ભાવનગર-સોમનાથ હાઈ-વે રક્તરંજિત: ત્રાપજ પાસે બંધ ટ્રેલર પાછળ બોલેરો ઘૂસી જતાં અલંગના 6 કર્મચારીઓના કરુણ મોત
Bhavnagar Trapaj Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક ગોઝારી દુર્ઘટના બની છે. ત્રાપજ ગામ પાસે બંધ પડેલા ટ્રક પાછળ ધડકાભેર એક કાર ઘૂસી ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. દુર્ઘટનામાં ઘાયલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો દોડી ગયા હતા, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. હાલ આ ઘટનાના CCTV સામે આવ્યા છે.
Bhavnagar Trapaj Accident: ભાવનગર-તળાજા-સોમનાથ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત ગોઝારી ઘટના સામે આવી છે. તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક હાઈવે પર ઉભેલા એક ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર ઘૂસી જતાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરીએ જતી વખતે કાળ ભરખ્યો!
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ભાવનગર-તળાજા-સોમનાથ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક બોલેરો કારમાં સવાર તમામ લોકો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 24/B અને પ્લોટ નંબર 137 માં નોકરી અર્થે જઈ રહ્યા હતા. સવારના સમયે રોજની જેમ નોકરી પર જવા નીકળેલા આ કર્મચારીઓને રસ્તામાં જ કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતના ભયાનક દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં પણ કેદ થયા છે.
ગરબા રસિકો અને ખેલૈયાઓની ચિંતા વધારતા સમાચાર; નવરાત્રિ અને શરદ પૂનમને લઈને અંબાલાલની ભયાનક આગાહી
ચા-પાણી માટે ઉભેલા ટ્રેલર પાછળ બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો!
ત્રાપજ ગામ પાસે RJ-31-GA-9871 નંબરના ટ્રેલરનો ચાલક પોતાનું વાહન રસ્તા પર ઉભું રાખીને ચા-પાણી પીવા માટે ગયો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો કાર ટ્રેલરમાં પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ઘટનામાં ભોગ બનાર મૃતકોના નામની યાદી
આ ભયાનક દુર્ઘટનામાં બોલેરોમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયા હતા. મૃતકોના નામની વાત કરીએ તો વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ અને યોગેશભાઈનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં જયેશભાઈ નામના એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ગંભીર જણાતા વધુ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
સાવધાન! ફરી આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પહાડો પર બરફવર્ષા સાથે આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ
પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપી આગળની કાયદાકીય કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા.