્ર મોદીના 25 વર્ષના શાસનમાં પહેલી વખત "મોદી કહી નહીં જાયેગા" કહેવાની ફરજ પડી.

દાદા અને દાસ 2026 માં ‘ઓપરેશન ગંગાજળ’ની સદીનો રેકોર્ડ કરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વહીવટી વડા મુખ્ય સચિવ એમ. કે. દાસ એટલે દાદા અને દાસ સદી પૂરી કરવાનો રેકોર્ડ પોતાના નામ કરશે. રાજ્ય સરકારમા ભ્રષ્ટાચાર અને અનૈતિકતા સામે ‘ઓપરેશન ગંગાજળ’ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીની સરકારોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે સૌથી વધુ પગલાં ભરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હવે આ રેકોર્ડ અંતર્ગત 100 નો આંકડો 2026 માં જ પાર થઈ જશે તેવી ચર્ચા શરૂ થઈ છે. અત્યાર સુધી 85 થી વધુ અધિકારીઓ સામે ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત પ્રીમેચ્યોર રિટાયરમેન્ટના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઓક્ટોબર માસમાં જ ગેસ કેડરના ડી.આઇ.ભગલાણી અને જે.એમ.તુવાર ને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા. સીધી ભરતીથી IAS બનેલા ગૌરવ દહિયા અને રાજેશને પણ સરકારે અલવિદા કહી દેવાયું. આગામી દિવસોમાં વધુ એક સીધી ભરતીથી IAS બનેલા અને IPS અધિકારીનો વારો પડે તો નવાઈ નહીં. સરકારની મોનિટરિંગ સિસ્ટમમાં વર્ગ-1 અને ગેસ કેડરના અધિકારીઓનું લિસ્ટ તૈયાર હોવાની જાણકારી મળી રહી છે. એટલે જ લાગે છે કે ‘ઓપરેશન ગંગાજળ’માં ડિસેમ્બર 2026 પૂરો થાય એ પહેલા દાદા અને દાસ એક સદી પૂરી કરી લેશે.
)
ઠાકોર મેયર બને તેવી ગાંધીનગરમાં હવા
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરની જાહેરાત 3 તારીખે સામાન્ય સભામાં થશે. મહાનગરપાલિકામાં પહેલી વખત ઠાકોર સમાજને મેયરપદ મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હાથ ઉપર રહેશે તેવી રાજકીય ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ઓબીસી મેયર હોવાના કારણે અનેક નામો ચર્ચા છે. ઠાકોર સમાજના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરે એક અવાજે સમાજને મેયરપદ મળે તેવી રજૂઆત ભાજપને કરી છે. ભાજપ પણ 2027 ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઠાકોર મેયર આપે તો નવાઈ નહીં. જો કે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાંથી ત્રણ બેઠકો ઉપર ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ અને પ્રભુત્વ હાલ છે.