Vapi Murder Case : વાપીના છરવાડા વિસ્તારમાં આવેલી સાઈ સંસ્કાર સોસાયટી. રોજની જેમ સામાન્ય લાગતી આ સોસાયટીમાં અચાનક ચીસાચીસ અને દોડધામ મચી ગઈ.. બ્યુટી પાર્લર ચલાવતી સીમા નામની યુવતી પોતાના ઘરેથી પાર્લર જવા માટે બિલ્ડિંગની નીચે પહોંચી જ હતી, ત્યાં જ કાળ બનીને આવેલા એક યુવકે તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો.
જાહેરમાં સોસાયટીની વચ્ચે જ યુવતી પર ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દેવાઈ. સ્થાનિકોએ તાત્કાલિક ડુંગરા પોલીસને જાણ કરી. પોલીસે પણ ત્વરિત એક્શન લેતા ભાગી રહેલા પરેશ કંટારીયા નામના આરોપીને લોહીલુહાણ ચપ્પુ સાથે દબોચી લીધો. પરંતુ જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે પ્રેમ લગ્ન પાછળનું કડવું સત્ય સામે આવ્યું.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. હત્યારો પરેશ કંટારીયા બીજું કોઈ નહીં, પણ મૃતક સીમાનો પતિ હતો! વર્ષો પહેલા બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા, પણ છેલ્લા ચાર વર્ષથી સંબંધોમાં એવી કડવાશ આવી કે બંને અલગ રહેતા હતા.
વિવાદ એટલો વકર્યો કે મામલો કોર્ટના પગથિયે પહોંચ્યો. કોર્ટ કેસ દરમિયાન સીમાએ પતિ પરેશ પાસે ભરણપોષણ પેટે મોટી રકમની માંગણી કરી હતી. બસ, આ જ આર્થિક બોજ અને પારિવારિક કંકાસ પરેશના મગજ પર સવાર થઈ ગયો. ઘટનાના દિવસે તે સીમાના ઘરે આવ્યો, કોર્ટ કેસ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ અને આવેશમાં આવીને પરેશે પોતાની જ પત્નીને સરેઆમ રહેંસી નાખી.
આ જીવતો જાગતો પુરાવો
પતિ-પત્નીના પારિવારિક ઝઘડા જ્યારે અહંકાર અને ક્રોધનું રૂપ લે છે, ત્યારે સંસાર કેવી રીતે છિન્ન-ભિન્ન થઈ જાય છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. જે દંપતીએ ક્યારેક સાથે જીવવા-મરવાના વાયદા કર્યા હતા, આજે તેમાં પતિ જ પત્નીનો કાતિલ બની ગયો. આ લવ મેરેજનો અંજામ એટલો ભયાનક આવ્યો છે કે એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે.
આ દંપતીને એક માસૂમ સંતાન પણ છે. જેની માતા હવે આ દુનિયામાં નથી રહી, અને પિતા જિંદગીના ગણતરીના વર્ષો જેલના સળિયા પાછળ સડશે. પતિ-પત્નીની આ જીવલેણ લડાઈમાં આખરે એ માસૂમ બાળક અનાથ અને નોંધારું બની ગયું છે.