Ahmedabad News: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર વાહનચાલકોને ટ્રાફિકની મુશ્કેલીમાંથી કાયમી છુટકારો અપાવવા માટે તૈયાર કરાયેલા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ બ્રિજનું 9 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સત્તાવાર લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજના લોકાર્પણ પહેલાના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં બ્રિજની સુંદરતા અને ગુણવત્તા સ્પષ્ટ જોઈ શકાય છે.
એસ.જી. હાઈવે પર એલિવેટેડ બ્રિજ શરૂ થવાથી સરખેજથી ગાંધીનગર તરફ જતા અને આવતા લાખો વાહનચાલકોને સીધો ફાયદો થશે. રૂપિયા 450 કરોડના ભવ્ય ખર્ચે નિર્માણ પામેલો આ 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ આધુનિક ઈજનેરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હવે સરખેજથી ગાંધીનગર મુસાફરી કરનારા વાહનચાલકોને રસ્તામાં આવતા ચાર રસ્તાઓ પર ઊભા રહેવામાંથી કાયમી મુક્તિ મળશે. હવે એક પણ સિગ્નલ કે ચાર રસ્તે રોકાયા વગર વાહનો સડસડાટ પસાર થઈ શકશે. આનાથી દૈનિક ધોરણે મુસાફરી કરતા લાખો લોકોને સમય અને ઈંધણ બંનેની મોટી રાહત મળશે.
વિકાસ કાર્યોની આ ભેટમાં રહેઠાણ ક્ષેત્રે પણ મોટો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. અમદાવાદમાં સૌ પ્રથમ વખત એકસાથે 7,000 EWS (આર્થિક રીતે નબળા વર્ગના) આવાસનો કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ ડ્રો સંપન્ન કરાવશે.
પોતાના ઘરનું સ્વપ્ન સેવતા પરિવારો માટે આ નવું વર્ષ ખૂબ જ ખાસ બની રહેશે, કારણ કે ગૃહ મંત્રીના હસ્તે જ લાભાર્થીઓને નવા મકાનની ચાવીઓ સોંપવામાં આવશે. નોંધનીય છે કે આ EWS આવાસ યોજના માટે તંત્રને રેકોર્ડબ્રેક 97 હજારથી વધુ અરજીઓ મળી હતી, જેમાંથી પારદર્શક પદ્ધતિથી ડ્રો દ્વારા 7 હજાર નસીબદાર પરિવારોની પસંદગી કરવામાં આવશે.
આ મકાનો શહેરના વિવિધ 11 વિસ્તારોમાં તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને નરોડા, નિકોલ, ઓઢવ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રામાપીરના ટેકરા પાસે જ 1250 જેટલા સુવિધાસભર મકાનો બનીને તૈયાર થઈ ગયા છે, જેથી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ પાકા આવાસનું સન્માનજનક જીવન મળશે.